# વહુથી ના પડાય જ કેમ! - Vahuthi na padaya j kema - Bed Time Story

**URL:** <https://gujarati.world/t/vahuthi-na-padaya-j-kema-bed-time-story/1336>\
**Category:** બાળવાર્તા Kids Stories\
**Created:** [April 21, 2024, 8:12am UTC](https://gujarati.world/t/vahuthi-na-padaya-j-kema-bed-time-story/1336 "2024-04-21T08:12:07Z")\
**Posts on this page:** 1\
**Page:** 1

<div class="post-metadata">

**Author:** ![araijada](https://gujarati.world/user_avatar/gujarati.world/araijada/32/75_2.png) [@araijada](https://gujarati.world/u/araijada)\
**Post date:** [April 21, 2024, 8:12am UTC](https://gujarati.world/t/vahuthi-na-padaya-j-kema-bed-time-story/1336/1 "2024-04-21T08:12:07Z")

</div>

એક નાનું સરખું ગામ.&nbsp;ગામમાં સાસુ વહુ રહે.&nbsp;ખાધે પીધે સુખી.&nbsp;ધરમ ધ્યાન અને પૂજા પાઠ કરે.&nbsp;બન્ને જીવના ઉદાર એટલે એમના ઘરે કોઈ બ્રાહ્મણ,&nbsp;અભ્યાગત કે માગણ આવે તો જરૂર કંઈ ને કંઈ મદદ લઈને જાય.&nbsp;વહુ બિચારી ભોળી અને સીધી સાદી પણ સાસુનો રોફ ભારે.&nbsp;સાસુનાં કપડાં ઘડીબંધ હોય.&nbsp;પોતાના મોભાનો બરાબર ખ્યાલ રાખે.&nbsp;કોઈની તાકાત છે કે એને બે વેણ સંભળાવી જાય.&nbsp;બોલવામાં તો બહુ આકરી.  
  
  
  
આ ગામથી ચાર ગાઉ દૂર બાજુના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહે.&nbsp;અવારનવાર ચાલતો આ સાસુ વહુના ઘરે આવે અને ખપજોગું સીધું-સામાન માગીને લઈ જાય.&nbsp;સાસુ વહુ પણ તેને પ્રેમથી જે ચીજ જોઈતી હોય તે આપે.  
  
  
  
એક દિવસ બન્યું એવું કે સાસુને કંઈ કામસર બાજુના ગામમાં જવાનું થયું.&nbsp;બીજી બાજુ પેલા ગરીબ બ્રાહ્મણને લોટની જરૂર પડી એટલે તે ડબ્બો લઈને આ સાસુ વહુના ગામે લોટ માગવા આવ્યો.&nbsp;સાસુ તો હતા નહિ એટલે વહુ પાસે લોટ માગ્યો.  
  
  
  
વહુ કહે : ‘ઊભા રહો મહારાજ! અબઘડી તમારો ડબ્બો ભરી આપું છું.’  
  
  
  
વહુ અંદર રસોડામાં જઈને જૂએ તો લોટ બધો ખલાસ થઈ ગયેલો.&nbsp;ઘરમાં જરી પણ લોટ ન મળે.&nbsp;બહાર આવીને કહે ‘મહારાજ!&nbsp;લોટ તો બધો ખલાસ થઈ ગયો છે.&nbsp;આજ તો મળે તેમ નથી.&nbsp;તમે એકાદ-બે દિવસ પછી આવો તો આપું.’  
  
  
  
બ્રાહ્મણ તો નિરાશ થઈ ગયો.&nbsp;તેને લોટની બહુ જરૂર હતી.&nbsp;એને મનમાં એવી શંકા પણ થઈ કે કદાચ વહુએ ખોટેખોટી ના પાડી હશે.&nbsp;સાસુ ઘરે હોત તો મને ચોક્કસ લોટ મળત.&nbsp;પણ એ કંઈ બોલ્યા વિના પાછો પોતાને ગામ ગયો.  
  
  
  
એ ચાર ગાઉ ચાલીને પોતાને ગામ પાછો આવ્યો તો ત્યાં અચાનક તેનો સાસુ સાથે ભેટો થઈ ગયો.&nbsp;સાસુને જોઈને કહે :&nbsp;‘આજે તમારે ઘેર લોટ માગવા ગયો હતો પણ લોટ ન મળ્યો.&nbsp;વહુ કહે છે કે ઘરમાં લોટ ખલાસ થઈ ગયો છે.’  
  
  
  
આ સાંભળીને સાસુનો મિજાજ છટક્યો.&nbsp;કહે :&nbsp;‘એવું તે હોય કાંઈ.&nbsp;ચાલો મારી સાથે.&nbsp;વહુ એના મનમાં સમજે છે શું?&nbsp;વહુથી ના પડાય જ કેમ.’  
  
  
  
બ્રાહ્મણ તો બિચારો રાજી થઈને ફરી સાસુની સાથે ચાર ગાઉ ચાલીને એ બન્નેનાં ઘરે ગયો.&nbsp;સાસુ બ્રાહ્મણ પાસેથી રોફભેર ખાલી ડબ્બો લઈને લોટ ભરવા રસોડામાં ગયા.&nbsp;પણ જઈને જૂએ તો વહુની વાત સાચી હતી.&nbsp;રસોડામાં જરા પણ લોટ ન હતો.&nbsp;પણ સાસુ એ સાસુ.&nbsp;લીધેલી વાત છોડે એ બીજા.&nbsp;બહાર આવીને કહે :&nbsp;‘આ અમારી વહુને તે કાંઈ ખબર પડે છે?&nbsp;સાવ નાદાન છે.&nbsp;હું બેઠી હોઉં ત્યાં સુધી વહુથી ના પડાય જ કેમ?&nbsp;ના પાડવાનો હક્ક તો ફક્ત મારો છે.&nbsp;લ્યો ચાલો હવે હું ના પાડું છું કે ઘરમાં લોટ નથી એટલે તમને આપી શકાય તેમ નથી.’  
  
  
  
બ્રાહ્મણ તો બિચારો મોં વકાસીને જોઈ જ રહ્યો.&nbsp;એને થયું કે ‘હે ભગવાન!&nbsp;હું ફરી વાર ચાર ગાઉ ચાલીને આવ્યો અને તે પણ વહુના બદલે સાસુના મોઢેથી ના સાંભળવા માટે!’
