નમું નમું હો બાળસ્વરૂપ - Namun Namun Ho Balaswarupa - Lyrics

નમું નમું હો બાળસ્વરૂપ

મુખ મનહરણું સાવ સરળ ને
મીઠી આંખલડી તેજાળ
કૂમળું અંગ ગુલાબ કળી સમ
સોનેરી ભુરા શિર વાળ
નિર્મળ સુંદરતા રસરૂપ
નમું નમું હો બાળસ્વરૂપ

ઊભરાતી તન હર્ષખુમારી
મુખડું મલકે મંદ મધુર
હસતાં ખાડાં પડે ગાલમાં
મીઠી ઘંટડી સરખો સૂર
કિલોળનો છલકાતો કૂપ
નમું નમું હો બાળસ્વરૂપ

ઘુઘરે ઘમઘમતો કંદોરો
કમર ઉપર લપેટાઈ રહ્યો
ઝાંઝરીઓનો ઝમકારો શાં
સંગીત ચરણે ગાઈ રહ્યો
રમવું ને રડવડવું ખૂબ
નમું નમું હો બાળસ્વરૂપ

યોગીજન સમ દૂધાધારી
કાંતિ નગ્ન દિગંબરની
અવધુત સરખું અંગ અહાહા!
પ્રેમળતા પેગંબરની
જીવન જગમાં અજબ અનુપ
નમું નમું હો બાળસ્વરૂપ

વિશાળ ઉજળે ચોક ઉષાને
વાદલડી નાની સરકે
એવી રમ્ય લલાટ પ્રદેશે
ઝુલ્ફાંની લટ શી ફરકે!
નિત નિત નૌતમ એનાં રૂપ
નમું નમું હો બાળસ્વરૂપ

ગોમુખથી ઝરતાં ઝરણાં સમ
ખીલ ખીલ હસતું મંજુલ નાદ
બીક નહિ પરવા નહિ કો’ની
આત્મામાંથી ઝરે પ્રસાદ
માતાપિતાનું મંગલ રૂપ
નમું નમું હો બાળસ્વરૂપ

ઘાટીલું ને દડઘા જેવું
સાજું તાજું ને ગંભીર
દૈવચક્ર શી પ્રતિભાવંતુ
ડીફા જેવું દીપે શરીર
મનુકૂલને સિંહાસન ભૂપ
નમું નમું હો બાળસ્વરૂપ

વિકારની નહિ રેખ વદન પર
સ્વચ્છ નિખાલસ સુરખી રમે
અંતરની અણિશુદ્ધ પ્રતિમા
કહો કહો કોને ન ગમે?
ઈશ્વર પણ થાયે તદ્રૂપ
નમું નમું હો બાળસ્વરૂપ

-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ


Namun Namun Ho Balaswarupa

Mukh manaharanun sav saral ne
Mithi ankhaladi tejala
Kumalun anga gulab kali sama
Soneri bhur shir vala
Nirmal sundarat rasarupa
namun namun ho balaswarupa

Ubharati tan harshakhumari
Mukhadun malake manda madhura
Hasatan khadan pade galaman
Mithi ghanṭadi sarakho sura
Kilolano chhalakato kupa
namun namun ho balaswarupa

Ghughare ghamaghamato kandoro
Kamar upar lapetai rahyo
Zanzariono zamakaro shan
Sangit charane gai rahyo
Ramavun ne radavadavun khuba
namun namun ho balaswarupa

Yogijan sam dudhadhari
Kanti nagna diganbarani
Avadhut sarakhun anga ahaha! Premalat peganbarani
Jivan jagaman ajab anupa
namun namun ho balaswarupa

Vishal ujale chok ushane
Vadaladi nani sarake
Evi ramya lalat pradeshe
Zulfanni lat shi farake! Nit nit nautam enan rupa
namun namun ho balaswarupa

Gomukhathi zaratan zaranan sama
Khil khil hasatun manjul nada
Bik nahi parav nahi ko’ni
Atmamanthi zare prasada
Matapitanun mangal rupa
namun namun ho balaswarupa

Ghatilun ne dadagh jevun
Sajun tajun ne ganbhira
Daivachakra shi pratibhavantu
Dif jevun dipe sharir
Manukulane sinhasan bhupa
namun namun ho balaswarupa

Vikarani nahi rekh vadan para
Svachchha nikhalas surakhi rame
Antarani anishuddha pratima
Kaho kaho kone n game? Ishvar pan thaye tadrupa
namun namun ho balaswarupa

-Tribhuvanadas Gaurishankar Vyasa