અમે ભરતભૂમિના પુત્રો! - Ame Bharatabhumin Putro! - Lyrics

અમે ભરતભૂમિના પુત્રો!

અમે ભરતભૂમિના પુત્રો, અમ માત પુરાણ પવિત્ર,
રે જેનાં સુંદર સૂત્રો ઝળકાવે ઉચ્ચ ચરિત્ર;
અમ અંતરને ઉદ્દેશી કરશું હોકાર હંમેશ,
અમે હિંદી હિંદી હિંદી! ઓ દિવ્ય અમારો દેશ.

અંધાર વિશ્વે અથડાતાં કે ફરતાં ભવ્ય પ્રકાશ,
પડતાં રડતાં રગડાતાં કરતાં હાસ્યવિલાસ;
પળપળ અમ ઉરનિધિએ શી હા ઊછળે ઊર્મિ અશેષ,
અમે હિંદી હિંદી હિંદી! ઓ દિવ્ય અમારો દેશ.

ક્યાં હશે હિમાલય જેવો, ક્યાં પુણ્ય પવિત્ર જ ગંગ,
ક્યાં મળે અલૌકિક એવા સહુ દેશતણાં બહુ રંગ;
ક્યાં મુનિ ઈશ્વરજન બેસી કરતા પ્રભુપંથ ઉજેશ,
અમે હિંદી હિંદી હિંદી! ઓ દિવ્ય અમારો દેશ.

ક્યાં રામ-યુધિષ્ઠિર ઘૂમ્યાં, ક્યાં ગર્જ્યા અર્જુન-ભીમ,
ક્યાં રજપુતવીર ઝઝૂમ્યાં બળ દાખવવા અસીમ;
એ ભૂલીએ તે રીતે શી અમ અંતરથી લવલેશ,
અમે હિંદી હિંદી હિંદી! ઓ દિવ્ય અમારો દેશ.

નથી રે જીવવું પર આશે, છે પારકી આશ નિરાશ,
નથી કર ધરવો કો પાસે, સ્વાશ્રયનો છે ઉલ્લાસ;
કંઈ પુણ્યપ્રભા જ પ્રવેશી અહીં દે અમને ઉપદેશ,
અમે હિંદી હિંદી હિંદી! ઓ દિવ્ય અમારો દેશ.

ધમ ધમ ધરણી ધ્રૂજવશું અમ દેશતણાં કરી ગાન,
જય જય જયનાદ કરીશું, દઈશું મોંઘા અમ પ્રાણ;
એ ભક્તિ વસી ઉર, તે શી દેજો શક્તિ પરમેશ,
અમે હિંદી હિંદી હિંદી! ઓ દિવ્ય અમારો દેશ.

-અરદેશર ફરામજી ખબરદાર

Ame Bharatabhumin Putro!

Ame bharatabhumin putro, am mat puran pavitra,
Re jenan sundar sutro zalakave uchcha charitra;
Am antarane uddeshi karashun hokar hanmesha,
Ame hindi hindi hindi! o divya amaro desha.

Andhar vishve athadatan ke faratan bhavya prakasha,
Padatan radatan ragadatan karatan hasyavilasa;
Palapal am uranidhie shi h uchhale urmi ashesha,
Ame hindi hindi hindi! o divya amaro desha.

Kyan hashe himalaya jevo, kyan punya pavitra j ganga,
Kyan male alaukik ev sahu deshatanan bahu ranga;
Kyan muni ishvarajan besi karat prabhupantha ujesha,
Ame hindi hindi hindi! o divya amaro desha.

Kyan rama-yudhishthir ghumyan, kyan garjya arjuna-bhima,
Kyan rajaputavir zazumyan bal dakhavav asima;
E bhulie te rite shi am antarathi lavalesha,
Ame hindi hindi hindi! o divya amaro desha.

Nathi re jivavun par ashe, chhe paraki ash nirasha,
Nathi kar dharavo ko pase, swashrayano chhe ullasa;
Kani punyaprabh j praveshi ahin de amane upadesha,
Ame hindi hindi hindi! o divya amaro desha.

Dham dham dharani dhrujavashun am deshatanan kari gana,
Jaya jaya jayanad karishun, daishun mongha am prana;
E bhakti vasi ura, te shi dejo shakti paramesha,
Ame hindi hindi hindi! o divya amaro desha.

-Aradeshar Faramaji Khabaradara