બાને કાગળ - Bane Kagala - Lyrics

બાને કાગળ

તેં જ અપાવેલ જીન પ્હેરીને બેઠી છું
બહુ વખતે કાગળ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને
સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે સફેદ કોરો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું
બહુ વખતે દળદર લખવા

અમે મજામાં છીએ
કેમ છે તું?
લખવા ખાતર લખી રહી છું
પૂછવા ખાતર પૂછી રહી છું હું
લખવાનું બસ એ જ
આટલાં વરસે મેલાં થઈ થઈ
જીન્સ આ મારાં બની ગયાં છે
મેલખાઉં તો એવા
કે ધોવાનું મન થતું નથી

જીન ધોવાને અહીંયાં તો બા નથી
નદીનું ખળખળ વહેતું છૂટું પાણી
સખી સાહેલી કોઈ નથી
નથી નજીક કોઈ ખેતર
કૂવા, કાબર, કોયલ
નથી નજીકમાં ધોળા બગલા

ધોળું વૉશર, ધોળું ડ્રાયર
બ્લૂ જીન ધોવા ધોળાં વૉશિંગ પાઉડર
ઘડી ઘડીમાં સ્ટેટિક થાતાં જીનને માટે
એન્ટી-સ્ટેટિક ધોળાં ફેબ્રિક સૉફ્ટનર

લીલાં વૃક્ષો લાગે ધોળાં
ધોળું બ્લૂ આકાશ
સાત રંગનું મેઘધનુષ પણ ધોળું લાગે
ધોળું કાજળ, ધોળો સુરમો
ધોળું કંકુ, ધોળા લાગે ધોળાં ચોખા
ધોળો, ધોળો, સાવ સફેદ ધોળો ગુલાલ

ધોળાઓના દેશ મહીં આ
કેવાં કાળા ભાગ્ય
કરમની કઠણાયુંને હું ધોળા દિવસે
ખાંડ્યાં કરતી બેઠી છું અહીં
બેઠી છું બહુ વખતે વિહ્‌વળ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને
સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે બહુ ધોળો નહિ એવો
આગળ વધી રહેલો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું
બહુ વખતે અટકળ લખવા
કાગળમાં હું ફરી ફરી એ જ લખું છું બા

ધોયેલાં જીન સૂકવવા નથી
અહીં કોઈ આંબાવાડી
તડકાં પણ અહીંના છે સ્ટરિલાઈઝ્ડ
હવા અહીંની ઈપીએ કન્ટ્રોલ્ડ
સ્પ્રિન્કલરના પાણીથી ઊગે
થોડું થોડું લીલું લીલું ઘાસ
ઘાસ અહીંનું સૌનું નોખું
નોખું પાણી, નોખાં તડકા

જીન્સ અહીં તો બોલચાલનાં નોખાં
નોખાં હળવા મળવાનાં
નોખાં રીતભાતનાં
એકબીજાને ગમવાનાં પણ નોખાં
નોખાં ટીવી, નોખાં રિમોટ
નોખી પાર્ટી, નોખાં વૉટ
નોખી ગાડી, નોખાં ફોન
નોખાં નામો, જશવંત જ્હોન

એક જ છતની નીચે
સહુનાં નોખાં નોખાં ઘર
નોખી નોખી વહુઓનાં
છે નોખાં નોખાં વર
મારા ઘરમાં મારાથી હું નોખી થઈને
બેઠી છું મારાથી થોડે દૂર
દૂર દૂર થઈ બેઠી છું
બહુ વખતે સાંધણ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને
સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે લખવા ધારેલ ટૂંકો
પણ લાંબો થઈ ગયેલો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું
બહુ વખતે સાંધણ લખવા
કાગળને ઊંધો કરતાં બીજી બાજુ
પણ એ જ લખું છું બા

સ્હેજ સુકાયેલ જીનને
પૂરાં સૂકવવાને ઊંધા કરતાં
ઑલમોસ્ટ આ લાઈફ
થઈ ગઈ ઊંધી
ઊંધા રસ્તા, ઊંધી ગાડી
ઊંધા માણસ, ઊંધી લાડી
ઊંધી વાતો કરતાં કરતાં
રોજ વિતાવું ઊંધી રાતો
ઊંધા નળમાં રોજ રોજ
હું ઊંધું પાણી સીંચું
ઊંધા ઊંધા અંધારામાં
અજવાળા કરવાની ઊંધી સ્વિચું

અ આ ઇ ઉ અહીંનું ઊંધુ
ઊંધા ય, ર, ઊંધા લ, વ
ઊંધા સ ની સાથે સીધી
બેઠી છું હું સૂમસામ થઈ
બેઠી છું બહુ વખતે ‘સાજણ’ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને
સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે પૂરેપૂરો અને
આમ અધૂરો કાગળ
કાગળિયાનો ટેકો લઈને
બેઠી છું બહુ વખતે ‘સાજણ’ લખવા

છેલ્લે છેલ્લે લખવાનું કે
ઘડી ઘડી ધોવાતાં આ
જીનની ચારે કોર દ્વિધાના
અકળામણના સળ પડ્યાં છે ઊંડા

