મનસૂર હજી પણ જીવે છે! - Manasur Haji Pan Jive Chhe! - Lyrics

મનસૂર હજી પણ જીવે છે!

હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું;
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું. …૧

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું;
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું. …૨

હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું;
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું. …૩

કોઈ ધર્મ નથી, કોઈ કર્મ નથી, કોઈ જ્ઞાન નથી, અજ્ઞાન નથી;
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું. …૪

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે;
હું એમ તો મારા અનુભવમાં ઈશ્વરને લાવી જાણું છું. …૫

મનસૂરને ફાંસી દેનારા! મનસૂર હજી પણ જીવે છે;
હું માનવના હર શ્વાસ મહીં મનસૂર બતાવી જાણું છું. …૬

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે;
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું. …૭

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે;
તું આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું. …૮

ઓ પ્રેમ રમતના રમનારા, તું પ્રેમ રમતને શું સમજે;
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું. …૯

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી;
હું એમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું. …૧૦

-હરજી લવજી દામાણી ‘શયદા’


Manasur Haji Pan Jive Chhe!

Hun maun rahine ek anahat nad gajavi janun chhun;
Bharanidraman pan sutelo sansar jagavi janun chhun. …1

Muj antar bali baline ek jyot jalavi janun chhun;
Barabad thatan pan bijane abad banavi janun chhun. …2

Hun ful khilavi janun chhun fulabag lagavi janun chhun;
Tyan kale kahyun ke garva n kar hun bhasma banavi janun chhun. …3

Koi dharma nathi, koi karma nathi, koi gnan nathi, agnan nathi;
Tun buddhi chhodi bes to hun sahu bhed batavi janun chhun. …4

Anubhavani vato shun puchhe, vaniman anubhav nahin ave;
Hun em to mar anubhavaman ishvarane lavi janun chhun. …5

Manasurane fansi denara! manasur haji pan jive chhe;
Hun manavan har shvas mahin manasur batavi janun chhun. …6

Hun bolo boli palun chhun – tun bolo boli badale chhe;
Tun vat banavi jane chhe, hun vat nibhavi janun chhun. …7

Tari ankhoman jval chhe, mari ankhoman ashru chhe;
Tun ag lagavi jane chhe, hun ag buzavi janun chhun. …8

O prem ramatan ramanara, tun prem ramatane shun samaje;
Tun ankha ladavi jane chhe, hun pran ladavi janun chhun. …9

Abhar bharel mastakane unchakavun ‘shayada’ shel nathi;
Hun em to mastiman avi akash uthavi janun chhun. …10

-Haraji Lavaji Damani ‘Shayada’

સ્વરઃ નયન પંચોલી
Source: Mavjibhai