બળિયાથી દૂર રહેવામાં જ શાણપણ છે - Baliyathi dur rahevaman j shanapan chhe - Bed Time Story



એક વખત નદીમાં મોટું પૂર આવ્યું. નદીમાં કેટલીયે ચીજવસ્તુઓ તણાઈને વહેતી જતી હતી. એમાં એક તાંબાનો અને બીજો માટીનો એમ બે ઘડા પણ તરતા તરતા જતા હતા.


તાંબાના ઘડાએ માટીના ઘડાને જોયો અને બોલ્યો, ‘દોસ્ત, તું પોચી માટીનો બનેલો છે, નાજુક છે. તારી ઈચ્છા હોય તો મારી પાસે આવ. તને કંઈ નુકસાન થવાનું હશે તો હું તને બચાવી લઈશ.’


‘મિત્ર, તેં મારા માટે ભલી લાગણી બતાવી તેથી તારો આભાર’ માટીના ઘડાએ કહ્યું અને ઉમેર્યું, ‘પણ તારી તદ્દન નજીક આવવાની મારી હિંમત થતી નથી. તું રહ્યો સખત અને મજબૂત, જ્યારે હું રહ્યો માટીનો –પોચો. ભૂલમાંય આપણે જો અથડાઈ જઈએ, તો મારા તો ચૂરેચૂરા થઈ જાય! તું મારું ભલું ચાહતો હોય તો મારાથી દૂર રહે. એમાં જ મારી ભલાઈ છે.’


આમ બોલતો માટીનો ઘડો હળવે હળવે તરતો તરતો તાંબાના ઘડાથી ઘણે દૂર દૂર ચાલ્યો ગયો.