અભિસાર
મથુરા શે’રની રાંગે સંન્યાસી ઉપગુપ્ત કો’
સંકોડી ઈન્દ્રિયો સર્વે એક રાત સૂતો હતો.
૧
પવનમાં પુરદીપ ઠરેલ છે,
જનતણાં ગૃહદ્વાર બીડેલ છે;
ગગનના ભર શ્રાવણ-તારલા
ઘનઘટા મહીં ઘોર ડુબેલ છે.
૨
ઓચિંતી અંધકારે ત્યાં ગૂંજી છે પગઝાંઝરી:
યોગીની છાતીએ પાટુ કોના પાદ તણી પડી?
ચમકી પલક માંહે સંત જાગી ઊઠે છે,
સુખમય નિંદરાના બંધ મીઠા તુટે છે.
ઝબુક ઝબુક જ્યોતિ ગુપ્ત કો’ દીપકેથી
કરુણ વિમલ નેત્રે સંત કેરે પડે છે.
૩
નામે વાસવદત્તા કો પુરવારાંગના વડી
ચડેલી છે અભિસારે, માતેલી મદયૌવના.
અંગે ઝૂલે પવન-ઉડતી ઓઢણી આસમાની,
ઝીણી ઝીણી ઘુઘરી રણકે દેહ-આભૂષણોની;
પ્યારા પાસે પળતી રમણી અંધકારે અજાણે
સાધુગાત્રે ચરણ અથડાતાં ઊભી સ્તબ્ધ છાની.
૪
તરુણ સૌમ્ય સુહાસવતી વયે,
નયનથી કરુણા-કિરણો દ્રવે;
મધુર ઇન્દુ સમી સમતા-સુધા
વિમલ લાલ લલાટ થકી ઝરે.
૫
લજ્જાભારે નમ્યાં નેત્ર, લાલિત્યે ગળિયું ગળું
આજીજીના સ્વરો કાઢી યાચે છે અભિસારિકા:
‘ક્ષમા કરો! ભૂલ થઈ કુમાર!
કૃપા ઘણી, જો મુજ ઘેર ચાલો.
તમે મૃદુ, આ ધરતી કઠોર.
ઘટે ન આંહીં પ્રિય તોરી શય્યા.’
૬
કરુણ વચન બોલી યોગી આપે જવાબ,
ટપકતી અધરેથી માધુરીપૂર્ણ વાણી:
‘નથી નથી મુજ ટાણું સુંદરી! આવ્યું હાવાં,
જહીં તું જતી જ હો ત્યાં આજ તો જા સુભાગી!
જરૂર જરૂર જ્યારે આવશે રાત મારી,
વિચરીશ તુજ કુંજે તે સમે આપથી હું.’
૭
ઓચિંતો આભ ફાડે લસલસ વિજળીજીભ-ઝૂલન્ત ડાચું,
કમ્પી ઊઠી ભયેથી રમણી રજની-અંધાર એ ઘોર વચ્ચે;
વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફૂંકે કરાલ,
આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કો’ની માંડે!
૮
વીત્યા છે કૈં દિનો માસો આષાઢી એહ રાતને,
વર્ષ પૂરું નથી વીત્યું, સંધ્યા ઢોળાય ચૈત્રની
ફરર ફરર ફૂંકી આકળો વાયુ વાય,
સડક પર ઝુકેલા વૃક્ષને મ્હોર બેઠાં;
ઊઘડી ઊઘડી મ્હેકે રાજબાગે રૂપાળાં
બકુલ, રજનીગંધા, પુષ્પ પારુલ પ્યારાં.
૯
વાયુની લ્હેરીએ વ્હેતા આવે દૂર-સુદૂરથી,
મંદ મંદ સુરા-ભીના ધીરા કૈ સ્વર બંસીના.
નગર નિર્જન: પૌરજનો બધાં
મધુવને ફૂ લ-ઉત્સવમાં ગયાં;
નિરખતો ચુપચાપ સૂની પુરી
હસી રહ્યો નભ પૂનમચાંદલો.
૧૦
સૂને પંથે નગર મહીં એ નિર્મળી ચાંદનીમાં
સંન્યાસી કો’ શરદ-ઘન શો એકલો જાય ચાલ્યો;
એને માથે તરુવર તણી શ્યામ ઘેરી ઘટાથી
વારે વારે ટહુ! ટહુ! રવે કોકિલા સાદ પાડે.
૧૧
આવી શું આજ એ રાત્રી, યોગીના અભિસારની?
આપેલા કોલ આગુના, પાળવા શું પળ છે એ?
નગરની બા’ર તપોધન નીસર્યો,
ગઢની રાંગ કને ભમવા ગયો,
તિમિરમાં સહસા કંઈ પેખિયું
વનઘટા તણી છાંય વિષે પડ્યું.
૧૨
પડી નિજ પગ પાસે એકલી રંક નારી,
તન લદબદ આખું શીતળાનાં પરુથી;
વિષ સમ ગણી એની કાળી રોગાળી કાયા,
પુરજન પુર બા’રે ફેંકી ચાલ્યા ગયા’તા.
૧૩
સંન્યાસીએ નમી નીચે, માથું રોગવતી તણું
ધીરેથી ઝાલીને ઊંચું પોતાના અંકમાં ધર્યું.
સૂકા એના અધર પર સીંચી રૂડી નીરધારા,
પીડા એને શિર શમવવા શાંતિમંત્રો ઉચ્ચાર્યા:
ગેગેલા એ શરીર ઉપરે ફેરવી હાથ ધીરો,
લેપી દીધો સુખડઘસિયો લેપ શીળો સુંવાળો.
૧૪
પૂછે રોગી: ‘મુજ પતિતની પાસ ઓ આવનારા!
આંહીં તારાં પુનિત પગલાં કેમ થાયે, દયાળા?’
બોલે યોગી: ‘વિસરી ગઈ શું કોલ એ, વાસુદત્તા!
તારા મારા મિલનની સખિ! આજ શૃંગારરાત્રી.’
ઝર્યાં પુષ્પો શિરે એને, કોકિલા ટહુકી ઉઠી,
પૂર્ણિમારાત્રિની જાણે જ્યોત્સ્નાછોળ છલી ઉઠી.
-ઝવેરચંદ મેઘાણી
Abhisara
Mathur she’rani range sannyasi upagupṭa ko’
Sankodi indriyo sarve ek rat suto hato.
1
Pavanaman puradip ṭharel chhe,
Janatanan gruhadvar bidel chhe;
Gaganan bhar shravana-tarala
Ghanaghat mahin ghor dubel chhe.
2
Ochinti andhakare tyan gunji chhe pagazanzari:
Yogini chhatie patu kon pad tani padi?
Chamaki palak manhe sanṭa jagi uthe chhe,
Sukhamaya nindaran bandha mith tute chhe. Zabuk zabuk jyoti gupṭa ko’ dipakethi
Karun vimal netre sanṭa kere pade chhe.
3
Name vasavadatṭa ko puravarangan vadi
Chadeli chhe abhisare, mateli madayauvana.
Ange zule pavana-udati odhani asamani,
Zini zini ghughari ranake deha-abhushanoni;
Pyar pase palati ramani andhakare ajane
Sadhugatre charan athadatan ubhi stabdha chhani.
4
Tarun saumya suhasavati vaye,
Nayanathi karuna-kirano drave;
Madhur indu sami samata-sudha
Vimal lal lalat thaki zare.
5
Lajjabhare namyan netra, lalitye galiyun galun
Ajijin swaro kadhi yache chhe abhisarika:
‘ksham karo! bhul thai kumara! Krup ghani, jo muj gher chalo. Tame mrudu, a dharati kathora. Ghate n anhin priya tori shayya.’
6
Karun vachan boli yogi ape javaba,
ṭapakati adharethi madhuripurna vani:
‘nathi nathi muj tanun sundari! Avyun havan,
Jahin tun jati j ho tyan aj to j subhagi! Jarur jarur jyare avashe rat mari,
Vicharish tuj kunje te same apathi hun.’
7
Ochinto abh fade lasalas vijalijibha-zulanṭa dachun,
Kampi uthi bhayethi ramani rajani-andhar e ghor vachche;
Vavazodun jagavi pavan pralayan shankha funke karala,
Abhethi vajra jane khadakhad hasatun mashkari ko’ni mande!
8
Vitya chhe kain dino maso ashadhi eh ratane,
Varsha purun nathi vityun, sandhya dholaya chaitrani
Farar farar funki akalo vayu vaya,
Sadak par zukel vrukshane mhor bethan;
Ughadi ughadi mheke rajabage rupalan
Bakula, rajanigandha, pushpa parul pyaran.
9
Vayuni lherie vhet ave dura-sudurathi,
Manda manda sura-bhin dhir kai swar bansina.
Nagar nirjana: paurajano badhan
Madhuvane fu la-utsavaman gayan;
Nirakhato chupachap suni puri
Hasi rahyo nabh punamachandalo.
10
Sune panthe nagar mahin e nirmali chandaniman
Sannyasi ko’ sharada-ghan sho ekalo jaya chalyo;
Ene mathe taruvar tani shyam gheri ghatathi
Vare vare ṭahu! ṭahu! rave kokil sad pade.
11
Avi shun aj e ratri, yogin abhisarani? Apel kol aguna, palav shun pal chhe e?
Nagarani ba’r tapodhan nisaryo,
Gadhani ranga kane bhamav gayo,
Timiraman sahas kani pekhiyun
Vanaghat tani chhanya vishe padyun.
12
Padi nij pag pase ekali ranka nari,
Tan ladabad akhun shitalanan paruthi;
Vish sam gani eni kali rogali kaya,
Purajan pur ba’re fenki chalya gaya’ta.
13
Sannyasie nami niche, mathun rogavati tanun
Dhirethi zaline unchun potan ankaman dharyun.
Suk en adhar par sinchi rudi niradhara,
Pid ene shir shamavav shantimantro uchcharya:
Gegel e sharir upare feravi hath dhiro,
Lepi didho sukhadaghasiyo lep shilo sunvalo.
14
Puchhe rogi: ‘muj patitani pas o avanara! Anhin taran punit pagalan kem thaye, dayala?’
Bole yogi: ‘visari gai shun kol e, vasudatta! Tar mar milanani sakhi! Aj shrungararatri.’
Zaryan pushpo shire ene, kokil ṭahuki uthi,
Purnimaratrini jane jyotsnachhol chhali uthi.
-zaverachanda meghani
Source: Mavjibhai