હરિને વિદાય
વૈકુંઠ સિધાવો રે
વૈકુંઠે પધારો રે
હવે હરિ વૈકુંઠે જાઓ રે
કામ નથી હવે ઝાઝું તમારું
તેં વણસાડ્યું ઊલટું વાજું
લોક નથી હવે ભોળિયા જૂના
દેશે ના ખાવા ય ખાજું
વૈકુંઠમાં જાણે ધાન ખૂટ્યું તે તું
આવ્યો શું ઢોર હરાયો
ગોકુળનાં દૂધ-માખણ ખાતાં તું
ફાટ્યો, કદી ના ધરાયો
દરિયામાં સાપ પરે સૂઈ રહેવું
લાગ્યું હશે જ અકારું
ગોકુળમાં ઝટ્ટ આવી ભરાયો તું
ધરતીનું કીધું નગારું
ખાધું પીધું ખૂબ મારામારી કરી
દુનિયાનો વાળ્યો દાટ
થાક્યો ત્યારે તેં તો મંદિરમાં પેસી
વાસી દેવાડ્યા કમાડ
તું તારે મંદિરમાં જઈ બેઠો ને
ઠોકરે ઠેલ્યા આ લોક
તારું નાચેલું આ નાચ્યાં, તારું વેણ
સાચું ન સમજ્યું કોક
તું તારે જા વૈકુંઠે ચાલી, જો
દિન આવ્યા હવે માઠાં
તારા વારાના ગોવાળો ને રાજા
સ્વરગે કે નરકે નાઠા
ગાયો અને ગૌચરા એકે
આજે નથી રહ્યાં સાજા
અન્નપાણીનાં વલખાં અમારે ત્યાં
તારે શાં માખણ તાજાં?
મોર મુગટ ને પીળાં પીતાંબર
કાને કરેણનો ગોટો
ભૂલી જાજે લાડ જસોદાનાં
મળશે હવે જાડો જોટો
મોરલી તારીને મેલ્ય તું ફૂંકીને
શંખલો દરિયામાં નાખ
હડકાયા કૂતરાંની બીક લાગે તો
હાથે ડંગોરી તું રાખ
ગાવાં ને નાચવાં, જમનામાં નહાવાં
તારાં ન આજ કોઈ સાંખે
રોગ રડે, અહીં નાચે દુકાળો
મોત ખાઉં ખાઉં ભાખે
તું પોઢ્યો સોનાને પારણે ને અહીં
નાકલીટી લોક તાણે
છપ્પનભોગનો ખાનારો અમ્મારાં
પેટની પીડા શું જાણે?
પોલું દેખી અહીં પેઠો શું લાગ છ
મીઠડે દૂધે મોહ્યો
તેં તારું દૂધ ને ઘી સંભાળ્યું
મનખો અમારો ન જોયો
કોયો ભગત એના આંખના ડોળા
ફાડી ફાડી તને પૂછે
જુગના જુગો તને રાખી જોયો હવે
કામ તારું અહીં શું છે?
વૈકુંઠ સિધાવો રે
વૈકુંઠે પધારો રે
હવે હરિ વૈકુંઠે જાઓ રે
-સુન્દરમ્
Harine Vidaya
Vaikuntha sidhavo re
Vaikunthe padharo re
have hari vaikunthe jao re
Kam nathi have zazun tamarun
ten vanasadyun ulatun vajun
Lok nathi have bholiya juna
deshe n khav ya khajun
Vaikunṭhaman jane dhan khutyun te tun
avyo shun dhor harayo
Gokulanan dudha-makhan khatan tun
fatyo, kadi n dharayo
Dariyaman sap pare sui rahevun
lagyun hashe j akarun
Gokulaman zatṭa avi bharayo tun
dharatinun kidhun nagarun
Khadhun pidhun khub maramari kari
duniyano valyo daṭa
Thakyo tyare ten to mandiraman pesi
vasi devadya kamada
Tun tare mandiraman jai betho ne
thokare thelya a loka
Tarun nachelun a nachyan, tarun vena
sachun n samajyun koka
Tun tare j vaikunthe chali, jo
din avya have mathan
Tar varan govalo ne raja
swarage ke narake natha
Gayo ane gauchar eke
aje nathi rahyan saja
Annapaninan valakhan amare tyan
tare shan makhan tajan?
Mor mugat ne pilan pitanbara
kane karenano goto
Bhuli jaje lad jasodanan
malashe have jado joto
Morali tarine melya tun funkine
shankhalo dariyaman nakha
Hadakaya kutaranni bik lage to
hathe dangori tun rakha
Gavan ne nachavan, jamanaman nahavan
taran n aj koi sankhe
Rog rade, ahin nache dukalo
mot khaun khaun bhakhe
Tun podhyo sonane parane ne ahin
nakaliti lok tane
Chhappanabhogano khanaro ammaran
peṭani pid shun jane?
Polun dekhi ahin petho shun lag chha
miṭhade dudhe mohyo
Ten tarun dudh ne ghi sanbhalyun
manakho amaro n joyo
Koyo bhagat en ankhan dola
fadi fadi tane puchhe
Jugan jugo tane rakhi joyo have
kam tarun ahin shun chhe?
Vaikuntha sidhavo re
Vaikunthe padharo re
have hari vaikunthe jao re
-sundaram
Source: Mavjibhai