બાનો ફોટોગ્રાફ - Bano Fotografa - Lyrics

બાનો ફોટોગ્રાફ

અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા
ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા

ભવ્ય શા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરશી પરે
બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી

‘જરા આ પગ લંબાવો ડોક આમ ટટાર બા’
કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે

સાળુને કોર ને પાલવ શિરે ઓઢેલ ભાગ ત્યાં
ગોઠવ્યાં શોભતી રીતે ફૂલ પુસ્તક પાસમાં

ચહેરા પે તેજ ને છાયા શોભતાં લાવવા પછી
પડદા છાપરા માંહે આમ ને તેમ ગોઠવ્યા

શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી
લઈને જોઈતું ફોકસ પ્લેટ તેમાં ધરી પછી

ઢાંકણું ખોલતાં પહેલાં સૂચના આમ આપતો
અજાણ્યો મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલિયો

‘જોજો બા સ્થિર હ્યાં સામું ક્ષોભ ને શોક વિસ્મરી
ઘરમાં જેમ બેઠાં હો હસતાં સુખડાં સ્મરી

આછેરું હસજો ને બા પાંપણો પલકે નહિ
રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં’

અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો
જૂઠડાં વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો

હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું
જિંદગી જોઈ ના જોખી કોઈએ કદી બા તણી

યૌવને વિધવા પેટે બાળકે કંઈ સાસરે
સાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી

વૈંતરું ઘર આખાનું કરીને દિન ગાળતી
પુત્રોના ભાવિની સામું ભાળીને ઉર ઠારતી

બાએ ના જિંદગી જોઈ ઘરની ઘોલકી તજી
એને કોઈએ ન સંભાળી સૌને સંભાળતી છતાં

ઘસાતી દેહમાં એના રોગ ને દોગ ઊતર્યાં
સૌની બેપરવાઈથી દર્દ દુઃસાધ્ય શું થયું

અને બાના પ્રતિ સૌને કરુણાપ્રેમ ઊમટ્યાં
એહના મનને રાજી રાખવા મથતાં બધાં

આછેરા માતૃપ્રેમે ને આછા કર્તવ્યભાનથી
પ્રેરાઈને અમે ચાલ્યા દવા બાની કરાવવા

બતાવ્યાં શહેર બાને ત્યાં બંગલા બાગ મ્હેલ કૈં
સિનેમા નાટકો કૈં કૈં ગાડીઘોડે ઘુમાવી ને

અમારા પ્રેમ કે સ્વાર્થ તણા સ્મારક શો અમે
અનિષ્ટો શંકતા ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા

અને ત્યાં નમતા પ્હોરે ફોટોગ્રાફરને તહીં
અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા

પુત્રોથી પતિથી સાસુ સસરાથી અરે બધા
વિશ્વથી સર્વદા સાચ્ચે બિચારી બા ઉપેક્ષિતા

પડા’વા બેઠી ત્યાં ફોટો ફોટોગ્રાફર ત્યાં ઊભો
અજાણ્યો મીઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો

અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જહીં
બોર શું આંસુ એકેક બાને નેત્રે ઠર્યું તહીં

ચિડાયો ચિત્ર લેનારો ‘બગડી પ્લેટ માહરી’
પ્લેટ શું જિંદગીઓ કૈં બગડી રે હરિ હરિ!

-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’


Bano Fotografa

Ame be bhai bane lai gaya foto padavava
Bhavatal kari nakki studiyoman pachhi chadya

Bhavya sha studiyoman tyan bhareli khurashi pare
Bane besadi taiyari foto lev pachhi thati

‘jar a pag lanbavo dok am ṭatar ba’
Kaheto miṭhad shabde fotografar tyan fare

Salune kor ne palav shire odhel bhag tyan
Goṭhavyan shobhati rite ful pustak pasaman

Chaher pe tej ne chhaya shobhatan lavav pachhi
Padad chhapar manhe am ne tem goṭhavya

Shamal vastrathi dhankya kemeraman lahi lahi
Laine joitun fokas plet teman dhari pachhi

Dhankanun kholatan pahelan suchan am apato
Ajanyo miṭhado khali fotografar boliyo

‘jojo b sthir hyan samun kshobh ne shok vismari
Gharaman jem bethan ho hasatan sukhadan smari

Achherun hasajo ne b panpano palake nahi
Rakhasho jevun mon tevun barabar padashe ahin’

Ane b hasati kevun jovane hun jahin faryo
Juṭhadan vartamanethi karam bhutaman saryo

Hasavan radavan beman namatun kon trajavun
Jindagi joi n jokhi koie kadi b tani

Yauvane vidhav pete balake kani sasare
Sasu ne sasar ker ashraye b padi hati

Vaintarun ghar akhanun karine din galati
Putron bhavini samun bhaline ur tharati

Bae n jindagi joi gharani gholaki taji
Ene koie n sanbhali saune sanbhalati chhatan

Ghasati dehaman en rog ne dog utaryan
Sauni beparavaithi darda duahsadhya shun thayun

Ane ban prati saune karunaprem umatyan
Ehan manane raji rakhav mathatan badhan

Achher matrupreme ne achh kartavyabhanathi
Preraine ame chalya dav bani karavava

Batavyan shaher bane tyan bangal bag mhel kain
Sinem naṭako kain kain gadighode ghumavi ne

Amar prem ke swartha tan smarak sho ame
Anishto shankat ichchhyun bano foto padavava

Ane tyan namat phore fotografarane tahin
Ame be bhai bane lai gaya foto padavava

Putrothi patithi sasu sasarathi are badha
Vishvathi sarvad sachche bichari b upekshita

Pada’v bethi tyan foto fotografar tyan ubho
Ajanyo miṭhado khali hasav tyan kahi rahyo

Ane b hasati kevun jovane hun faryo jahin
Bor shun ansu ekek bane netre ṭharyun tahin

Chidayo chitra lenaro ‘bagadi plet mahari’
Plet shun jindagio kain bagadi re hari hari!

-tribhuvanadas purushottamadas luhar ‘sundaram’

Source: Mavjibhai