મીંદડી વેરણ થઈ - Mindadi Veran Thai - Lyrics

મીંદડી વેરણ થઈ

(ઢાળ - કાચબા કાચબીના ભજનનો)
આદમ તને મીંદડી રે
મધરાતે વેરણ થઈ

આદમ તને મીંદડી વેરણ થઈ

પીંજવા આણ્યું બે મણ રૂ ને કપાસિયા મહીં ખૂબ
ઊંદરભાઈ તે ખાવા રાતરે આવ્યા ધૂબાધૂબ

ત્યાં ઘરમાં દોટંદોટા થઈ
આદમ તને મીંદડી વેરણ થઈ

છાપરામાંથી કાણું કરી ત્યાં આવ્યાં બિલ્લીબાઈ
જાળવી માર્યો ભૂસકો તો યે પડી પથારી માંહી

પીંજારણ કૂદવા લાગી ગઈ
આદમ તને મીંદડી વેરણ થઈ

દીવાસળીનું ન મળે ઠેકાણું દીવામાં દીવેટ નહિ
આદમ બાપડો રતાંધળો ને પીંજારણ તો રઘવાઈ

નાનો ત્યારે અલિયો ઊઠ્યો ધાઈ
આદમ તને મીંદડી વેરણ થઈ

અલિયે ઊઠી લાકડી લીધી દોડ્યો રસોડા મેર
ચાર પૈસાની હાંડલી આણી મેલી’તી ચૂલાની બેડ

અલિયાએ લાકડી ત્યાં ઘુમાઈ
આદમ તને મીંદડી વેરણ થઈ

ઊંદર નાઠા બિલ્લી નાઠી સમકારો જ્યાં કીધો
બેડ ઉપરની હાંડલી ઉપર અલિયે ફટકો દીધો

બિચારી હાંડલી ભાંગી ગઈ
આદમ તને મીંદડી વેરણ થઈ

હાંડલી ભાંગી ઘર તો ભાંગ્યું વાસણ ન રહ્યું કંઈ
કાલ શું મેલવું રાંધવા વાસણ ચિત્તમાં ચિંતા થઈ

આદમને નીંદરા વેરણ થઈ
આદમ તને મીંદડી વેરણ થઈ

-સુન્દરમ્


Mindadi Veran Thai

(dhal - kachab kachabin bhajanano)
Adam tane mindadi re
Madharate veran thai

Adam tane mindadi veran thai

Pinjav anyun be man ru ne kapasiya mahin khuba
Undarabhai te khav ratare avya dhubadhuba

Tyan gharaman dotandot thai
Adam tane mindadi veran thai

Chhaparamanthi kanun kari tyan avyan billibai
Jalavi maryo bhusako to ye padi pathari manhi

Pinjaran kudav lagi gai
Adam tane mindadi veran thai

Divasalinun n male thekanun divaman divet nahi
Adam bapado ratandhalo ne pinjaran to raghavai

Nano tyare aliyo uthyo dhai
Adam tane mindadi veran thai

Aliye uthi lakadi lidhi dodyo rasod mera
Char paisani handali ani meli’ti chulani beda

Aliyae lakadi tyan ghumai
Adam tane mindadi veran thai

Undar nath billi nathi samakaro jyan kidho
Bed uparani handali upar aliye faṭako didho

Bichari handali bhangi gai
Adam tane mindadi veran thai

Handali bhangi ghar to bhangyun vasan n rahyun kani
Kal shun melavun randhav vasan chittaman chinṭa thai

Adamane nindar veran thai
Adam tane mindadi veran thai

-Sundaram