કબીરવડ - Kabiravada

કબીરવડ

(શિખરિણી)

ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
દીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હૃદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.

કદે દેખાવે એ, અચરતી જણાયે જગતમાં,
ખરે મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
મનાયે સત્સંગે પવિતર કબીરા ભગતમાં,
પ્રજાની વૃદ્ધિએ, નિત અમર કહેવાય નવ કાં?

જતાં પાસે જોઉં, વડ નહિ વડોનું વન ખરે,
મળે આડા ઊભાં, અતિ નિકટ નીચે ઉપર જે;
વડો ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જીવતું એક મૂળ તો.

ક્યું ડાળું પહેલું, કંઈ ન પરખાએ શ્રમ કરે,
ઘસેડ્યો પાડીને, અસલ વડ રે લે જણ કહે;
તણાયા છે ભાગો, ઘણી વખત જો એ વડ તણા,
તથાપી એ થાએ, ફુટ વીસ ગુણ્યા સો પરિઘમાં

ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરુ કેરી નીકળતાં,
ખૂંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતાં;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી, વડ તજી ગિરિએ જઈ રહ્યા.

જટા લાંબી લાંબી, મૂળ થડથી થોડેક દૂર જે,
નીચે ભૂમિ સાથે, અટકી પછી પેસે મહીં જતે;
મળી મૂળિયાંમાં, ફરી નીકળી આવે તરુરૂપે,
થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કહી રહે.

વળી ડાળો મોટી, ઘણીક વડવાઈથી નિકળે,
જટા પાછી જેને, અસલ પરમાણે જ લટકે;
નવાં બાંધી થાળાં, નવિન વટવાઈ ઉગી બને,
નહીં ન્હાની ન્હાની, પણ મૂળ તરુ તુલ્ય જ કદે.

વડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાં
વડોથી ઊંચાં છે, ખીચખીચ ભર્યાં પત્રથી ઘણાં;
ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઊગે,
બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે.

ઉનાળાનો ભાનુ, અતિશ મથે ભેદી નવ શકે,
ઘટા ઊંચે એવે, જન શીતળ છાયા સુખ લિય;
ખૂલી બાજુઓથી, બહુ પવન આવે જમીનને,
કરે ચોખ્ખી રૂડે, પછી મિત થઈને ખુશી કરે.

ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહીં રહી,
ઘણાં જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;
ઘણા શિકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,
હજારો લોકોને, અડચણ સમાતાં અહીં નહિ.

અહીંયાંથી જોવે, ચકચકતી વ્હેતી નદી દૂરે,
પશુ કો જોવાં જે, અહી તહીં ચરે બેટ ઉપરે.
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,
દિલે વાયુ લેવો, સુખ નવ હીણ લે કરમના.

ઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ,
બખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની;
નિરાંતે જેમાં તો, ખુશી થકી રમે લાલ લટોનાં,
નિરાંતે જેમાં તો, ખુશી થકી રહે જોગી જપમાં.

દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,
વળી રાતા ટેટાં, ચૂસી બહુ જીવો પેટ ભરતા;
પડે બાજુએથી, બહુ ખુશનુમા રંગકિરણો,
નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો.

ઠરી મારી આંખો કબીરવડ તુને નીરખીને,
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડી જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગંભીર વડ તુંથી નરમદા,
કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા.

-નર્મદ


Kabiravada

(shikharini)

Bhuro bhasyo zankho, durathi dhumase pahad sarakho,
Nadi vachche ubho, nirabhayapane ekasarakho;
Disyo haryo joddho, hari tanun hrude dhyan dharato,
Savare ekante, kabiravad e shok harato.

Kade dekhave e, acharati janaye jagataman,
Khare mhoranno, magarub rahe desh nav kan? Manaye satsange pavitar kabir bhagataman,
Prajani vruddhie, nit amar kahevaya nav kan?

Jatan pase joun, vad nahi vadonun van khare,
Male ad ubhan, ati nikat niche upar je;
Vado zaz toe, sahu bhali gaye ek disato,
Vali sandhaonun, asal jivatun ek mul to.

Kyun dalun pahelun, kani n parakhae shram kare,
Ghasedyo padine, asal vad re le jan kahe;
Tanaya chhe bhago, ghani vakhat jo e vad tana,
Tathapi e thae, fut vis gunya so parighaman

Futi dalomanthi, pratham taru keri nikalatan,
Khunche tev tantu, vadhi jai niche je laṭakatan;
Jatani shobhathi, atish sharamai shiv uthya,
Jatane sankeli, vad taji girie jai rahya.

Jat lanbi lanbi, mul thadathi thodek dur je,
Niche bhumi sathe, aṭaki pachhi pese mahin jate;
Mali muliyanman, fari nikali ave tarurupe,
Thado bandhi motan, ghanik vadavai kahi rahe.

Vali dalo moti, ghanik vadavaithi nikale,
Jat pachhi jene, asal paramane j laṭake;
Navan bandhi thalan, navin vaṭavai ugi bane,
Nahin nhani nhani, pan mul taru tulya j kade.

Vado vachche vachche, taru avar asopalavanan
Vadothi unchan chhe, khichakhich bharyan patrathi ghanan;
Ghan anba bhega, vali ghanik sitafali uge,
Bijan zado chhodo, vadani vachaman te jai ghuse.

Unalano bhanu, atish mathe bhedi nav shake,
Ghat unche eve, jan shital chhaya sukh liya;
Khuli bajuothi, bahu pavan ave jaminane,
Kare chokhkhi rude, pachhi mit thaine khushi kare.

Ghanan jantu pankhi, amal sukh pame ahin rahi,
Ghanan jatraluo, ahin utaratan punya samaji;
Ghan shikario, gamat karat reh bahu ahin,
Hajaro lokone, adachan samatan ahin nahi.

Ahinyanthi jove, chakachakati vheti nadi dure,
Pashu ko jovan je, ahi tahin chare bet upare. Ghat bhare jovi, shabad sunav koi khagana,
Dile vayu levo, sukh nav hin le karamana.

Ghat thalan lidhe, ghanik faravane gali thai,
Bakholo bandhai, ramaniya bahu beṭhak bani;
Nirante jeman to, khushi thaki rame lal latonan,
Nirante jeman to, khushi thaki rahe jogi japaman.

Dipe chhayi jadan, harit kumalan patra thumasan,
Vali rat tetan, chusi bahu jivo pet bharata;
Pade bajuethi, bahu khushanum rangakirano,
Niche chalake tadake, baraf sarakhan tharathi pado.

ṭhari mari ankho kabiravad tune nirakhine,
Khari papi buddhi, khari j rudi jatra thai mane;
Visheshe shobhe chhe, ganbhir vad tunthi naramada,
Krutarthi moto hun, darashan vade chhun naramada.

-narmada

Source: Mavjibhai