હે જૂન ત્રીજી! - He Jun Triji! - Lyrics

હે જૂન ત્રીજી!

હે જૂન ત્રીજી!
ઓગણીસસો ને સુડતાલી સાલની!

  હે જૂન ત્રીજી!
  રે છેવટે તું પણ કેવું રીઝી!
  ભૂગોળ શું સમસમીને જ સીઝી?

  હે જૂન ત્રીજી!
  હાકેમનું  ભાષણ  સાંભળીને
  આ જન્મભૂમિ ગઈ સાવ થીજી.
  ગુલામીના જખ્મ તણી દવા મળી–
  આઝાદી, તે યે બસ વાઢકાપથી.
  સામ્રાજ્યશાહી  થઈ  જાહિરાત,
  ગુલામીની  મૈયત  કે બરાત?

  હે જૂન ત્રીજી!
  રે છેવટે તું પણ કેવું રીઝી!
  લાવાભર્યા કોઈ લલાટલેખ શી
  લકીર તાણી, હદ થૈ હદોની.
  એ અંગવિચ્છેદની  હે જનેતા!
  નમી પડ્યા  શૂન્યમનસ્ક નેતા.

  નોઆખલીમાં હતી આગ ત્યારે
  ગાંધી મહાત્મા  તહીં  દ્વારેદ્વારે
  ભમી રહ્યા'તા દવ શાંત પાડવા.

  શું હિન્દુ? શું મુસ્લીમ? વેર શાને?
  આ આગ ઠારું જલરાશિથી હું?
  કે ધૂળ નાખી કરું શાંત જ્વાલા?
  હોમાઉં  કિંવા હવિરૂપ  થૈને
  વિનાશકારી  ઈહ  વૈમનસ્યે?
  આવા વલોપાત  વડે મહાત્મા
  વીંધી રહ્યા'તા જ તમિસ્ત્ર કેવું!

  હે જૂન ત્રીજી!
  ઓગણીસસો ને સુડતાલી સાલની!
  મને  મહાભારતનો   પ્રસંગ
  તેવે સમે તુર્ત જ સાંભર્યો અને
  બની ગયો  હું પણ દગ્ધ-દંગ!

  ભરીભરી  કૌરવની  સભામાં
  દુઃશાસને  દ્રૌપદી-ચીર  ખેંચ્યાં,
  રે ભીષ્મ જેવા ય  રહ્યા અચેષ્ટ,
  ને દ્રોણ જેવા નિરુપાય બેઠા.

  સિદ્ધાંતના  તાર્કિક  ધર્મબંધને
  મહાનુભાવો  અથવા  મદાંધને
  પડી ન સાચી લવલેશ  સૂઝ,
  અને ન આવી પછી એની રૂઝ.

  ત્યારે છવાયો સ્વર માત્ર હા-હા!
  વિવેકબુદ્ધિ થઈ ત્યાં જ સ્વાહા!
  નરાધમોની હતી  હાસ્ય હા-હા!
  કર્તવ્યમૂઢોની  વ્યથા ય હા-હા!

  તેવું જ શું ભારત-ભાગલા સમે
  બની ગયું? સ્થાપિત થૈ ઠસી ગયું?

  એ ભીષ્મની શૂન્યમનસ્કતા હતી?
  કે  દ્રોણની અન્યમનસ્કતા હતી?
  એ  શૂન્ય  ને અન્યમનસ્કતાને
  નથી વખાણી  જ  પુરાણપાને 

  હે જૂન ત્રીજી! 
  રે છેવટે તું પણ કેવું રીઝી?
  ગુલામીમાં યે ટુકડાથી  નિર્ભર,
  આઝાદી લીધી ટુકડાથી તુષ્ટ થૈ!
  થયું  મહાભારતમાંથી  ભારત!
  રે એમ પૂરી થઈ  કેવી આરત!

-વેણીભાઈ પુરોહિત


He Jun Triji!

He jun triji!
oganisaso ne sudatali salani!

  he jun triji!
  re chhevate tun pan kevun rizi!
  bhugol shun samasamine j sizi?

  he jun triji!
  hakemanun  bhashan  sanbhaline
  a janmabhumi gai sav thiji.
  gulamin jakhma tani dav mali–
  azadi, te ye bas vadhakapathi.
  samrajyashahi  thai  jahirata,
  gulamini  maiyat  ke barata?

  he jun triji!
  re chhevate tun pan kevun rizi!
  lavabharya koi lalaṭalekh shi
  lakir tani, had thai hadoni.
  e angavichchhedani  he janeta!
  nami padya  shunyamanaska neta.

  noakhaliman hati ag tyare
  gandhi mahatma  tahin  dvaredvare
  bhami rahya't dav shanṭa padava.

  shun hindu? Shun muslima? Ver shane?
  a ag tharun jalarashithi hun?
  ke dhul nakhi karun shanṭa jvala?
  homaun  kinva havirup  thaine
  vinashakari  ih  vaimanasye?
  av valopat  vade mahatma
  vindhi rahya't j tamistra kevun!

  he jun triji!
  oganisaso ne sudatali salani!
  mane  mahabharatano   prasanga
  teve same turṭa j sanbharyo ane
  bani gayo  hun pan dagdha-danga!

  bharibhari  kauravani  sabhaman
  duahshasane  draupadi-chir  khenchyan,
  re bhishma jev ya  rahya acheshṭa,
  ne dron jev nirupaya betha.

  siddhantan  tarkik  dharmabandhane
  mahanubhavo  athav  madandhane
  padi n sachi lavalesh  suza,
  ane n avi pachhi eni ruza.

  tyare chhavayo swar matra ha-ha!
  vivekabuddhi thai tyan j swaha!
  naradhamoni hati  hasya ha-ha!
  kartavyamudhoni  vyath ya ha-ha!

  tevun j shun bharata-bhagal same
  bani gayun? Sthapit thai ṭhasi gayun?

  e bhishmani shunyamanaskat hati?
  ke  dronani anyamanaskat hati?
  e  shunya  ne anyamanaskatane
  nathi vakhani  j  puranapane 

  he jun triji! 
  re chhevate tun pan kevun rizi?
  gulamiman ye tukadathi  nirbhara,
  azadi lidhi tukadathi tushṭa thai!
  thayun  mahabharatamanthi  bharata!
  re em puri thai  kevi arata!

-venibhai purohita

Source: Mavjibhai