સળ પડ્યાં છે જીનની ઉપર
યુએસએમાં યેનકેન સેટલ થવાના
સેટલ થાવાની શરતોના
શરતોને આધીન થવાના
આધીન થઈ ઍડજસ્ટ થવાના
મેડિકલને વશ થવાના
સૉશ્યલ સિક્યુરિટીને પરવશ થવાના

યુએસએમાં વડોદરાને વશ થઈને
બેઠી છું હું બહુ વખતે વળગણ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને
સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે પૂરો લખેલ કોરો કાગળ
કાગળિયાનો ટેકો લઈને
બેઠી છું બહુ વખતે દળદર લખવા

-ચંદ્રકાન્ત શાહ


Bane Kagala

Ten j apavel jin pherine bethi chhun
Bahu vakhate kagal lakhava

Achhan blu denim ane
Sefayar blu chhe shahi
Vachche safed koro kagala
Kagaliyano teko laine bethi chhun
Bahu vakhate daladar lakhava

Ame majaman chhie
Kem chhe tun? Lakhav khatar lakhi rahi chhun
Puchhav khatar puchhi rahi chhun hun
Lakhavanun bas e ja
Aṭalan varase melan thai thai
Jinsa a maran bani gayan chhe
Melakhaun to eva
Ke dhovanun man thatun nathi

Jin dhovane ahinyan to b nathi
Nadinun khalakhal vahetun chhutun pani
Sakhi saheli koi nathi
Nathi najik koi khetara
Kuva, kabara, koyala
Nathi najikaman dhol bagala

Dholun voshara, dholun drayara
Blu jin dhov dholan voshinga paudara
Ghadi ghadiman stetik thatan jinane mate
Enti-stetik dholan febrik sofṭanara

Lilan vruksho lage dholan
Dholun blu akasha
Sat ranganun meghadhanush pan dholun lage
Dholun kajala, dholo suramo
Dholun kanku, dhol lage dholan chokha
Dholo, dholo, sav safed dholo gulala

Dholaon desh mahin a
Kevan kal bhagya
Karamani kaṭhanayunne hun dhol divase
Khandyan karati bethi chhun ahin
Bethi chhun bahu vakhate vihval lakhava

Achhan blu denim ane
Sefayar blu chhe shahi
Vachche bahu dholo nahi evo
Agal vadhi rahelo kagala
Kagaliyano teko laine bethi chhun
Bahu vakhate aṭakal lakhava
Kagalaman hun fari fari e j lakhun chhun ba

Dhoyelan jin sukavav nathi
Ahin koi anbavadi
Tadakan pan ahinna chhe sṭarilaizda
Hav ahinni ipie kantrolda
Sprinkalaran panithi uge
Thodun thodun lilun lilun ghasa
Ghas ahinnun saunun nokhun
Nokhun pani, nokhan tadaka

Jinsa ahin to bolachalanan nokhan
Nokhan halav malavanan
Nokhan ritabhatanan
Ekabijane gamavanan pan nokhan
Nokhan tivi, nokhan rimoṭa
Nokhi parti, nokhan voṭa
Nokhi gadi, nokhan fona
Nokhan namo, jashavanṭa jhona

Ek j chhatani niche
Sahunan nokhan nokhan ghara
Nokhi nokhi vahuonan
Chhe nokhan nokhan vara
Mar gharaman marathi hun nokhi thaine
Bethi chhun marathi thode dura
Dur dur thai bethi chhun
Bahu vakhate sandhan lakhava

Achhan blu denim ane
Sefayar blu chhe shahi
Vachche lakhav dharel tunko
Pan lanbo thai gayelo kagala
Kagaliyano teko laine bethi chhun
Bahu vakhate sandhan lakhava
Kagalane undho karatan biji baju
Pan e j lakhun chhun ba

Shej sukayel jinane
Puran sukavavane undha karatan
Olamosṭa a laifa
Thai gai undhi
Undha rasta, undhi gadi
Undha manasa, undhi ladi
Undhi vato karatan karatan
Roj vitavun undhi rato
Undha nalaman roj roja
Hun undhun pani sinchun
Undha undha andharaman
Ajaval karavani undhi svichun

A a i u ahinnun undhu
Undha ya, ra, undha la, va
Undha s ni sathe sidhi
Bethi chhun hun sumasam thai
Bethi chhun bahu vakhate ‘sajana’ lakhava

Achhan blu denim ane
Sefayar blu chhe shahi
Vachche purepuro ane
Am adhuro kagala
Kagaliyano teko laine
Bethi chhun bahu vakhate ‘sajana’ lakhava

Chhelle chhelle lakhavanun ke
Ghadi ghadi dhovatan a
Jinani chare kor dvidhana
Akalamanan sal padyan chhe unda

Sal padyan chhe jinani upara
Yuesaeman yenaken seṭal thavana
Seṭal thavani sharatona
Sharatone adhin thavana
Adhin thai edajasṭa thavana
Medikalane vash thavana
Soshyal sikyuritine paravash thavana

Yuesaeman vadodarane vash thaine
Bethi chhun hun bahu vakhate valagan lakhava

Achhan blu denim ane
Sefayar blu chhe shahi
Vachche puro lakhel koro kagala
Kagaliyano teko laine
Bethi chhun bahu vakhate daladar lakhava

-chandrakanṭa shaha

Source: Mavjibhai