એક આગિયાને - Ek Agiyane - Lyrics

એક આગિયાને

(હરિગીત)

તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી
બ્રહ્માંડને પોષી રહી તે દૃષ્ટિ અહીં એ છે નકી

તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું
તુજ નેત્ર આગળ દીવડો કૈં શ્રમ વિના દેખાડતું

વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી
જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી

વળી કોઈ વિસ્મય સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી
ના સ્પર્શતી એ બીકથી તુજ રજ રખે જાતી ખરી

અદૃશ્ય ના ઘનથી બને ના ધૂમસે મેલું થતું
તુજ તેજ તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું

મમ પ્યારીનાં ફૂલડાં અને મુજ વૃક્ષ જ્યારે ઉંઘતાં
તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં

તું જાગજે તું ખેલજે ને પત્રે પત્રે મ્હાલજે
ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે

તું કેમ એ માની શકે આધાર તારો એજ છે
એ જાળ તું જાણે નહીં હું જાણું ને રોઉં અરે

રે પક્ષી કોની દૃષ્ટિએ તું એજ ચળકાટે પડે
સંતાઈ જાતાં નાસતાં એ કાર્ય વૈરીનું કરે

દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી
જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી

આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી
એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી

અમ એજ જીવિત એજ મૃત્યુ એજ અશ્રુ ને અમી
જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?

-કલાપી


Ek Agiyane

(harigita)

Tuj pankha chalake parnanan zundo mahin chakro rachi
Brahmandane poshi rahi te drushti ahin e chhe naki

Tuj udaraposhanaman tane tuj rup upayogi thatun
Tuj netra agal divado kain shram vin dekhadatun

Vali koi kanya patali tuj tej upar mohati
Je bhalane chodi tane tyan harshathi chalakavati

Vali koi vismaya smitabhari tuj tej matra nihalati
N sparshati e bikathi tuj raj rakhe jati khari

Adrushya n ghanathi bane n dhumase melun thatun
Tuj tej te muj upavane hun nitya jov jaun chhun

Mam pyarinan fuladan ane muj vruksha jyare unghatan
Tun jagato ratri badhi tyare rame chhe bagaman

Tun jagaje tun khelaje ne patre patre mhalaje
Chalakat taro ej pan tuj khunani talavar chhe

Tun kem e mani shake adhar taro ej chhe
E jal tun jane nahin hun janun ne roun are

Re pakshi koni drushtie tun ej chalakate pade
Santai jatan nasatan e karya vairinun kare

Dyuti je tane jivadati dyuti te tane sanharati
Je poshatun te maratun evo dise kram kudarati

A prem sansari tano tuj tej jevo chhe naki
E amrute shun zeranan bindu bharyan vidhie nathi

Am ej jivit ej mrutyu ej ashru ne ami
Je poshatun te maratun shun e nathi kram kudarati?

-kalapi

Source: Mavjibhai