એક દિવસ નગરમાં એક યુવાન હઠયોગી આવ્યો.તેનું શરીર ભારે કસાયેલું હતું. તે જાતજાતના શારીરિક કરતબ કરતો હતો. તે પ્રોત્સાહન મેળવવા માટે અકબર બાદશાહના દરબારમાં આવ્યો. તેણે બાદશાહને પોતાની આવડત વિશે જણાવ્યું. ત્યારે એક લુચ્ચા દરબારીએ કહ્યું, “એવા શારીરિક દાવપેચ તો કોઈપણ અભ્યાસુ કરી શકે. જો તું કંઈક નવું કરવા માગતો હો તો આ કડકડતી ઠંડીમાં ચોવીસ કલાક નદીમાં છાતી સુધી પાણીમાં ઊભો રહી શકે તો તું સાચો હઠયોગી!” તેના જવાબમાં તે યુવાને કહ્યું, “જો જહાંપનાહ, મને મંજૂરી આપે તો હું નદીમાં ચોવીસ કલાક ઊભો રહીશ. મને કોઈ તકલીફ નહીં પડે.”
અકબર બાદશાહે રજા આપી. તે યુવાન એવી કડકડતી ઠંડીના દિવસોમાં, છાતી સુધી પાણીમાં ચોવીસ કલાક ઊભો રહ્યો. લોકોએ તથા બાદશાહે પણ તે જોયું. ચોવીસ કલાક પૂરા થયા એટલે તે યુવાન ઈનામ મળવાની આશાએ ફરીથી દરબારમાં આવ્યો. ત્યારે અકબર બાદશાહે સહજ ભાવે પૂછયું, “યુવાન, તેં ખરેખર કમાલ કરી છે. દિવસના તો ઠીક પણ તેં આખી રાત કેવી રીતે પસાર કરી?'”
“અન્નદાતા. રાત્રે હું નદીમાં ઊભો ઊભો આપના મહેલમાં સળગતો દીવો જોતો રહ્યો અને મારી રાત કયારે પસાર થઈ ગઈ તે મને ખબર જ ન પડી!” યુવાને આ જવાબ આપ્યો ત્યારે પેલા લુચ્ચા દરબારીએ કહ્યું, “લો, જહાંપનાહ, આ યુવાને તો કંઈ કમાલ નથી કરી. એ તો આપના મહેલના દીવામાંથી મળતી ગરમીને કારણે ઠંડીમાં રાત પસાર કરી શક્યો છે. એ તો સાવ સામાન્ય વાત છે.” અકબર બાદશાહ પણ લુચ્ચા દરબારીની વાતમાં આવી ગયા એટલે તેમણે યુવાનને કંઈ પણ ઈનામ ન આપ્યું. યુવાન નિરાશ થઈ ચાલ્યો ગયો. આ બધું બન્યું ત્યારે બીરબલે ચૂપચાપ જોયા કર્યું. પરંતુ બીજા દિવસથી બીરબલે દરબારમાં આવવાનું બંધ કર્યું. બે-ત્રણ દિવસ થઈ ગયાં છતાં બીરબલ દરબારમાં ન આવ્યો એટલે અકબર બાદશાહે બીરબલને તેડાવવા માણસ મોકલ્યો. થોડીવાર પછી તે માણસ પાછો આવ્યો અને કહ્યું, “જહાંપનાહ, બીરબલે કહ્યું કે હું ખીચડી બનાવું છું. જેવી મારી ખીચડી બની જાય, પછી તરત જ ખીચડી ખાઈને હું દરબારમાં આવીશ.”
ફરી બે દિવસ થઈ ગયા છતાં બીરબલ દરબારમાં ન આવ્યો, એટલે બાદશાહે નોકરને ફરી બીરબલને બોલાવવા મોકલ્યો. નોકરે પાછા આવી કહ્યું, “જહાંપનાહ, બીરબલ કહે છે કે મારી ખીચડી હજી સુધી પાકી નથી. જ્યારે ખીચડી પાકી જશે ત્યારે હું તે ખાઈને દરબારમાં આવીશ.”
આ જવાબ સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયા. થયું કે “લાવ હું જ જઈને જોઈ આવું કે બીરબલ કેવી ખીચડી બનાવે છે!”
અકબર બાદશાહ દરબારીઓને લઈ બીરબલ જ્યાં બેઠો હતો ત્યાં ગયાં. ત્યાં જઈ તેમણે જોયું તો ત્રણ લાંબા વાંસની ઘોડી બનાવી બીરબલે વાંસની ઉપર ખીચડીની હાંડલી લટકાવી હતી અને નીચે જમીન ઉપર આગ સળગાવી હતી. આ જોઈ બાદશાહે કહ્યું, “આ શું ખેલ કરી રહ્યો છે! બીરબલ, આગથી આટલી અદ્ધર રાખીને ખીચડી કોઈ દિવસ પાકતી હશે?'”
'“હજૂર, જરૂર પાકી જશે.” બીરબલે કહ્યું.
“કેવી રીતે?” બાદશાહે કહ્યું.
“જહાંપનાહ, જેમ તમારા મહેલમાં સળગતા દીવાની ગરમીથી દૂર નદીમાં ઊભેલો પહેલો હઠયોગી ઠંડી ઉડાડી રહ્યો હતો, તેની સરખામણીમાં તો આ ઘણું ઓછું અંતર છે. આગથી આટલી જ અદ્ધર રાખેલી ખીચડી જરૂર પાકી થઈ જશે.” બીરબલે મોઢું ગંભીર રાખી જવાબ આપ્યો. અકબર બાદશાહ બીરબલની આ દલીલ સાંભળી ઘણા શરમાયા. બીજે દિવસે તેમણે પેલા હઠયોગીને તેડાવી તેને યોગ્ય ઈનામ આપ્યું.