બાળ બોધ કાવ્યપંક્તિઓ - Famous Short Poems

ગણ્યાં ગણાય નહિ
વીણ્યાં વીણાય નહિ
છાબડીમાં માય નહિ
તો ય મારા આભલામાં નહાય

જે જન મશ્કરી કરવા જાય
મોડા વહેલો તે સપડાય
જૂઠાણું જલદી પકડાય
આખર જૂઠો જન પસ્તાય

દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય
ફટાકડાં ફટ ફટ ફૂટે બાળક બહુ હરખાય

નિશાળમાંથી નિસરી જવું પાંસરું ઘેર
રાખો નહિ મન રમતમાં સમજો સારી પેર

રમત ગમત કરતાં કદી કરવું નહિ નુકશાન
ખોટી રીતે ખેલતાં ભારી થાયે હાણ

વગર વિચાર્યું જે કરે પાછળથી તે પસ્તાય
દેખો એવાં કામથી જાન ઘણાંના જાય

ભણતાં પંડિત નીપજે લખતાં લહિયો થાય
ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય
પોપટ પણ અભ્યાસથી શીખે બોલતાં બોલ
કાયર થઈ આળસ કરે તે નર ખરને તોલ

મૂરખ માથે શીંગડાં નહિ નિશાની હોય
સાર-અસાર વિચાર નહિ જન તે મૂરખ હોય
અક્ષર એક ન આવડે ઉર અભિમાન અપાર
જગમાં તેને જાણવો સૌ મૂરખનો સરદાર

પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ
દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ
કહ્યું કરો મા બાપનું દો મોટાંને માન
ગુરુને બાપ સમા ગણશો મળશે સારું જ્ઞાન

નિદ્રામહીં નહિ હતું તન ભાન જ્યારે
જેણે જૂઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે
તેને પ્રભાત સમયે પ્રથમે સ્મરું રે
કાર્યો બધાં દિવસનાં પછીથી કરું રે

આસપાસ આકાશમાં અંતરમાં આભાસ
ઘાસચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ
ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત
ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત
ખાલી જગ્યા ખોળીએ કણી મૂકવા કાજ
ક્યાંયે જગતકર્તા વિના ખાલી મળે ન ઠામ

ઓ ઈશ્વર ભજીએ તને

ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ
ગુણ તારા નિત ગાઈએ થાય અમારાં કામ

હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ

પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઈ સૂએ નહિ સાધુ સંત સમાય

અતિથિ ભોંઠો ના પડે આશ્રિત ના દૂભાય
જે આવે મમ આંગણે આશિષ દેતો જાય

સ્વભાવ એવો આપજે સહુ ઈચ્છે મમ હિત
શત્રુ ઈચ્છે મિત્રતા પડોશી ઈચ્છે પ્રીત

વિચાર વાણી વર્તને સૌનો સાચો સ્નેહ
કુટુંબ મિત્ર સ્નેહીનું ઈચ્છું કુશળ ક્ષેમ

જોવા આપી આંખડી સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા ભલું કર્યું ભગવાન

તારા આભે શોભતા સૂરજ ને વળી સોમ
એ તો સઘળાં તેં રચ્યાં જબરું તારું જોમ

અમને આપ્યા જ્ઞાન ગુણ તેનો તું દાતાર
બોલે પંખી પ્રાણીઓ એ તારો ઉપકાર

કાપ ક્લેશ કંકાસ ને કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કરી કાપ દુખ સુખ આપ

ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ
ગુણ તારા નિત ગાઈએ થાય અમારાં કામ

કરતા જાળ કરોળિયો

કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે ઉપર ચડવા જાય

મહેનત તેણે શરૂ કરી ઉપર ચડવા માટ
પણ પાછો હેઠો પડ્યો ફાવ્યો નહિ કો ઘાટ

એ રીતે મંડી રહ્યો ફરી ફરી બે ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતાં ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી ભીડયો છઠ્ઠી વાર
ધીરજથી જાળે જઈ પહોંચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે મરી જાત વણમોત

એ રીતે જો માણસો રાખી મનમાં ખંત
આળસ તજી મહેનત કરે પામે લાભ અનંત

જગતનો તાત ખેડૂત
રે ખેડૂત તું ખરે જગતનો તાત ગણાયો
આ સઘળો સંસાર પાળતો તું જ જણાયો

કપાસ ફળ ફૂલ ઘાસ ધાન્યને તું નીપજાવે
અન્ન ખાય સહુ જીવ ધરે જન વસ્ત્રો ભાવે

સહે તાપ વરસાદ વળી બહુ મહેનત કરતો
રહે શરીરે લઠ્ઠ સદા સંતોષે ફરતો

ઉત્તમ ખેતી ખરે વળી તે પર ઉપકારી
ખરી ખંતથી દીએ જગતને શીખ તું સારી

એક અડપલો છોકરો

(દોહરો)

એક અડપલો છોકરો જીવો જેનું નામ
અતિશે કરતો અડપલાં જઈ બેસે જે ઠામ

કાગળ કાં લેખણ છરી જે જે વસ્તુ જોય
ઝાલે ઝૂમી ઝડપથી હીરા જેવી હોય

ના ના કહી માને નહિ કહ્યું ન ધરે કાન
એને પણ દિન એકમાં સર્વ મળી ગઈ સાન

ડોસો ચશ્માં ડાબલી મેલી ચડિયા માળ
અતિ આનંદે અડપલે તે લીધાં તત્કાળ

ચશ્મા નાક ચડાવિયાં ખાડાળાં તે ખૂબ
ડાબલી લીધી દેખવા ધારીને પગ ધુંબ

ઢીલું ન હતું ઢાકણું જબરું કીધું જોર
ઊઘડતાં તે ઉછળ્યું કીધો શોરબકોર

આંખો મો ઉપર પડી તેમાંથી તપખીર
ફાંફાં મારે ફાંકડો ન ધારી શક્યો ધીર

ચશ્માં નાખ્યાં ચોકમાં છીં છીં છીંકો ખાય
થાક્યો તે થૂ થૂ કરી જીવો રોતો જાય

ચોળે ત્યાં તો ચોગણો આંખે અંધો થાય
ડોસે દીઠો દીકરો ચશ્માંના ચૂરાય

ડોસે ડારો દઈ કહ્યું હસવું ને થઈ હાણ
લાડકડાં એ લાગનો જીવા છે તું જાણ

ચશ્માં તો વસમાં થયાં ડબીએ વાળ્યો દાટ
જીવે ફરીને જીવતાં ઘડ્યો ન એવો ઘાટ

ઊંટના તો અઢારે વાંકા

ઊંટ કહે આ સમામાં વાંકાં અંગવાળાં ભૂંડા
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે

બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી
કૂતરાની પૂછડીનો વાંકો વિસ્તાર છે

વારણની સૂંઢ વાંકી વાઘના છે નખ વાંકા
ભેંસને તો શિર વાંકાં શિંગડાનો ભાર છે

સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે

એક શરણાઈવાળો

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે

એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે

કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ
“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે”