ગંદા ગોબરાં કુંડમાં શું વસતા શ્યામ?
ગંદા ગોબરાં કુંડ છે ગોઝારા પ્રભુધામ
લુચ્ચા પંડા બ્રાહ્મણો, ત્યાં શું વસતા શ્યામ?
એક વસ્તુ ન ખાલી છે જ્યાં છે ના ભગવાન
મારા મનનાં મંદિરે કેમ ન લેતાં સ્થાન?
પ્રભુ છે કેવા, કોણ છે, ક્યાં છે તેનું ઘરબાર
પ્રભુ સાથે ખતપત્રનો મારે ના વ્યવહાર
મારાં અને બીજા તણાં જોયાં જે અવતાર
તે દેખીને ઈશનો માનું નહિ ઉપકાર
વાડ થઈ ચીભડાં ગળે તે તો નિંદ્ય ગણાય
જન્માવીને જે મારતો તે વિભુરાય ગણાય
સારી વસ્તુ સરજી ને કરતો તેની હાણ
કોણે કહ્યું કે સર્જજે આ સૃષ્ટિ ભગવાન?
તું ને હું જુદા નથી શું તે ખરી છે વાત?
તો પછી તુંને શોધવા શિદ શોષું હું જાત?
મારે તું બનવું નથી છો મુજ કષ્ટ અમાપ
મારા શિર પર શેં ધરું હું દુઃખિયાના શાપ
હું અર્પી દઉં છું ઈશને જિંદગીના સૌ કર્મ
ઈશ ન તે અપનાવશે તો તે ચૂકશે ધર્મ
પૈસાદાર કરી રહ્યો પથ્થરને ધનવાન
પૈસાદાર કરી શકે પથ્થરને ભગવાન
પાપ પુણ્ય વચ્ચે પ્રભુ કરે ન પક્ષાપક્ષ
વક્કર કોઈનો ના વધે તે ઈશનું છે લક્ષ!
સંસારે જે કૃત્યને શાસ્ત્ર ગણે છે પાપ
તે પાપો થઈ જાય છે જરીમાં આપોઆપ
મંદિરમાં ઉંદર ગયો દોડે મૂર્તિ ઉપર
ભોગ ધરાવ્યાં દેખીને ખૂશ થયો આખર
મંદિરમાં દર્પણ હતાં માંહી પૂરાયો શ્વાન
પોતાના આભાસ પર ભસી ગુમાવ્યો જાન
સંતની વાણી વાંચી મેં લીધો એક સાર
સંતો જો મુંગા રહે તો જગનો બેડો પાર
પંથ જુદો ભલે ગ્રહતા સંસારી ને સંત
તે બેઉ માટે આખર મૃત્યુ એક જ અંત
ખાતો કાચું માંસ જે પશુમાં તે લેખાય
કાચું ધાન્ય જીભે ગ્રહે યોગીમાં ખપી જાય
સાચી વસ્તુ શોધવા પંડિત દે છે બોધ
પંડિતને છોડ્યા વિના સફળ થશે ના શોધ
ભક્ત ભૂલે છે સ્વત્વને રામ તણું લઈ નામ
દારુડિયો પણ ભૂલતો પીને મદિરા જામ
મર્યાં પછી જે સુખ મળે તેનો ધરીને ખ્યાલ
આજે તું તુજ જિંદગી કરતો શેં બેહાલ
સત્ય તણો જય દેખવા મેં જોયો ઈતિહાસ
પણ જોયો ઈતિહાસમાં સત્ય તણો ઉપહાસ
સત્ય કદી જીતતું નથી, જે જીતે તે સત!
સતને પણ કરવું પડે પરિણામને પત
સત્ય સનાતન છે નહિ સત્ય સદા બદલાય
યુગે યુગે તેની તુલના જુદી થાય!
શક્તિશાળી મનુષ્યનો ના ધરવો કદી હાથ
સૌને સેવક બનાવી તે બની બેસે નાથ!
