બાર બાર વરસે નવાણ ગળાવ્યાં - Bār Bār Varase Navāṇ Gaḷāvyān - Lyrics

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં,
નવાણે નીર નો આવ્યાં જી રે
તેડાવો જાણતલ તેડાવો જોશી,
જોશીડા જોશ જોવરાવો જી રે

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે’
‘ઘોડા ખેલવતા વીર રે અભેસંગ!
દાદાજી બોલાવે જી રે’

‘શું રે કો’ છો મારા સમરથ દાદા,
શા કાજે બોલાવ્યા જી રે?’
‘જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે’

‘એમાં તે શું મારા સમરથ દાદા,
પારકી જણીને પૂછી આવો જી રે’
‘બેટડો ધવડાવતાં વહુ રે વાધેલી વહુ,
સાસુજી બોલાવે જી રે’

’શું રે કો’ છો મારા સમરથ સાસુ,
શા કાજે બોલાવ્યાં જી રે’
‘જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે’

‘એમાં તે શું મારા સમરથ સાસુ,
જે કે’શો તે કરશું જી રે’
’ભાઈ રે જોશીડા, વીર રે જોશીડા,
સંદેશો લઈ જાજે જી રે’

‘મારી માતાને એટલું જ કહેજે,
મોડિયો ને ચૂંદડી લાવે જી રે’
‘ઊઠો રે મારાં સમરથ જેઠાણી,
ઊનાં પાણી મેલો જી રે’

‘ઊઠો રે મારા સમરથ દેરાણી,
માથાં અમારાં ગૂંથો જી રે’
‘ઊઠો રે મારા સમરથ દેરીડા,
વેલડિયું શણગારો જી રે’

‘ઊઠો રે મારા સમરથ નણદી,
છેડાછેડી બાંધો જી રે’
‘ઊઠો રે મારા સમરથ સસરા,
જાંગીડા ઢોલ વગડાવો જી રે’

‘આવો, આવો મારા માનસંગ દીકરા,
છેલ્લાં ધાવણ ધાવો જી રે’
પુતર જઈને પારણે પોઢાડ્યો,
નેણલે આંસુડાંની ધારું જી રે

ઝાંઝ પખાજ ને જંતર વાગે,
દીકરો ને વહુ પધરાવે જી રે
‘પાછું વાળી જોજો અભેસંગ દીકરા,
ઘોડલાં કોણ ખેલવશે જી રે?’

‘ઈ રે શું બોલ્યાં સમરથ બાપુ,
નાનો ભાઈ ખેલવશે જી રે’
‘પાછું વાળીને જોજો વહુ રે વાધેલી વહુ,
પુતર કોને ભળાવ્યાં જી રે?’

‘કોણ ધવરાવશે, કોણ રમાડશે,
કેમ કરી મોટા થાશે જી રે?’
‘દેરાણી ધવરાવશે, નણદી રમાડશે,
જેઠાણી ઉછેરશે જી રે’

પહેલે પગથિયે જઈ પગ દીધો,
પાતાળે પાણી ઝબક્યાં જી રે
બીજે પગથિયે જઈ પગ દીધો,
કાંડા તે બુડ પાણી આવ્યાં જી રે

ત્રીજે પગથિયે જઈ પગ દીધો,
કેડ સમાં નીર આવ્યાં જી રે
ચોથે પગથિયે જઈ પગ દીધો
છાતી સમાં નીર આવ્યાં જી રે

પાંચમે પગથિયે જઈ પગ દીધો,
પરવશ પડિયા પ્રાણિયા જી રે
‘એક હોંકારો દ્યો ને અભેસંગ,
ગોઝારાં પાણી કોણ પીશે જી રે?’

‘પીશે તે ચારણ, પીશે તે ભાટો,
પીશે અભેસંગનો દાદો જી રે’
‘એક હોંકારો દ્યો ને વાધેલી વહુ,
ગોઝારાં પાણી કોણ પીશે જી રે?’

