ભગવાન બુદ્ધનાં ચક્ષુ - Bhagavan Buddhanan Chakshu - Lyrics

ભગવાન બુદ્ધનાં ચક્ષુ

ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં,
ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી,
પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદ તણી,
હસી સૃષ્ટિ હાસે, દલ કમલનાં ફુલ્લ બનિયાં.

પ્રભો! જન્મે જન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યાં,
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહ પરશુ, ચક્રે ચિત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યાં.

વિધાતાનાં દીધાં નયન કરીને બંધ જગ આ,
ભુજાએ ઝૂઝંતું કુટિલ મનનો આશ્રય લઈ,
પ્રભો! આવી આપે નયન જગને અર્પણ કર્યાં,
ભમંતું અંધારે જગત નવ ચક્ષે જગવિયું.

મથ્યા લોકો ખુલ્લાં નયન કરવા બંધ પ્રભુનાં,
પૂર્યાં કિલ્લે, મ્હેલે, રમણીભુજને પિંજર વિષે;
વિદાર્યા એ બંધો, નયન ઊઘડ્યાં ચેતનભર્યાં,
ન ઊંઘ્યાં જાગેલાં, મૂરછિત દૃગોને જગવિયાં.

ફરી ખૂણે ખૂણે જગત નીરખ્યું નેત્ર સદયે,
લહ્યું: સૃષ્ટિ ખાડે ખદબદી રહ્યા કીટ જગના,
જરા વ્યાધિ મૃત્યુ ત્રિવિધ વમળે ડૂબી મરતા,
અને બીજા જીવો ઉપર નભતા જીવ નીરખ્યા.

ઘૂમ્યાં શાંતિ અર્થે વનવન, તપો તીવ્ર તપિયાં,
ન લાધ્યું ઈચ્છેલું, નયન ભમતાં ત્યાં વિરમિયાં,
સર્યાં તે મીંચાઈ નિજ હૃદયને સાગરતલે,
ઠરી આત્માગારે વિરલ લઈ મુક્તા ઊઘડિયાં.

અને આત્મસ્નાને અધિક થઈને આર્દ્ર નયનો,
ખૂલ્યાં ન ખૂલ્યાં ત્યાં પ્રણયરસગંગા અવતરી,
વહી તે ફેલાતી સભર જડ ને ચેતન વિષે,
કૃપાગંગાસ્નાને અવગતિ ટળી જીવ સહુની.

ઉધારી સૃષ્ટિને નયનજલથી, ચક્ષુ પ્રભુએ
શમાવ્યાં, ત્યાં બીજાં નયન જગને અંતર ખૂલ્યાં.
પછી ઝંઝાવાતો ઊમટી કદી એને મૂંઝવતાં,
તૂફાનો દાબી એ દ્વિગુણ બલથી તે ચમકતાં.

હવે ના મીંચાશે નયન કદીયે જે ઊઘડિયાં,
દયાની ગંગા આ પરમ તપઅંતે ઊતરી, તે
અખંડા વ્હેતી રહો કઠણ તપના સિંચન થકી,
વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને.
(સપ્ટેમ્બર ૧૯૩૦)

-સુન્દરમ્


Bhagavan Buddhanan Chakshu

Bhale ugyan vishve nayan namanan e prabhu tanan,
Ugyan ne khilyan tyan kiranakani achheri pragati,
Prabh tyan felai jagat par divya mud tani,
Hasi srushti hase, dal kamalanan fulla baniyan.

Prabho! janme janme kar dhari kani shastra utaryan,
Nakhagre, dantagre, daman kariyun shabdachhalathi,
Sajyun ke kodanda, grah parashu, chakre chit dharyun,
Tame a janme to nayanaras lei avataryan.

Vidhatanan didhan nayan karine bandha jag a,
Bhujae zuzantun kutil manano ashraya lai,
Prabho! avi ape nayan jagane arpan karyan,
Bhamantun andhare jagat nav chakshe jagaviyun.

Mathya loko khullan nayan karav bandha prabhunan,
Puryan kille, mhele, ramanibhujane pinjar vishe;
Vidarya e bandho, nayan ughadyan chetanabharyan,
N unghyan jagelan, murachhit drugone jagaviyan.

Fari khune khune jagat nirakhyun netra sadaye,
Lahyun: srushti khade khadabadi rahya kit jagana,
Jar vyadhi mrutyu trividh vamale dubi marata,
Ane bij jivo upar nabhat jiv nirakhya.

Ghumyan shanti arthe vanavana, tapo tivra tapiyan,
N ladhyun ichchhelun, nayan bhamatan tyan viramiyan,
Saryan te minchai nij hrudayane sagaratale,
ṭhari atmagare viral lai mukṭa ughadiyan.

Ane atmasnane adhik thaine ardra nayano,
Khulyan n khulyan tyan pranayarasaganga avatari,
Vahi te felati sabhar jad ne chetan vishe,
Krupagangasnane avagati ṭali jiv sahuni.

Udhari srushtine nayanajalathi, chakshu prabhue
Shamavyan, tyan bijan nayan jagane antar khulyan. Pachhi zanzavato umati kadi ene munzavatan,
Tufano dabi e dvigun balathi te chamakatan.

Have n minchashe nayan kadiye je ughadiyan,
Dayani ganga a param tapaante utari, te
Akhanda vheti raho kaṭhan tapan sinchan thaki,
Vaho khande khande, prati ur vaho tapṭa jagane.
(saptembar 1930)

-Sundaram