બીજું એકે ખમીસ ના - Bijun Eke Khamis Na - Lyrics

બીજું એકે ખમીસ ના

(અનુષ્ટુપ)

સ્વચ્છતા દિનને વારે તપાસું સહુ બાળનાં
વાળ ને કપડાં, દાંત, જોઉં છું નખ છે વધ્યા?
દૂર ખૂણા મહિં એક બાળ ત્યાં તો લપાય છે;
નિહાળું, નેનમાં એનાં કંઈ કાતરભાવ છે.

જાઉં પાસે અને જોઉં, મેલું એનું ખમીસ છે;
ઠેરવું આંખ ને પૂછું: ‘કેમ મેલું? કહ્યું નથી
નિશાળે સ્વચ્છ પ્હેરીને આવવું કપડાં, કહો?
ચોથી વાર બન્યું આમ, આજ તું ના રહી શકે

વર્ગમાં; જા ઘરે હોયે ધોયેલું જે ખમીસ તે
પે’રી આવી પછી આંહિં વર્ગમાં તું ભણી શકે.’
નેન ઢાળી દઈ નીચાં બહારે બાળ એ ગયો;
સમો મારો ભણાવાનો અંગ્રેજીનો શરૂ થયો.

પૂછું છું પ્રશ્ન; આપે છે બાળકો ઉત્તરો તહિં
સાંભળું ડૂસકું કોનું, કોઈ શું રડતું અહિં?
સવાલો પૂછવા છોડી, સાંભળું, ત્યાં બહારથી
આવતું ડૂસકું બીજું, ઊઠીને જોઉં છું તહિં.

બાળ પેલો ગયો નાંહિ ઘરે, ત્યાં રડતો રહ્યો.
પૂછું, ‘અરે! રડે શાને? કાઢી મૂક્યો નથી તને.
જા તારું બદલીને તું આવ પાછો ખમીસ આ.’
હઠાવી હાથ આંખોથી ભરેલી જે જળે, જુએ

સામે મારી, ઘડી પાછો આંખો ઢાંકી દઈ કહે,
‘મારી પાસે બદલવાને બીજું એકે ખમીસ ના,’
ગયાં મારાં હઠી નેત્રો, કાન, એ બાળ પાસથી,
અને કન્યાકુમારીથી ઘૂમ્યાં કાશ્મીરમાં જઈ.

હજારો બાળકો આમ વાત આજ કહી રહ્યાં,
હજારો બાળ આંખોથી નીર આમ ઝમી રહ્યાં.
રે મારા દેશમાં આવું બાળને બોલવું પડે!
હૈયામાંથી ચડીને ત્યાં ઊભરો કંઠને અડે.

નેન! ભીનાં નહિં થાતાં, નિસાસા! નવ નીસરો,
બનો પાષાણશું હૈયું, વજ્રનિશ્ચય એ કરો:
મિટાવું દેશની મારા જોઈ જે આજની દશા.

-પ્રહ્લાદ પારેખ


Bijun Eke Khamis Na

(anushtupa)

Svachchhat dinane vare tapasun sahu balanan
Val ne kapadan, danta, joun chhun nakh chhe vadhya?
Dur khun mahin ek bal tyan to lapaya chhe;
Nihalun, nenaman enan kani katarabhav chhe.

Jaun pase ane joun, melun enun khamis chhe;
Theravun ankha ne puchhun: ‘kem melun? kahyun nathi
Nishale swachchha pherine avavun kapadan, kaho?
Chothi var banyun ama, aj tun n rahi shake

Vargaman; j ghare hoye dhoyelun je khamis te
Pe’ri avi pachhi anhin vargaman tun bhani shake.’
Nen dhali dai nichan bahare bal e gayo;
Samo maro bhanavano angrejino sharu thayo.

Puchhun chhun prashna; ape chhe balako uttaro tahin
Sanbhalun dusakun konun, koi shun radatun ahin?
Savalo puchhav chhodi, sanbhalun, tyan baharathi
Avatun dusakun bijun, uthine joun chhun tahin.

Bal pelo gayo nanhi ghare, tyan radato rahyo. Puchhun, ‘are!
rade shane? Kadhi mukyo nathi tane. J tarun badaline tun av pachho khamis a.’
Hathavi hath ankhothi bhareli je jale, jue

Same mari, ghadi pachho ankho dhanki dai kahe,
‘mari pase badalavane bijun eke khamis na,’
Gayan maran hathi netro, kana, e bal pasathi,
Ane kanyakumarithi ghumyan kashmiraman jai.

Hajaro balako am vat aj kahi rahyan,
Hajaro bal ankhothi nir am zami rahyan. Re mar deshaman avun balane bolavun pade!
Haiyamanthi chadine tyan ubharo kanṭhane ade.

Nena! Bhinan nahin thatan, nisasa! nav nisaro,
Bano pashanashun haiyun, vajranishchaya e karo:
Mitavun deshani mar joi je ajani dasha.

-Prahlad Parekha