‘પીશે તે વાણિયા, પીશે તે બ્રાહ્મણ,
પીશે વાળુભાના લોકો જી રે’
તરી છે ચૂંદડી ને તર્યો છે મોડિયો,
તર્યા અભેસંગનાં ખોળિયાં જી રે

ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં,
ઓરડા અણોસરા લાગે જી રે
વા’લાં હતાં તેને ખોળે બેસાડીયા,
દવલાંને પાતાળ પૂર્યાં જી રે


Bār Bār Varase Navāṇ Gaḷāvyān

Bār bār varase navāṇ gaḷāvyān,
Navāṇe nīr no āvyān jī re
Teḍāvo jāṇatal teḍāvo joshī,
Joshīḍā josh jovarāvo jī re

Jāṇatal joshīḍo em karī bolyo,
Dīkaro ne vahu padharāvo jī re’
‘ghoḍā khelavatā vīr re abhesanga! Dādājī bolāve jī re’

‘shun re ko’ chho mārā samarath dādā,
Shā kāje bolāvyā jī re?’
‘jāṇatal joshīḍo em karī bolyo,
Dīkaro ne vahu padharāvo jī re’

‘emān te shun mārā samarath dādā,
Pārakī jaṇīne pūchhī āvo jī re’
‘beṭaḍo dhavaḍāvatān vahu re vādhelī vahu,
Sāsujī bolāve jī re’

’shun re ko’ chho mārā samarath sāsu,
Shā kāje bolāvyān jī re’
‘jāṇatal joshīḍo em karī bolyo,
Dīkaro ne vahu padharāvo jī re’

‘emān te shun mārā samarath sāsu,
Je ke’sho te karashun jī re’
’bhāī re joshīḍā, vīr re joshīḍā,
Sandesho laī jāje jī re’

‘mārī mātāne eṭalun j kaheje,
Moḍiyo ne chūndaḍī lāve jī re’
‘ūṭho re mārān samarath jeṭhāṇī,
Ūnān pāṇī melo jī re’

‘ūṭho re mārā samarath derāṇī,
Māthān amārān gūntho jī re’
‘ūṭho re mārā samarath derīḍā,
Velaḍiyun shaṇagāro jī re’

‘ūṭho re mārā samarath naṇadī,
Chheḍāchheḍī bāndho jī re’
‘ūṭho re mārā samarath sasarā,
Jāngīḍā ḍhol vagaḍāvo jī re’

‘āvo, āvo mārā mānasanga dīkarā,
Chhellān dhāvaṇ dhāvo jī re’
Putar jaīne pāraṇe poḍhāḍyo,
Neṇale ānsuḍānnī dhārun jī re

Zānza pakhāj ne jantar vāge,
Dīkaro ne vahu padharāve jī re
‘pāchhun vāḷī jojo abhesanga dīkarā,
Ghoḍalān koṇ khelavashe jī re?’

‘ī re shun bolyān samarath bāpu,
Nāno bhāī khelavashe jī re’
‘pāchhun vāḷīne jojo vahu re vādhelī vahu,
Putar kone bhaḷāvyān jī re?’

‘koṇ dhavarāvashe, koṇ ramāḍashe,
Kem karī moṭā thāshe jī re?’
‘derāṇī dhavarāvashe, naṇadī ramāḍashe,
Jeṭhāṇī uchherashe jī re’

Pahele pagathiye jaī pag dīdho,
Pātāḷe pāṇī zabakyān jī re
Bīje pagathiye jaī pag dīdho,
Kānḍā te buḍ pāṇī āvyān jī re

Trīje pagathiye jaī pag dīdho,
Keḍ samān nīr āvyān jī re
Chothe pagathiye jaī pag dīdho
chhātī samān nīr āvyān jī re

Pānchame pagathiye jaī pag dīdho,
Paravash paḍiyā prāṇiyā jī re
‘ek honkāro dyo ne abhesanga,
Gozārān pāṇī koṇ pīshe jī re?’

‘pīshe te chāraṇa, pīshe te bhāṭo,
Pīshe abhesangano dādo jī re’
‘ek honkāro dyo ne vādhelī vahu,
Gozārān pāṇī koṇ pīshe jī re?’

‘pīshe te vāṇiyā, pīshe te brāhmaṇa,
Pīshe vāḷubhānā loko jī re’
Tarī chhe chūndaḍī ne taryo chhe moḍiyo,
Taryā abhesanganān khoḷiyān jī re

Gātān ne vātān gharamān āvyān,
Oraḍā aṇosarā lāge jī re
Vā’lān hatān tene khoḷe besāḍīyā,
Davalānne pātāḷ pūryān jī re

Source: Mavjibhai