સંપૂર્ણતા હુંથી પરી રહો સદા - Sanpurnat Hunthi Pari Raho Sada - Lyrics

સંપૂર્ણતા હુંથી પરી રહો સદા

સંપૂર્ણતા હુંથી પરી રહો સદા;
આનંદ માગુ હું અપૂર્ણતાનો.
દમે દમે કૈંક થવા મથી રહું.
મથામણોની ન મણા હજો મને.

ચડી, પડી, આથડી કાળભેખડે
પંજા વડે બાઝી રહી કહીં કદી,
ચાલું જરી ગોઠણિયે ટગુમગુ;
ડગે ડગે આખડી આખરે લડી
રે ટોચ છોને સર ના કરી શકું,
મારી રહો મોજ મથામણોની.

આકાશમાં તારકજૂથ વચ્ચે
ઝૂમી રહ્યું જે લલચાવનારું
ઝૂમી રહો તે ધ્રુવલક્ષ ત્યાંનું ત્યાં;
એ જોઉં છું એ જ મને ઘણું છે.

એ વ્યોમ કેરો ચમકંત, હાથમાં
તારોડિયો તોડી મને ન આપશો.
એ ધ્યેય તો દૂરનું દૂર છો રહો,
આદર્શ આકાશ વિશે જ છો વસો.
આધાર આગે ડગ માંડવામાં
બની રહે, -ના બસ એટલું કે?

માગું: રહો દૂરનું દૂર લક્ષ તો,
ઉતારશો ન ધ્રુવને ધરા પરે,
સંપૂર્ણતા દૂર રહો; સદા મને
હો ઊણપોના ઉકળાટ અંતરે.

વિશ્વે હું જે વારસ ચેતનાનો
ઊણો છતાં માનવ થૈ રહું; મને
અધૂરપોના બહુ ઓરતા; કદી
ઓછી મને ના ઉરઓછપો હજો.

સંસારના ચાક પર ચઢેલો
માટી તણો આકૃતિહીન પિંડ,
એમાંથી જે ઘાટ ઘડાય મારો,
ન એ હજો પૂર્ણ સુરેખરૂપ કે
રહે ન તારે અવકાશ લાડની
બેએક મીઠી ટપલી લગાવવા,
આત્માધિદેવા, બસ એ જ માગું.
(જાન્યુઆરી, ૧૯૪૧)

-ઉમાશંકર જોશી


Sanpurnat Hunthi Pari Raho Sada

Sanpurnat hunthi pari raho sada;
Ananda magu hun apurnatano.
Dame dame kainka thav mathi rahun.
Mathamanoni n man hajo mane.

Chadi, padi, athadi kalabhekhade
Panja vade bazi rahi kahin kadi,
Chalun jari goṭhaniye ṭagumagu;
Dage dage akhadi akhare ladi
Re toch chhone sar n kari shakun,
Mari raho moj mathamanoni.

Akashaman tarakajuth vachche
Zumi rahyun je lalachavanarun
Zumi raho te dhruvalaksha tyannun tyan;
E joun chhun e j mane ghanun chhe.

E vyom kero chamakanta, hathaman
Tarodiyo todi mane n apasho.
E dhyeya to duranun dur chho raho,
Adarsha akash vishe j chho vaso.
Adhar age dag mandavaman
Bani rahe, -n bas eṭalun ke?

Magun: raho duranun dur laksha to,
Utarasho n dhruvane dhar pare,
Sanpurnat dur raho; sad mane
Ho unapon ukalat antare.

Vishve hun je varas chetanano
Uno chhatan manav thai rahun; mane
Adhurapon bahu orata; kadi
Ochhi mane n uraochhapo hajo.

Sansaran chak par chadhelo
Mati tano akrutihin pinda,
Emanthi je ghat ghadaya maro,
N e hajo purna surekharup ke
Rahe n tare avakash ladani
Beek mithi ṭapali lagavava,
Atmadhideva, bas e j magun.
(janyuari, 1941)

-umashankar joshi

Source: Mavjibhai