વેષનિંદા અંગ (અખો ભગત) - Veshninda Ang (Akho Bhagat) - Gujarati Kavita (કવિતા)

સૂતર આવે તેમ તૂં રહે,જ્યમ ત્યમ કરિને હરિને લહે;
નેશ ટેક ને આડી ગલી,પેઠો તે ન શકે નિકળી;
અખા કૃત્યનો ચઢશે કષાય,રખે તૂં કાંઇ કરવા જાય.

ખટદર્શનના જુજવા મતા,માંહોમાંહી ખાધા ખતા;
એકનું થાપ્યું બીજો હણે,અન્યથી આપને અધકો ગણે;
અખા એજ અંધારો કુવો,ઝગડો ભાંગી કોઇ ન મુવો.

હું ટાળી અછતો થૈ રહે,હરિપ્રભામાંહે થૈ વહે;
પોતાપણેથી જે નર ટળે,અણ આયાસે હરિમાં ભળે;
અખા વાત સમજી લે વિધ્યે,જાંહાં છે ત્યાં આકાશજ મધ્યે.

પડે નહીં જે પૃથ્વી સુવે,કને નહીં તે કો શું ખુવે;
ટાઢું ઉનું નોહે આકાશ,પાણીમાં નોહે માંખણ છાસ;
બ્રહ્મજ્ઞાન એવું છે અખા,જ્યાં નૈં સ્વામી સેવક સખા.

રંગ ચઢે તે જાણો મેલ,પોત રહે તે સામું સહેલ;
આપે આતમ સ્વયં પ્રકાશ,કર્મ ધર્મનો કાઢી પાસ;
અખા એવી સદગુરૂની કલા,સમઝે નહિ તો વાધે બલા.

સમજી રહે તો સઘળો લાભ,કાયકલેશે વાધે ગાભ;
હું માને તો હોય સંતાન,આતમતાનું થાએ જાન;
અખા હરિ જાણી હું ટાળ,જન્મ કોટિની ઉતરે ગાળ.

માની ત્યાં માયાનો ભાગ,માને માયા પામે લાગ;
કેવળમાં જે બીજું ભળે,કલ્પિત ભ્રમ ટાળ્યો નવ ટળે;
અખા નિજ આતમને સાધ્ય,ઔષધવોણી જાયે વ્યાધ્ય.

એક નહીં તાં બીજું કશું,જાણું નૈં શું વાસો વસું;
પંચ નહીં ત્યાં કેની શાખ્ય,વણ રસના અચવ્યો રસ ચાખ્ય;
અખા સમજે તો સમજી જુવે,બાપના બાપને ઘેલાં રૂવે.

– અખો ભગત


Sūtar āve tem tūn rahe,jyam tyam karine harine lahe;
Nesh ṭek ne āḍī galī,peṭho te n shake nikaḷī;
Akhā kṛutyano chaḍhashe kaṣhāya,rakhe tūn kāni karavā jāya.

Khaṭadarshananā jujavā matā,mānhomānhī khādhā khatā;
Ekanun thāpyun bījo haṇe,anyathī āpane adhako gaṇe;
Akhā ej andhāro kuvo,zagaḍo bhāngī koi n muvo.

Hun ṭāḷī achhato thai rahe,hariprabhāmānhe thai vahe;
Potāpaṇethī je nar ṭaḷe,aṇ āyāse harimān bhaḷe;
Akhā vāt samajī le vidhye,jānhān chhe tyān ākāshaj madhye.

Paḍe nahīn je pṛuthvī suve,kane nahīn te ko shun khuve;
Ṭāḍhun unun nohe ākāsha,pāṇīmān nohe mānkhaṇ chhāsa;
Brahmajnyān evun chhe akhā,jyān nain swāmī sevak sakhā.

Ranga chaḍhe te jāṇo mela,pot rahe te sāmun sahela;
Āpe ātam svayan prakāsha,karma dharmano kāḍhī pāsa;
Akhā evī sadagurūnī kalā,samaze nahi to vādhe balā.

Samajī rahe to saghaḷo lābha,kāyakaleshe vādhe gābha;
Hun māne to hoya santāna,ātamatānun thāe jāna;
Akhā hari jāṇī hun ṭāḷa,janma koṭinī utare gāḷa.

Mānī tyān māyāno bhāga,māne māyā pāme lāga;
Kevaḷamān je bījun bhaḷe,kalpit bhram ṭāḷyo nav ṭaḷe;
Akhā nij ātamane sādhya,auṣhadhavoṇī jāye vyādhya.

Ek nahīn tān bījun kashun,jāṇun nain shun vāso vasun;
Pancha nahīn tyān kenī shākhya,vaṇ rasanā achavyo ras chākhya;
Akhā samaje to samajī juve,bāpanā bāpane ghelān rūve.

– Akho Bhagata