અગ્નિકાવ્ય - Agnikavya - Lyrics

અગ્નિકાવ્ય

સુરતમાં ઈ.સ. ૧૮૮૯માં લાગેલી મોટી આગનું વર્ણન

(ગરબી)
પ્રગટ્યો ભયંકર રૂપ અગનદેવ કે’ર કરીને
જાણે યુદ્ધે ચઢ્યો લંકભૂપ પ્રભુ પર વેર ધરીને

ઉકાળવા મૂક્યું હતું ડામર ભઠ્ઠી પેર
સેવામાં ખામી પડી તેથી વ્યાપ્યું અગ્નિમાં વેર

દૈવી દેહ તજી ધર્યું રાક્ષસ કેરું રૂપ
હાહાકાર કરી ચઢ્યો જાણે લઢવા અસુર ક્રૂર ભૂપ

હથિયારો બહુ જાતનાં ઘી લક્કડ ને તેલ
કામડકૂટી ઝૂંપડી એ સૌએ કીધી એની બેલ

કાટપીટીયા લોકની દુકાનોની હાર
પલટણ તે પાસે ખડી તેણે માર્યો અતિશેં માર

આસુરી માયા કરે નહિ નિયમસર યુદ્ધ
જે જે આવ્યું ઝડપમાં તેને પકડી કર્યું નાબૂદ

એક અનેક થઈ ગયાં કીધાં રૂપ અપાર
જ્યાં જ્યાં જઈ ઊભા રહ્યાં તૈયાર હતાં હથિયાર

ગાંધીની દૂકાનમાં હતાં વસાણાં જેહ
ભક્ષીને મજબૂત થયાં તેથી પુષ્ટ બની તેની દેહ

ઘાંચીની દૂકાનથી પામ્યાં પૂજા માન
ભોજન ઉપર ભાવતું કીધું તૂપ તણું બહુ પાન

વકરાયા વિકરાળ તે ઘૂમ્યા સો સો દીશ
હાથ લાત ને બાથથી વાળ્યો દાટ અતિ રીસ

અદકું હોયે પાત્ર જેહ દેતાં તેને માન
ફૂલાઈ ફાલે ઘણું બુરૂં બમણું કરે અભિમાન

અનેક લીલાં ફળફૂલો મેવા શાક બજાર
હોમી નાખ્યાં પેટમાં પ્હેર્યાં વસ્ત્ર ઘરેણાં અપાર

ચક્કર ગોળાકાર એ ફર્યો દૈત્ય અદ્ભુત
જાણે ખાંડવવન બળે વિશ્વકર્મે રચ્યો દીપકોટ

રાજગૃહો સમ ત્યાં બળી હવેલીઓ દશ બાર
બીજાં પણ મોટાં બળ્યાં સુંદર ઘર સેં ચાર

નાનાં મોટાં રંક ને તવંગરોનાં સાર
બાળી ભસ્મ કર્યાં હશે સુમારે ઘર બે હજાર

કુમ્મક કરવા એમની પવન મિત્ર હરખાય
રથ હાંકીને લાવતાં મન મોજાં જ્યાં લઈ જાય

એ રીતે એ અગ્નિએ હાહાકાર પુકાર
તોબા તોબા યવનથી હાય હિંદુ મોંથી પડે બહાર

પાણી પાણીની પડી બૂમો લાખ કરોડ
બંબા લઈ જળદેવ ત્યાં આવી કાપે અગ્નિની સોડ

(દોહરો)
પીપ કુવા ટાંકા થકી શસ્ત્ર સજીને હાથ
જળદેવ કમ્મર કસી લઢવા અગ્નિ સાથ

(શાર્દૂલવિક્રીડિત)
અગ્નિ કોટની આસપાસ ફરતો ઘેરો જ ઘાલ્યો જઈ
બમ્બા બાર દિશાથી આવી મળિયા સામગ્રી સાથે લઈ

ભાલા માફક આંકડી કર ધરી ઘોંચે ગૃહોને ગળે
મિત્રો સૌ જળદેવનાં અગ્નિને છુંદે નળીથી જળે
(ઈ.સ. ૧૮૮૯)

-ભગુભાઈ રામશંકર જાની


Agnikavya

Surataman i.sa. 1889man lageli moti aganun varnana

(garabi)
Pragatyo bhayankar rup aganadev ke’r karine
Jane yuddhe chadhyo lankabhup prabhu par ver dharine

Ukalav mukyun hatun damar bhaththi pera
Sevaman khami padi tethi vyapyun agniman vera

Daivi deh taji dharyun rakshas kerun rupa
Hahakar kari chadhyo jane ladhav asur krur bhupa

Hathiyaro bahu jatanan ghi lakkad ne tela
Kamadakuti zunpadi e saue kidhi eni bela

Kaṭapitiya lokani dukanoni hara
Palaṭan te pase khadi tene maryo atishen mara

Asuri maya kare nahi niyamasar yuddha
Je je avyun zadapaman tene pakadi karyun nabuda

Ek anek thai gayan kidhan rup apara
Jyan jyan jai ubh rahyan taiyar hatan hathiyara

Gandhini dukanaman hatan vasanan jeha
Bhakshine majabut thayan tethi pushṭa bani teni deha

Ghanchini dukanathi pamyan puj mana
Bhojan upar bhavatun kidhun tup tanun bahu pana

Vakaraya vikaral te ghumya so so disha
Hath lat ne bathathi valyo dat ati risa

Adakun hoye patra jeh detan tene mana
Fulai fale ghanun burun bamanun kare abhimana

Anek lilan falafulo mev shak bajara
Homi nakhyan peṭaman pheryan vastra gharenan apara

Chakkar golakar e faryo daitya adbhuta
Jane khandavavan bale vishvakarme rachyo dipakoṭa

Rajagruho sam tyan bali havelio dash bara
Bijan pan motan balyan sundar ghar sen chara

Nanan motan ranka ne tavangaronan sara
Bali bhasma karyan hashe sumare ghar be hajara

Kummak karav emani pavan mitra harakhaya
Rath hankine lavatan man mojan jyan lai jaya

E rite e agnie hahakar pukara
Tob tob yavanathi haya hindu monthi pade bahara

Pani panini padi bumo lakh karoda
Banba lai jaladev tyan avi kape agnini soda

(doharo)
Pip kuv tanka thaki shastra sajine hatha
Jaladev kammar kasi ladhav agni satha

(shardulavikridita)
Agni koṭani asapas farato ghero j ghalyo jai
Bamba bar dishathi avi maliya samagri sathe lai

Bhal mafak ankadi kar dhari ghonche gruhone gale
Mitro sau jaladevanan agnine chhunde nalithi jale
(i.sa. 1889)

-Bhagubhai Ramashankar Jani