સુખને જે શોધે નહિ તેના દુઃખનો અંત
સુખ પાછળ જે દોડતો તેને દુઃખ અનંત
સરસ્વતીની લક્ષ્મીથી પૂજા કરે રાજન
સરસ્વતીથી લક્ષ્મીની પૂજા કરે ચારણ
કોને માટે પાથરું કાવ્યની કૂણી બિછાત
ગદ્યની ગુણી પર સૂઈ લોક વીતાવે રાત!
જન્મી જીવીને મરે જીવડાં લાખ અકાળ
સાહિત્યે તેવી રીતે મરતો કવિતા ફાલ!
-મંગળદાસ જ. ગોરધનદાસ
(મુંબઈ નિવાસી મંગળદાસભાઈએ
જાતે લખી, છપાવી નવેમ્બર ૧૯૫૮માં પ્રસિદ્ધ કરેલા
‘દોહરા સંગ્રહ’ પુસ્તકમાંથી સાભાર)
Ganda Gobaran Kundaman Shun Vasat Shyama?
Ganda gobaran kunda chhe gozar prabhudhama
Luchcha panda brahmano, tyan shun vasat shyama?
Ek vastu n khali chhe jyan chhe n bhagavana
Mar mananan mandire kem n letan sthana?
Prabhu chhe keva, kon chhe, kyan chhe tenun gharabara
Prabhu sathe khatapatrano mare n vyavahara
Maran ane bij tanan joyan je avatara
Te dekhine ishano manun nahi upakara
Vad thai chibhadan gale te to nindya ganaya
Janmavine je marato te vibhuraya ganaya
Sari vastu saraji ne karato teni hana
Kone kahyun ke sarjaje a srushti bhagavana?
Tun ne hun jud nathi shun te khari chhe vata?
To pachhi tunne shodhav shid shoshun hun jata?
Mare tun banavun nathi chho muj kashṭa amapa
Mar shir par shen dharun hun duahkhiyan shapa
Hun arpi daun chhun ishane jindagin sau karma
Ish n te apanavashe to te chukashe dharma
Paisadar kari rahyo paththarane dhanavana
Paisadar kari shake paththarane bhagavana
Pap punya vachche prabhu kare n pakshapaksha
Vakkar koino n vadhe te ishanun chhe laksha!
Sansare je krutyane shastra gane chhe papa
Te papo thai jaya chhe jariman apoapa
Mandiraman undar gayo dode murti upara
Bhog dharavyan dekhine khush thayo akhara
Mandiraman darpan hatan manhi purayo shvana
Potan abhas par bhasi gumavyo jana
Santani vani vanchi men lidho ek sara
Santo jo munga rahe to jagano bedo para
Pantha judo bhale grahat sansari ne santa
Te beu mate akhar mrutyu ek j anta
Khato kachun mansa je pashuman te lekhaya
Kachun dhanya jibhe grahe yogiman khapi jaya
Sachi vastu shodhav pandit de chhe bodha
Panditane chhodya vin safal thashe n shodha
Bhakṭa bhule chhe swatvane ram tanun lai nama
Darudiyo pan bhulato pine madir jama
Maryan pachhi je sukh male teno dharine khyala
Aje tun tuj jindagi karato shen behala
Satya tano jaya dekhav men joyo itihasa
Pan joyo itihasaman satya tano upahasa
Satya kadi jitatun nathi, je jite te sata!
Satane pan karavun pade parinamane pata
Satya sanatan chhe nahi satya sad badalaya
Yuge yuge teni tulan judi thaya!
Shaktishali manushyano n dharavo kadi hatha
Saune sevak banavi te bani bese natha!
Sukhane je shodhe nahi ten duahkhano anta
Sukh pachhal je dodato tene duahkha ananta
Saraswatini lakshmithi puj kare rajana
Saraswatithi lakshmini puj kare charana
Kone mate patharun kavyani kuni bichhata
Gadyani guni par sui lok vitave rata!
Janmi jivine mare jivadan lakh akala
Sahitye tevi rite marato kavit fala!
-Mangaladas Ja. Goradhanadasa
(munbai nivasi mangaladasabhaie
Jate lakhi, chhapavi navembar 1958man prasiddha karela
‘dohar sangraha’ pustakamanthi sabhara)