ધીંગાણું - Dhinganun - Lyrics

ધીંગાણું

બાપુના ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છે
પહેલું તો કે’ યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે

શિરોહી તલવારનું લટકવું વર્ષો જૂનું ખીંટીએ
ને ફાટ્યો છે કોટ કાળબળથી આડી ઊભી લીંટીએ

બાપુ કહેતા : ‘નોતરાં દઈ દઉં દેમાર બારોટને
શત્રુ મારું - એમ આજ બખિયા મારી દઉં કોટને’

દોરા સોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યો ને
બાપુએ કોટને કસબથી કાતિલ ટેભો ભર્યો

ત્યાં તો ‘લોહી’ એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને બાપુના ટેરવે રગતની શેડ્યું ફૂટી નીકળી

‘ખમ્મા, ખમ્મા બાપ…’ એમ કહીને બાપુ કરે હાકલા
ખીંટીથી તલવારને લઈ કરે લોહી વડે ચાંદલા

થાતું બાપુને : બહુ શુકનવંતો આપણો કોટ છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે

-રમેશ પારેખ


Dhinganun

Bapun gadhaman badhi janas chhe, be vatani khot chhe
Pahelun to ke’ yuddha thaya nahin, bijun faṭalo kot chhe

Shirohi talavaranun laṭakavun varsho junun khintie
Ne fatyo chhe kot kalabalathi adi ubhi lintie

Bapu kahet : ‘notaran dai daun demar baroṭane
Shatru marun - em aj bakhiya mari daun koṭane’

Dor soti soyathi palakaman darun hallo karyo ne
Bapue koṭane kasabathi katil tebho bharyo

Tyan to ‘lohi’ em chis sahas padi uthi angali
Ne bapun terave ragatani shedyun futi nikali

‘khamma, khamma bapa…’ em kahine bapu kare hakala
Khintithi talavarane lai kare lohi vade chandala

Thatun bapune : bahu shukanavanto apano kot chhe
Kintu ek j khoṭa, aj ahin n ekkeya barot chhe

-ramesh parekha

Source: Mavjibhai