ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે! - Gruh Dhanya Jahan Gruhini Vilase! - Lyrics

ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

સરલ સુભગ સ્મિત હસિત વદન પર લજ્જા ધરતી કુલવંતી,
કોમળ મીઠે કંઠે ગજવતી ગીત મધુરા ગુણવંતી;
નયને પ્રણયઅમી વરસે; ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

ગૌર ગુલાબી કાંતિ તનની, મુખ પર લાલી લલિત રમે;
ચિત્ત પ્રસન્ન પ્રફુલ્લિત હૈડું, શીલ સ્વભાવે શિર નમે!
સતીઓનાં જ્યાં સ્મરણ વસે, ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

સ્વચ્છ સુઘડ આરોગ્યમનોહર ચતુરા નિશદિન ચમકંતી,
પહાડના પડછંદા જેવી ધરતી ઉપર ધમકંતી!
મુખડે ગંભીર હાસ્ય હસે! ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

સજ્જનમાં મૃદુ પુષ્પકળી શી નિજ પરિમલથી પ્રસરાતી,
દુર્જન દેખી સિંહણ સરખી અંતરમાં એ અકળાતી;
સુરુચિ હૃદય સદૈવ વસે; ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

શુભ શણગાર સજી મરજાદે મલપતી ગૃહલક્ષ્મી જાણે!
રૂપ જણાવા દે જગને કદિ ના એ આછા ભભકા માણે;
કંથ રીઝાવતી રસિક રસે; ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

જીવનના રસ મધુરા ઝરતી, બાલુડાંની કલ્પલતા;
કુળ-આંબાની મીઠી કોયલ, ટહુકા કરતી મનગમતા;
શાં સહકારે ઉર વિકસે! ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

નમ્ર વચન મુખ ભાવે ભીંજ્યું, હૈડામાં હુલ્લાસ વસ્યો;
ગુણિયલનો સોહાગ અનેરો દીપે કુળના દીપક શો!
દર્શનથી દુઃખ દૂર ખસે! ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ


Gruh Dhanya Jahan Gruhini Vilase!

Saral subhag smit hasit vadan par lajja dharati kulavanti,
Komal mithe kanthe gajavati git madhur gunavanti;
Nayane pranayaami varase; gruh dhanya jahan gruhini vilase!

Gaur gulabi kanti tanani, mukh par lali lalit rame;
Chitṭa prasanna prafullit haidun, shil swabhave shir name!
Sationan jyan smaran vase, gruh dhanya jahan gruhini vilase!

Svachchha sughad arogyamanohar chatur nishadin chamakanti,
Pahadan padachhanda jevi dharati upar dhamakanti!
Mukhade ganbhir hasya hase! Gruh dhanya jahan gruhini vilase!

Sajjanaman mrudu pushpakali shi nij parimalathi prasarati,
Durjan dekhi sinhan sarakhi antaraman e akalati;
Suruchi hrudaya sadaiv vase; gruh dhanya jahan gruhini vilase!

Shubh shanagar saji marajade malapati gruhalakshmi jane!
Rup janav de jagane kadi n e achh bhabhak mane;
Kantha rizavati rasik rase; gruh dhanya jahan gruhini vilase!

Jivanan ras madhur zarati, baludanni kalpalata;
Kula-anbani mithi koyala, ṭahuk karati managamata;
Shan sahakare ur vikase! gruh dhanya jahan gruhini vilase!

Namra vachan mukh bhave bhinjyun, haidaman hullas vasyo;
Guniyalano sohag anero dipe kulan dipak sho! Darshanathi duahkha dur khase!
gruh dhanya jahan gruhini vilase!

-Tribhuvanadas Gaurishankar Vyasa