નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં - Nathi Nathi Muj Tattvo Vishvathi Mel Letan - Lyrics

નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં

દરદ પર કરે છે ઔષધી કાંઈ કાર,
જરૂર જરૂર એ તો પૂર્વનું ઓળખાણ;
પ્રણયી જિગર અર્પે ત્યાં ય કૈં વ્હાલ ઊંડું,
હૃદય સતત ઘૂમે એમ ખેંચાણ જૂનું.

અમુક અમુક તત્ત્વો વિશ્વમાં સૌ જનોમાં,
પ્રતિ જન હૃદયે કો એક ધારા વહે છે;
પૃથિવી પર વસે તે એક છે માનવી આ,
અવયવ જન સર્વે માત્ર તેના જ ભાસે.

મુજ રસ પણ ચાલ્યો એ જ ધારા મહીં, હા!
મધુર મધુર લાગ્યું ઐક્ય એ માનવીમાં;
અગણિત લઈ બિન્દુ ધોધ તે ચાલતો’તો,
મળી ભળી ગળી હુંએ બિન્દુ તેનું બન્યો’તો.

પણ રસ વહી જાતાં ક્ષારને સ્પર્શતાં, ત્યાં
અતિ કટુ સહુ થાતાં કૈં જ વેળા ન લાગી;
ક્યમ ગતિ પલટી આ? કૈં જ હું જાણતો ના!
ભ્રમિત ઉર થયું હા! વેદના તીવ્ર જાગી!

દરદ પર કરે ના ઔષધી કાંઈ કાર,
નથી નથી કંઈ મ્હારે પૂર્વનું ઓળખાણ;
હૃદય મુજ થયાં તે સ્વપ્નમાં સૌ થયાં’તાં!
વિખરી સહુ ગયાં એ સ્વપ્ન ઉડી જતામાં!

નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં,
હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે!
જગત સહ મળે છે ચર્મ ને હાડકાં આ!
રહી જગ તણી ગ્રન્થિ માત્ર આ સ્થૂલ સાથે.

પ્રથમ નઝર લાગી, ભવ્યતા કંઈ જાગી,
મુજ નયન મહીંથી સ્નેહની સેર ચાલી;
વિપુલ વિશદ લાગી સ્નિગ્ધ વાત્સલ્યવાળી
કુદરત વહતી આ ઐક્યનો તાર ઝાલી.

ફુદડી ઉડતી ત્યાં એ હર્ષની છોળ ઊડી,
રમતમય વિહંગ કાંઈ લાવણ્ય લાગ્યું;
તરુ પર ઢળનારી પુષ્પિતા એ લતાની,
નસ નસ મહીં માન્યું પ્રેમાઔદાર્યલ્હાણું.

નહિ નહિ પણ એવી વિશ્વની આર્દ્ર વૃત્તિ,
ઘડમથલ અહીં સૌ જીવનાર્થે મચેલી;
પ્રણય, રતિ, દયા કે સ્નેહ ને ભ્રાતૃભાવ,
અરર! નહિ સહુ એ સ્વાર્થના શું વિભાગ?

જનહૃદય પરેથી મોહ ઊઠી ગયો’તો,
અરર! કુદરતેથી એ જ ખારાશ આવી;
પલપલ નયનોથી આંસુડાં સારતો’તો,
અરર! જિગરમાંથી રક્તની નીક ચાલી.

કદિ કદિ દિલ રોતું કોઈને જોઈ રોતું;
કદિ કદિ દિલ મ્હારૂં છેક પાષાણ થાતું;
નિરખી નિરખી આવું, વિશ્વ રોઉં કદી હું,
નિરખી જગ કદી આ હાસ્યમાં ડૂબતો હું.

પવન સુસવી વ્હેતો કોઈ ખંડેર માંહીં,
હૃદય ત્યમ હસે છે - હર્ષ તો કૈં જ છે ના.
હિમજલ ટપકે છે વૃક્ષની ડાળીઓથી,
રુદન ત્યમ કરૂં છું - દર્દ તો કૈં જ છે ના.

કદિ મન ગમતું એ - કોણ જાણે હસું કાં?
કદિ મન ગમતું એ - કોણ જાણે રડું કાં?
મુજ હૃદય મહીં છે દૂર કો મર્મસ્થાન,
સુખ દુઃખ વિણ તે તો છેક વૈરાગ્યવાન.

હાસ્ય છે માત્ર ઘેલાઈ, રોવું તે નબળાઈ છે;
વિશ્વની મિષ્ટતા કિન્તુ, રે રે! ત્યાં જ સમાઈ છે.
(૨૪-૯-૧૮૯૬)

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’


Nathi Nathi Muj Tattvo Vishvathi Mel Letan

Darad par kare chhe aushadhi kani kara,
Jarur jarur e to purvanun olakhana;
Pranayi jigar arpe tyan ya kain vhal undun,
Hrudaya satat ghume em khenchan junun.

Amuk amuk tattvo vishvaman sau janoman,
Prati jan hrudaye ko ek dhar vahe chhe;
Pruthivi par vase te ek chhe manavi a,
Avayav jan sarve matra ten j bhase.

Muj ras pan chalyo e j dhar mahin, ha! Madhur madhur lagyun aikya e manaviman;
Aganit lai bindu dhodh te chalato’to,
Mali bhali gali hune bindu tenun banyo’to.

Pan ras vahi jatan ksharane sparshatan, tyan
Ati katu sahu thatan kain j vel n lagi;
Kyam gati palati a? Kain j hun janato na! Bhramit ur thayun ha! vedan tivra jagi!

Darad par kare n aushadhi kani kara,
Nathi nathi kani mhare purvanun olakhana;
Hrudaya muj thayan te swapnaman sau thayan’tan! Vikhari sahu gayan e swapna udi jataman!

Nathi nathi muj tattvo vishvathi mel letan,
Hrudaya mam ghadayun anya ko vishva mate!
Jagat sah male chhe charma ne hadakan a!
Rahi jag tani granthi matra a sthul sathe.

Pratham nazar lagi, bhavyat kani jagi,
Muj nayan mahinthi snehani ser chali;
Vipul vishad lagi snigdha vatsalyavali
Kudarat vahati a aikyano tar zali.

Fudadi udati tyan e harshani chhol udi,
Ramatamaya vihanga kani lavanya lagyun;
Taru par dhalanari pushpit e latani,
Nas nas mahin manyun premaaudaryalhanun.

Nahi nahi pan evi vishvani ardra vrutti,
Ghadamathal ahin sau jivanarthe macheli;
Pranaya, rati, daya ke sneh ne bhratrubhava,
Arara! nahi sahu e swarthan shun vibhaga?

Janahrudaya parethi moh uthi gayo’to,
Arara! kudaratethi e j kharash avi;
Palapal nayanothi ansudan sarato’to,
Arara! jigaramanthi raktani nik chali.

Kadi kadi dil rotun koine joi rotun;
Kadi kadi dil mharun chhek pashan thatun;
Nirakhi nirakhi avun, vishva roun kadi hun,
Nirakhi jag kadi a hasyaman dubato hun.

Pavan susavi vheto koi khander manhin,
Hrudaya tyam hase chhe - harsha to kain j chhe na. Himajal ṭapake chhe vrukshani daliothi,
Rudan tyam karun chhun - darda to kain j chhe na.

Kadi man gamatun e - kon jane hasun kan? Kadi man gamatun e - kon jane radun kan? Muj hrudaya mahin chhe dur ko marmasthana,
Sukh duahkha vin te to chhek vairagyavana.

Hasya chhe matra ghelai, rovun te nabalai chhe;
Vishvani mishṭat kintu, re re! Tyan j samai chhe.
(24-9-1896)

-Surasinhaji Takhtasinhaji Gohil ‘Kalapi’