પાંદડી - Pandadi - Lyrics

પાંદડી

પાંચ વરસની પાંદડી એનો દોઢ વરસનો ભાઈ,
પાંદડી ભાઈને રાખે ને માડી નિત કમાવા જાય,
ત્યારે પેટ પૂરતું ત્રણે ખાય.

ભાઈ હસે ત્યારે બેન હસે ને ભાઈ રડે ત્યારે રોય,
ચૂપ રહ્યો હોય ભાઈલો ત્યારે ખોયામાં બેનડી જોય,
રખે ભાઈ જાગતો સૂતો હોય.

રાણકી સહિયર રમવા આવી પાંચીકા લાવી સાથ,
પાંદડીનું મન કૂદવા લાગ્યું સળવળ્યા એના હાથ,
રહ્યું એનું હૈયું ન ઝાલ્યું હાથ.

ઘોડિયું મેલ્યું ઓરડા વચ્ચે ઊંબરે બેઠી બેય,
પગને અંગુઠે દોરડી બાંધી હીંચકા ભાઈને દેય,
બરાબર રમત જામી રહેય.

વઢતાં વઢતાં બે બિલાડાં દોડતાં આવ્યાં ત્યાંય,
બંને છોડીઓ બીની ઊભી ઓસરીએ નાઠી જાય,
પાંચીકા બારણાંમાં વેરાય.

એક ને બીજું ડગ માંડે ત્યાં પાંદડી ગોથાં ખાય,
પગમાં બાંધેલ હીંચકાદોરી નાગણ શી અટવાય,
દશા પારણાની ભૂંડી થાય.

આંચકા સાથે ખોયું ઊછળ્યું, ઊછળ્યો ભાઈલો માંહ્ય,
ઘોડિયે ખાધી ગોથ જમીનપે, ભાઈલો રીડો ખાય,
ત્યાં તો મા દોડતી આવી જાય.

એકને રમવું, એકને ઊંઘવું, એક કમાવા જાય,
બે બિલાડાંને લડવું એમાં કહો શુંનું શું ન થાય?
ભલા ભગવાન! આ શું કહેવાય?

-સુન્દરમ્


Pandadi

Pancha varasani pandadi eno dodh varasano bhai,
Pandadi bhaine rakhe ne madi nit kamav jaya,
tyare pet puratun trane khaya.

Bhai hase tyare ben hase ne bhai rade tyare roya,
Chup rahyo hoya bhailo tyare khoyaman benadi joya,
rakhe bhai jagato suto hoya.

Ranaki sahiyar ramav avi panchik lavi satha,
Pandadinun man kudav lagyun salavalya en hatha,
rahyun enun haiyun n zalyun hatha.

Ghodiyun melyun orad vachche unbare bethi beya,
Pagane anguthe doradi bandhi hinchak bhaine deya,
barabar ramat jami raheya.

Vadhatan vadhatan be biladan dodatan avyan tyanya,
Banne chhodio bini ubhi osarie nathi jaya,
panchik barananman veraya.

Ek ne bijun dag mande tyan pandadi gothan khaya,
Pagaman bandhel hinchakadori nagan shi aṭavaya,
dash paranani bhundi thaya.

Anchak sathe khoyun uchhalyun, uchhalyo bhailo manhya,
Ghodiye khadhi goth jaminape, bhailo rido khaya,
tyan to m dodati avi jaya.

Ekane ramavun, ekane unghavun, ek kamav jaya,
Be biladanne ladavun eman kaho shunnun shun n thaya?
bhal bhagavana! A shun kahevaya?

-Sundaram