કેદારવનની રમણીય શોભા અને પ્રાણીઓની એકતાને કારણે આખા વનમાં ખુશીનો માહોલ હતો. વનના બધા પ્રાણીઓ સંપીને રહેતા હતા એમાં સોનુ હાથીની મહેનત જવાબદાર હતી. વનનો સૌથી જૂનામાં જૂનો ટીચર સોનુ જ હતો. તે સ્કૂલમાં બધા જ પ્રાણીઓને પ્રામાણિકતાનો પાઠ શીખવાડતો અને જ્ઞાનની વાતો કરતો.
પ્રાણીઓની એકતા બંપી શિયાળને ગમતી નહીં. તે વનના પ્રાણીઓને ઝઘડાવવાના કેટલાય પ્રયત્નો કરી ચૂકયો હતો પણ તે સફળ થયો ન હતો. એક દિવસ સવારમાં સોનુ ફરવા નીકળ્યો ત્યારે સરકસના કેટલાક માણસો તેને પકડીને લઈ ગયા. સરકસમાંથી તે ભાગી ન જાય એ માટે તેના ઉપર સખત નજર રાખવામાં આવી. તેમ છતાં થોડા દિવસ બાદ મોકો મળતાં જ તે ત્યાંથી વન તરફ ભાગ્યો. ત્યાં પહોંચતા જ તેને જૂના દિવસો યાદ આવી ગયા. એ દિવસો કે જયારે તે પોતાના મિત્રો સાથે કશીય રોકટોક વગર ફરતો. ખૂબ મોજમસ્તી કરતો. વનની એકતા જોઈને તે ખુશ થઈ જતો. કોબુ કાચબો, વીનુ વાનર તેની સાથે મસ્તી કરતા. આ બધા વિચારોમાં ખોવાયેલો સોનુ છેવટે વનમાં પહોંચી ગયો.
સોનુ વારાફરતી તેના મિત્રો પાસે જતો જ હતો કે વનનો માહોલ તેને બદલાયેલો લાગ્યો. સોનુ વિચારવા લાગ્યો કે બધાને શું થયું છે? કોઈએ પણ સોનુને સરખી રીતે બોલાવ્યો નહીં. વનનો આવો માહોલ જોઈને સોનુ દુ:ખી થઈ ગયો. તે ઉદાસ મને એક ઝાડ નીચે બેઠો. એ ઝાડની બખોલમાં છોટુ સસલો રહેતો હતો અને ઝાડની ઉપર વીનુ વાનર કૂદાકૂદ કરતો. થોડી જ વારમાં છોટુ તેની બખોલમાંથી બહાર નીકળ્યો અને તેણે વીનુને કહ્યું, ‘જયારથી પેલો સોનુ અહીં બેઠો છે ત્યારથી મારી બખોલમાં અંધારું થઈ ગયું છે. તેના ભારેખમ શરીરને કારણે સહેજ પણ અજવાળું આવતું નથી.’
વીનુએ પણ છોટુની વાતને ટેકો આપ્યો. અને તે બોલ્યો, ‘હા, જોને આપણને જે ઝાડનો આશરો છે એ ઝાડના જ તે પાંદડાં ખાય છે. આમ તો એક દિવસ એવો આવશે કે જયારે આખું ઝાડ સુકાઈ જશે. કોઈ પણ ભોગે એ લોકોએ સોનુને ત્યાંથી કાઢી મૂકવો હતો. બંનેએ મળીને સોનુને એટલો હેરાન કર્યોકે તે ત્યાંથી ચૂપચાપ જતો રહ્યો. અને પહોંચી ગયો તેની શાળામાં.ત્યાં પણ બંપી શિક્ષક બની બેઠો હતો.
આંખ પર મોટા ચશ્માં ચઢાવી તે વિધાર્થીઓને શીખવાડતો હતો, ‘તમારી સ્વતંત્રતાને મુશ્કેલીમાં ન મૂકવી. જેટલા લોકો તમારી સાથે હશે એ બધામાં તમારો હિસ્સો પણ વહેંચાઈ જશે. ખાવાપીવાનું તો ઠીક, તમને રહેવાની પણ જગ્યા નહીં મળે. એટલે જ કહું છું કે બધા સાથે ભેગા રહેવું જ નહીં. સ્વતંત્ર જિંદગી જીવવી.’ બંપીનો પાઠ સાંભળી સોનુ સમજી ગયો કે બંપીએ ખોટી શિક્ષા આપીને વનના પ્રાણીઓને સ્વાર્થી બનાવી દીધા છે, પણ હવે કરવું શું?
વનનું એક પણ પ્રાણી સોનુની વાત સાંભળવા તૈયાર નહોતું. બસ, પછી તો કોઈને ખબર ન પડે એમ વનની બહાર એક મોટા ઝાડ નીચે સોનુ રહેવા લાગ્યો.
આમ, થોડા દિવસ પસાર થયા. અને એક દિવસ ધોધમાર વરસાદ પડતાં વનમાં ભયંકર પૂર આવ્યું. બધા પ્રાણીઓ વનની બહાર ભાગ્યા. સોનુ જયાં રહેતો હતો એ જગ્યા ઘણી ઊચી હતી. એટલે બધા પ્રાણીઓ એ જગ્યા પર પહોંચી ગયા. સોનુએ બધાની મદદ કરી. તેણે બધા જ પ્રાણીઓને આશરો આપ્યો. કેટલાક નાના પ્રાણીઓને સૂંઢમાં ઊચકીને ઝાડ ઉપર બેસાડી દીધા.
સોનુની આટલી મદદની ભાવના જોઈને બધા પ્રાણીઓના માથા શરમથી ઝૂકી ગયા. એ સમયે જ બંપી પણ ભાગતો-ભાગતો આવી પહોંરયો, પણ કોઈએ તેને બોલાવ્યો નહીં. કારણ કે બધા પ્રાણીઓ સમજી ગયા હતા કે બંપીએ તેની મીઠી-મીઠી વાતોથી સૌને સ્વાર્થી બનાવી દીધા, પણ સોનુને કારણે એક વાર ફરીથી તેઓ પહેલાં જેવા જ સંપીને રહેતા શીખી ગયા. સૌએ બંપીને વનની બહાર કાઢી મૂકયો અને સોનુનો સાચા દિલથી આભાર માન્યો.