ભાણી - Bhāṇī - Gujarati Kavita

ભાણી

દીવાળીનાં દિન આવતાં જાણી,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

માથે હતું કાળી રાતનું ધાબું,
માગી-ત્રાગી કર્યો એકઠો સાબુ ;
‘કોડી વિનાની હું કેટલે આંબુ ?’

રુદિયામાં એમ રડતી છાની,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

લૂગડાંમાં એક સાડલો જુનો,
ઘાઘરો યે મેલો દાટ કે’દુનો :
કમખાએ કર્યો કેવડો ગુનો ?

તીને ત્રોફાએલ ચીંથરાને કેમ ઝીકવું તાણી ?
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

ઓઢણું પે’રે ને ઘાઘરો ધૂવે,
ઘાઘરો ઓઢે ને ઓઢણું ધૂવે ;
બીતી બીતી ચારે દિશામાં જુવે,

એને ઉઘાડાં અંગઅંગમાંથી આતમા ચૂવે ;
લાખ ટકાની આબરુને એણે સોડમાં તાણી ,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

ઊભા ઊભા કરે ઝાડવાં વાતું ,
ચીભડાં વેચીને પેટડાં ભરતી
ક્યાંથી મળે એને ચીંથરું ચોથું ?

વસ્તર વિનાની ઈસ્તરી જાતની આબરુ સારુ
પડી જતી નથી કેમ મો’લાતુ ?

શિયાળવાંની વછૂટતી વાણી,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

અંગે અંગે આવ્યું ટાઢનું તેડું
કેમ કરી થાવું ઝુંપડી ભેળું ?
વાયુની પાંખ ઉડાડતી વેળું :

જેમ તેમ પે’રી લુગડાં નાઠી
ઠેસ, ઠેબા-ગડથોલિયાં ખાતી :
ધ્રુજતી ધ્રુજતી
કાયા સંતાડતી
કૂ બે પહોંચતાં તો પટકાણી
રાંકની રાણી :
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

—ઈન્દુલાલ ગાંધી.


Bhāṇī

Dīvāḷīnān din āvatān jāṇī,
Bhādaramān dhūve lūgaḍān bhāṇī.

Māthe hatun kāḷī rātanun dhābun,
Māgī-trāgī karyo ekaṭho sābu ;
‘koḍī vinānī hun keṭale ānbu ?’

Rudiyāmān em raḍatī chhānī,
Bhādaramān dhūve lūgaḍān bhāṇī.

Lūgaḍānmān ek sāḍalo juno,
Ghāgharo ye melo dāṭ ke’duno :
Kamakhāe karyo kevaḍo guno ?

Tīne trofāel chīntharāne kem zīkavun tāṇī ? Bhādaramān dhūve lūgaḍān bhāṇī.

Oḍhaṇun pe’re ne ghāgharo dhūve,
Ghāgharo oḍhe ne oḍhaṇun dhūve ;
Bītī bītī chāre dishāmān juve,

Ene ughāḍān angaangamānthī ātamā chūve ;
Lākh ṭakānī ābarune eṇe soḍamān tāṇī ,
Bhādaramān dhūve lūgaḍān bhāṇī.

Ūbhā ūbhā kare zāḍavān vātun ,
Chībhaḍān vechīne peṭaḍān bharatī
Kyānthī maḷe ene chīntharun chothun ?

Vastar vinānī īstarī jātanī ābaru sāru
Paḍī jatī nathī kem mo’lātu ?

Shiyāḷavānnī vachhūṭatī vāṇī,
Bhādaramān dhūve lūgaḍān bhāṇī.

Ange ange āvyun ṭāḍhanun teḍun
Kem karī thāvun zunpaḍī bheḷun ? Vāyunī pānkha uḍāḍatī veḷun :

Jem tem pe’rī lugaḍān nāṭhī
Ṭhesa, ṭhebā-gaḍatholiyān khātī :
Dhrujatī dhrujatī
Kāyā santāḍatī
Kū be pahonchatān to paṭakāṇī
Rānkanī rāṇī :
Bhādaramān dhūve lūgaḍān bhāṇī.

—īndulāl gāndhī.