ચાંદામામાએ કહ્યું, ‘ચંદ્રયાન, મારો અને પૃથ્વીનો જન્મ સાથે જ થયો હતો. એવું કહેવાય છે કે ૪૬૦ કરોડ વર્ષ પહેલાં હું પૃથ્વીથી જુદો પડી ગયો હતો.અહીં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને લીધે હવા, પાણી કંઈ જ નથી. એટલા માટે જ પૃથ્વીવાસીઓને અહીં આવતા ડર લાગે છે.
chandamamaએક વખતની વાત છે. ઊચે આકાશમાં રહેતાં ચાંદામામા ભારતના ચંદ્રયાનની આતુરતાથી રાહ જોતા હતા. ઘણા દિવસો સુધી રાહ જોયા પછી છેવટે એ દિવસ આવી ગયો અને તેમની ખુશીનો પાર ન રહ્યો. તેમણે એક નાનકડું ચંદ્રયાન તેમની તરફ આવતું જોયું. ચંદ્ર ઉપર પહોંચતા જ ચંદ્રયાને ચાંદામામાને કહ્યું, ‘હેલો ચાંદામામા, કેમ છો?’
‘હું તો મજામાં છું. પણ અહીં અંતરિક્ષમાં બેઠાં-બેઠાં સાવ કંટાળી ગયો છું.’ ચાંદાએ પ્રેમથી ચંદ્રયાનને વાત કરી.
તો ચંદ્રયાને કહ્યું, ‘મામા, હું ભારતથી આવું છું. મને તૈયાર કરવા પાછળ અમારા વિજ્ઞાનીઓની તનતોડ મહેનત જવાબદાર છે. તેમની એ સખત મહેનતને કારણે જ આજે હું અહીં પહોંચી શકયું.’
ચંદ્રયાનની વાત સાંભળતાં જ ચાંદામામા હસી પડયાં. તેમણે કહ્યું, ‘હું જાણું છું કે તારે મારા વિશે ઘણી બધી માહિતી મેળવવી છે. મારા અંગે સંશોધન કરવું છે.’
પછી તો ચાંદામામાએ તેમની જાતે ચંદ્રયાનને માંડીને વાત કરતા કહ્યું, ‘ચંદ્રયાન, તું મારી વાત ઘ્યાનથી સાંભળ. મારો અને પૃથ્વીનો જન્મ સાથે જ થયો હતો. એવું કહેવાય છે કે ૪૬૦ કરોડ વર્ષ પહેલાં હું પૃથ્વીથી જુદો પડી ગયો હતો. પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે હું તેનું ચક્કર લગાવવા માંડયો. અહીં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને લીધે હવા, પાણી કંઈ જ નથી. એટલા માટે પૃથ્વીવાસીઓને અહીં આવતા ડર લાગે છે. જો અહીં પણ હવા, પાણી હોત તો લોકો અહીં વસ્યા હોત.’ આટલું કહેતાં જ ચાંદામામા ઉદાસ થઈ ગયા.
ચાંદામામાને આમ ઉદાસ જોઈને ચંદ્રયાન ચૂપ થઈ ગયું. ચાંદામામાને એકલા મૂકીને જ ચંદ્રયાન ત્યાંની જમીનનું નિરીક્ષણ કરવા માંડયું. ચંદ્રયાને જોયું કે પૃથ્વી ઉપરથી દેખાતી ચળકાટવાળી સપાટી સાવ કાળી અને ગંદી હતી. ઊડી ખાઈ પણ હતી. ઊચા-ઊચા વિશાળ પહાડો પણ હતા. અરે, પેલો સૌથી ઊચો પહાડ ‘લિવનિજ’ પણ ચંદ્ર ઉપર દેખાયો. કમાન્ડરે વાત કરી હતી કે એ પહાડ પૃથ્વી પરના માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊચો છે. આ બાજુ ચંદ્રયાનની અંદર બેઠેલા અંતરિક્ષ યાત્રીનો મૂડ બહુ ખરાબ હતો.
સ્પેસ સૂટ કાઢીને તેણે ચંદ્ર ઉપર દોડવું હતું. અરે, એટલું જ નહીં ચંદ્ર ઉપરથી મોટેથી બૂમો પાડીને તેણે પોતાનો અવાજ પૃથ્વીવાસીઓને સંભળાવવો હતો. પણ વાયુમંડળ ન હોવાથી તેની ઈરછા અધૂરી રહી. જોકે, ચંદ્રયાનને કોઈ જ તકલીફ નહોતી. એ તો આરામથી ચાંદામામા સાથે વાતો કરતું હતું.
ચંદ્રયાને કહ્યું, ‘મામા, દિવસે તો તમે ખૂબ જ ગરમ થઈ જાઓ છો. તો પછી અમારા સુધી અજવાળું અને શીતળતા કેવી રીતે પહોંચે છે?’ તો ચાંદામામા કહે, ‘ચંદ્રયાન, તારી વાત સાવ સાચી છે. દિવસમાં હું ૧૦૦ ડિગ્રી સેિલ્સયસ સુધી સખત ગરમ થઈ જાઉ છું અને રાત્રે માઈનસ ૧૮૦ ડિગ્રી સુધી બિલકુલ ઠંડો પણ થઈ જાઉ. ખરેખર તો રાત્રે જે અજવાળું પૃથ્વી સુધી પહોંચે છે એ સૂરજનું અજવાળું હોય છે. તે અજવાળું મારી સાથે અથડાઈને પૃથ્વી સુધી પહોંચે છે.’
પછી ચાંદામામા હસતાં-હસતાં કહે, ‘પૃથ્વીવાસીઓ હજુ પણ મારા વિશે બહુ ઓછું જાણે છે. મારી પાસે ઘણી એવી અજાણી ધાતુઓ છે કે જે પૃથ્વી પર જોવા નથી મળતી. આવી જ એક ધાતુને વિજ્ઞાનીઓએ ‘આર્મલ કોલાઈટ’ નામ આપ્યું છે. આ નામ અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ, એલ્ડિ્રન અને કોલિંસના નામના પહેલા અક્ષરને લઈને બનાવવામાં આવ્યું છે.’
ચંદ્રયાનનો કમાન્ડર સતત છ કલાક સુધી ચંદ્ર પર શોધખોળ કરતો રહ્યો. તેની પાસે એક રોબો કાર પણ હતી. એ કાર તેની મદદ કરતી હતી. તેણે ચંદ્ર પરની માટીના કેટલાક નમૂના લીધા. અને પાછો પૃથ્વી તરફ જવા લાગ્યો.
પૃથ્વી પર પાછા ફરતી વખતે ચંદ્રયાને કહ્યું, ‘ચાંદામામા આવજો. તમે ઉદાસ ન રહેતા. હું બહુ જ જલદી તમને મળવા ફરીથી આવીશ.’ એટલું સાંભળતા જ ચાંદામામાએ ચંદ્રયાનને હસતાં-હસતાં વિદાય આપી.