મધ્યરાત્રીએ કોયલ - Madhyaratrie Koyala - Lyrics

મધ્યરાત્રીએ કોયલ

શાંત આ રજની મહીં, મધુરો કહીં રવ આ ટુહૂ
ઝીણો પડ્યો શ્રવણે અહીં, શું હું સ્વપ્નમાં સુખ આ લહું

મંદ વાઈ સમીર આ દીશ જો વહે રવ એ ફરી
નહિ સ્વપ્ન એ તો ગાન પેલી ગાય કોયલ માધુરી

મધ્યરાત્રિ સમે તને અલિ કોકિલા શું આ ગમ્યું
હા, મેહુલો વરસી રહ્યો તેથીજ તુજ મનડું ભમ્યું

દુઃખ નવ સ્વપ્ને દીઠું ને સુખ મહીં તું રેલતી
આ રમ્ય રાત્રિ મહીં અધિક આનંદ ગાને ખેલતી

નીતરી ધોળી વાદળી રહી વ્યોમમાં પથરાઈ આ
ને ચાંદની ઝીણી ફીકી વરસી રહી શી સહુ દિશા

ગાન મીઠું અમી સમું, તેણે ભર્યું તુજ કંઠમાં
આ શાંતિ અધિક વધારતું,તે જાય ઊભરી રંગમાં

નગર બધું આ શાંત સૂતું, ચાંદની પણ અહીં સૂતી
ને વાદળીઓ ચપળ તે પણ આ સમે નવ જાગતી

અનિલ ધીરે ભરે પગલાં, પળે શાંતિ રખે સહુ
ત્યાં ઊછળતી આનંદ રેલે, કોકિલા બોલે ટુહૂ

સૃષ્ટિ સઘળી શાંત રાખી, મુજને જ જગાડતો
ટહુકો મીઠો તુજ પવન લહરી સંગ જે બહુ લાડતો

ગાન તુજ સીંચે હૃદયમાં મોહની કંઈ અવનવી
ભૂલી ભાન, તજી રમ્ય શય્યા, હૈડું દોડે તવ ભણી

દોડી ખેલે મધુર તુજ ટહુકાની સંગે રંગમાં
આનંદસિંધુતરંગમાં નાચંતુ એ ઉછરંગમાં

હા વિરમી પણ ગયો, ટહુકો હૃદય લલચાવે બહુ
ફરી એક વેળા, એક વેળા, બોલ મીઠી ટુહૂ ટુહૂ

-નરસિંહરાવ દિવેટિયા


Madhyaratrie Koyala

Shanṭa a rajani mahin, madhuro kahin rav a tuhu
Zino padyo shravane ahin, shun hun swapnaman sukh a lahun

Manda vai samir a dish jo vahe rav e fari
Nahi swapna e to gan peli gaya koyal madhuri

Madhyaratri same tane ali kokil shun a gamyun
Ha, mehulo varasi rahyo tethij tuj manadun bhamyun

Duahkha nav swapne dithun ne sukh mahin tun relati
A ramya ratri mahin adhik ananda gane khelati

Nitari dholi vadali rahi vyomaman patharai a
Ne chandani zini fiki varasi rahi shi sahu disha

Gan mithun ami samun, tene bharyun tuj kanṭhaman
A shanti adhik vadharatun,te jaya ubhari rangaman

Nagar badhun a shanṭa sutun, chandani pan ahin suti
Ne vadalio chapal te pan a same nav jagati

Anil dhire bhare pagalan, pale shanti rakhe sahu
Tyan uchhalati ananda rele, kokil bole tuhu

Srushti saghali shanṭa rakhi, mujane j jagadato
ṭahuko mitho tuj pavan lahari sanga je bahu ladato

Gan tuj sinche hrudayaman mohani kani avanavi
Bhuli bhana, taji ramya shayya, haidun dode tav bhani

Dodi khele madhur tuj ṭahukani sange rangaman
Anandasindhutarangaman nachantu e uchharangaman

H virami pan gayo, ṭahuko hrudaya lalachave bahu
Fari ek vela, ek vela, bol mithi tuhu tuhu

-narasinharav divetiya

Source: Mavjibhai