ગિરિ તળેટી ને કુંડ દામોદર - Giri Taleti Ne Kunda Damodara - Lyrics

ગિરિ તળેટી ને કુંડ દામોદર

ગિરિ તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાહવા જાય
લોક વરણમાં દ્રઢ હરિભક્તિ તે પ્રેમ ધરીને લાગ્યા પાય

કર જોડીને પ્રાર્થના કીધી વિનતિતણાં બહુ વદ્યા રે વચન
સંતપુરુષ અમ અરજ એટલી અમારે આંગણે કરો કીર્તન

પ્રેમપદારથ અમો પામીએ વામીએ જન્મમરણ જંજાળ
કર જોડતામાં કરુણા ઊપજી મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ

પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર સમદ્રષ્ટિ ને સર્વ સમાન
ગૌમૂત્ર તુલસી વૃક્ષ લીંપજો એવું વૈષ્ણવે આપ્યું વાગ્દાન

મહેતાજી નિશાએ આવ્યા લાવ્યા પ્રસાદ ને કીધો ઓચ્છવ
ભોર થયાં લગી ભજન કીધું સંતોષ પામ્યા સહુ વૈષ્ણવ

ઘેર પધાર્યા હરિજશ ગાતા વા’તા તાળ ને શંખ-મૃદંગ
હસી હસી નાગર તાળીઓ લે છે આ શા રે બ્રાહ્મણના ઢંગ?

મૌન ગ્રહી મહેતાજી ચાલ્યા અધવધરાને શો ઉત્તર દઉં?
જાગ્યા લોક નરનારી પૂછે મહેતાજી તમે એવા શું?

નાત ન જાણો જાત ન જાણો ન જાણો કાંઈ વિવેક વિચાર
કર જોડીને કહે નરસૈંયો વૈષ્ણવતણો મુજને આધાર

-નરસિંહ મહેતા


Giri Taleti Ne Kunda Damodara

Giri taleti ne kunda damodar tyan mahetaji nahav jaya
Lok varanaman dradh haribhakti te prem dharine lagya paya

Kar jodine prarthan kidhi vinatitanan bahu vadya re vachana
Santapurush am araj eṭali amare angane karo kirtana

Premapadarath amo pamie vamie janmamaran janjala
Kar jodataman karun upaji mahetaji vaishnav param dayala

Pakshapakshi tyan nahi parameshvar samadrashti ne sarva samana
Gaumutra tulasi vruksha linpajo evun vaishnave apyun vagdana

Mahetaji nishae avya lavya prasad ne kidho ochchhava
Bhor thayan lagi bhajan kidhun santosh pamya sahu vaishnava

Gher padharya harijash gat va’t tal ne shankha-mrudanga
Hasi hasi nagar talio le chhe a sha re brahmanan dhanga?

Maun grahi mahetaji chalya adhavadharane sho uttar daun?
Jagya lok naranari puchhe mahetaji tame ev shun?

Nat n jano jat n jano n jano kani vivek vichara
Kar jodine kahe narasainyo vaishnavatano mujane adhar

-Narasinha Maheta