લક્ષ્મણ પટેલને અરજણ અને ભગવાન નામે બે દીકરા હતા. બેઉ કહ્યાગરા અને મહેનતુ હતા. એક દિવસ એમણે દીકરાઓને પાસે બોલાવી, દરેકના હાથમાં દશ-દશ રૂપિયા આપતાં કહ્યું, ‘જાઓ, દશ રૂપિયામાં ઘર ભરાય એવી ચીજ લઈ આવો તો ચતુર છો એમ જાણું.’
બેઉ ભાઈ દશ-દશ રૂપિયા લઈ ગામમાં ખરીદી માટે નીકળી પડ્યા. મોટો ભાઈ અરજણ પહેલાં કુંભારવાડે ગયો ને દશ રૂપિયાનાં કોડિયાં માગ્યાં. કુંભારે એને કોડિયાંની એક થપ્પી આપી. અરજણ કહે : ‘આટલાં જ કેમ ?’
કુંભાર કહે : ‘જોઈએ તો દશ વધારે લો.’
અરજણ કહે : ‘મારે તો ઘર ભરાય એટલાં જોઈએ.’
કુંભારે એને રૂપિયા પાછા આપ્યા. ત્યાંથી અરજણ મોદીની દુકાને ગયો ને કહ્યું : ‘લો દશ રૂપિયામાં ઘર ભરાય એટલી દીવાસળીની પેટીઓ આપો.’
મોદીએ એને દીવાસળીની થોડી પેટીઓ આપી. એ પાછી આપતાં અરજણ કહે, ‘મારે તો ઘર ભરાય એટલી દીવાસળી જોઈએ. આટલી ઓછી ન ચાલે.’ ત્યાંથી પણ રૂપિયા પાછા લઈને એ ચાલતો થયો. પછી એ એક પીંજારાને ત્યાં ગયો. રૂપિયા લઈ પીંજારાએ એને રૂનું એક પડીકું બાંધી આપ્યું. અરજણ કહે, ‘બસ, આટલું જ કે ? મારે તો ઘર ભરાય એટલું રૂ જોઈએ.’ પડીકું પાછું આપી, રૂપિયા લઈ, એ આગળ ચાલ્યો અને એક ઘાંચીને ઘેર ગયો. ઘાંચીના હાથમાં રૂપિયા મૂકી એ બોલ્યો : ‘ફકીરકાકા ! લ્યો આ રૂપિયા અને ઘર ભરાય એટલું તેલ મને આપો.’ ફકીર ઘાંચી હસી પડ્યો ને બોલ્યો, ‘ગાંડા ! આટલા રૂપિયામાં માંડ લોટી ભરાય એટલું તેલ આવે. લે, આ તારા રૂપિયા પાછા.’
એમ ગામમાં ફરી ફરીને અરજણ થાક્યો. દશ રૂપિયામાં ઘર ભરાય એવી કોઈ ચીજ એની નજરે ના પડી. અરજણની પાછળ જ એનો નાનો ભાઈ ભગવાન આ બધું જોતો જોતો ચાલ્યો આવતો હતો. એણે પોતાની પાસેના રૂપિયામાંથી થોડાં કોડિયાં લીધાં. થોડુંક રૂ લીધું, એક દીવાસળીની પેટી લીધી અને બાકી વધ્યા તેટલા પૈસાનું તેલ લીધું. પછી એ ઘર તરફ વળ્યો. બેઉ ભાઈને આવેલા જોઈ લક્ષ્મણ પટેલ જરા હસ્યા ને બોલ્યા, ‘અરજણ ! તું દશ રૂપિયામાં શું શું લાવ્યો છે ?’
અરજણ કહે, ‘બાપા ! હું કાંઈ કાચો નથી. દશ રૂપિયામાં ઘર ભરાય એવી કોઈ ચીજ આપણા ગામમાં મળતી નથી. લો, આ તમે આપેલા રૂપિયા પાછા.’ એમ કહી એણે રૂપિયા બાપાના હાથમાં મૂક્યા…
હવે લક્ષ્મણ પટેલે નાના દીકરા ભગવાન તરફ નજર કરી તો એ રૂની દિવેટો તૈયાર કરી રહ્યો હતો. પછી એણે કોડિયામાં તેલ પૂર્યું ને અંદર વાટ મૂકી. કોડિયાં ઘરના ખંડે ખંડે મૂકી દીધાં. બહાર ટોડલા પર પણ મૂક્યાં, ને દીવાસળી વડે દીવા સળગાવ્યા. તરત આખા ઘરમાં ઝાકઝમાળ થઈ ગયું. આખું ઘર પ્રકાશથી ભરાઈ ગયું. પટેલ કહે : ‘વાહ બેટા ! ધન્ય છે તારી ચતુરાઈને. તેં દીવા કરીને ઘરને અજવાળ્યું છે તેમ સારાં સારાં કામ વડે તું આપણા કુળને પણ અજવાળજે.’ અને અરજણ તરફ ફરીને બોલ્યો, ‘બેટા ! તારો નાનો ભાઈ વધારે ચતુર છે. નાનો ગણી એને પુછાય નહીં એવું ના રાખતો. બેઉ ભાઈ હળીમળીને રહેજો ને દીવા બનીને આપણા કુળને ઉજાળજો.’
તરત જ અરજણ નાના ભાઈ ભગવાનને ભેટી પડ્યો. પછી બેઉ ભાઈ બાપાને પગે પડ્યા અને અને એમના આશીર્વાદ મેળવ્યા.