એક દેડકી - Ek Dedki - Kids Story

એક દેડકી હતી. તે એક દેડકાને પરણી.
એક વાર દેડકીબાઈ હાથમાં છાશની દોણી લઈ બજારે છાશ લેવા ચાલ્યાં. ત્યાં રસ્તામાં હાથી મળ્યો.
નવી પરણેલી દેડકીએ પોતાના રૂપનું અભિમાન કરી હાથીને કહ્યું :

‘છપરા પગના હાથિયા રે !
તું જોઈને ચાલ,
રુડું રતન ચગદાશે !’
હાથી દેડકીની આવી શેખીથી ખિજાયો અને બોલ્યો :

‘ડેફરા પેટની દેડકી રે !
તને દૈવ દેખે છે.’
હાથીએ દેડકીને ડેફરા પેટની કીધી એટલે પોતાના રૂપનું અપમાન થયું જાણી તેણે પોતાના પતિ દેડકાજીને કહ્યું :

‘વાડમાં બેઠાં રે રાણા રાજિયા રે !
આ છપરા પગનો હાથીડો,
મને ડેફરા પેટની દેડકી કે’ છે !’
દેડકાએ વિચાર કર્યો કે આ મૂરખી ગુમાનમાં ચગદાઈ જશે. એટલે પોતાનું અને દેડકીનું માન રહે તેમ બોલ્યો :

‘ઓરાં આવો, ગોરાંદે પાતળાં !
હાથી જખ મારે છે.’