સોનબાઈ ને બગલો - Sonbai No Baglo - Kids Story

એક હતી સોનબાઈ. રૂપ રૂપનો અવતાર. એક વાર સોનબાઈ બહેનપણીઓ સાથે ધૂળ લેવા ગઈ. સોનબાઈ ખોદે ત્યાં સોનું નીકળે. બીજી છોકરીઓ ખોદે ત્યાં ધૂળ નીકળે. બધી છોકરીઓ સોનબાઈ ઉપર તો ખારે બળવા લાગી. બધી છોકરીઓ પોતપોતાના સૂંડલા માથે ચડાવી સોનબાઈને એકલી મૂકીને ચાલી ગઈ.

સોનબાઈ તો એકલી રહી. સૂંડલો ચડાવવા ઘણી મહેનત કરે પણ કેમે કર્યો ચડે જ નહિ. ત્યાં તો એક બગલો નીકળ્યો. સોનબાઈ કહે, ‘બગલા, બગલા ! આ જરા સૂંડલો ચડાવને !’

બગલો કહે, ‘તું મને પરણ તો તને સૂંડલો ચડાવું.’

સોનબાઈએ ‘હા’ પાડી ને બગલે સૂંડલો ચડાવ્યો. સૂંડલો લઈ સોનબાઈ ઘર ભણી ચાલી એટલે બગલો વાંસે વાંસે ચાલ્યો. સોનબાઈએ તો ઘરે આવીને પોતાની માને બધી વાત કહી.

મા કહે, ‘હવે ઘરમાંથી ક્યાંય બહાર જઈશ નહિ. જો બહાર જઈશ તો વખતે બગલે ઉપાડી જશે.’

બહાર ઊભો ઊભો બગલો આ વાત સાંભળી ગયો. એ તો ખૂબ ખિજાયો. એણે બધા બગલાને બોલાવ્યા ને કહ્યું, ‘આ નદીનું પાણી પી જાઓ.’ ત્યાં તો બધા બગલા પાણી પીવા માંડ્યાં. ઘડીકમાં નદી સાવ સુકાઈ ગઈ.

બીજો દિવસ થયો ત્યારે સોનબાઈનો બાપ ભેંસો લઈને નદીએ પાણી પાવા ગયો. જઈને જુએ તો નદીમાં કાંકરા ઊડે ! એણે તો કાંઠે ઊભેલા પેલા બગલાને કહ્યું :

‘જળ મેલો ને આબક બગલા
જળ મેલો ને ચાબક બગલા
ઘોડા ઘોડારમાં તરસ્યા મરે છે,
ગાય ગવરી તરસી મરે છે.’
બગલો કહે, 'તમારી દીકરી સોનબાઈને મારી સાથે પરણાવો તો જળ મેલું. બાપે તો હા પાડી એટલે બગલાએ નદીમાં જળ મેલ્યું. નદી પાછી હતી એવી પાણીવાળી થઈ ગઈ.

સોનબાઈને તો બગલા સાથે પરણાવી. સોનબાઈને પાંખે બેસાડીને બગલો તો એના ઘરે લાવ્યો. પછી તો સોનબાઈ ને બગલો સાથે રહે. બગલો પોતે દાણા ચણી આવે; સાથે બીજા લેતો આવે અને સોનબાઈને આપે.

એમ કરતાં કરતાં સોનબાઈને તો દીકરો અવતર્યો. સોનબાઈ તો રાજની રેડ થઈ ! એક દિવસ સોનબાઈના બાપે વિચાર કર્યો - ચાલને કોકને મોકલું ને ખબર કઢાવું કે સોનબાઈને ત્યાં સુખ છે કે દુઃખ ?

બાપે તો સોનબાઈના ભાઈને મોકલ્યો. સોનબાઈનો ભાઈ તો સોનબાઈ પાસે આવ્યો. ભાઈબહેન મળ્યાં ને ખુશી થયાં. ત્યાં તો બગલાને ચણીને આવવાનો વખત થયો.

સોનબાઈ કહે, ‘ભાઈ ! તું આ ડામચિયામાં સંતાઈ જા. બગલો આવે છે તે તને દેખશે તો મારી નાખશે.’

ભાઈ તો ડામચિયામાં સંતાઈ ગયો. સોનબાઈએ બે ગલૂડિયાં પાળ્યાં હતાં. તેમાંથી એક ઘંટી હેઠળ પૂર્યું, બીજાને સાવરણી સાથે બાંધી ઘરમાં રાખ્યું અને પોતે બારણાં પાસે જઈને આડી બેઠી. ત્યાં તો બગલો આવ્યો અને કહે, ‘બારણાં ઉઘાડો.’

સોનબાઈ તો કાંઈ બોલી નહિ; પણ સોનબાઈનો છોકરો બોલ્યો :

‘બાપા, બાપા !
મામલિયો ડામચિયામાં,
નાનું ગલૂડું ઘંટી હેઠ,
ને મોટું સાવરણીએ.’
બગલો બહારથી કહે, ‘સોનબાઈ ! આ છોકરો શું કહે છે ?’

સોનબાઈએ અંદરથી જ કહ્યું : ‘એ તો અમસ્તો લવે છે.’

ત્યાં તો છોકરો ફરી બોલ્યો :

‘બાપા, બાપા !
મામલિયો ડામચિયામાં,
નાનું ગલૂડું ઘંટી હેઠ,
ને મોટું સાવરણીએ.’
બગલો કહે, 'બારણાં ઉઘાડો. પણ સોનબાઈએ બારણું ઉઘાડ્યું નહિ. બગલો તો પાછો ચણવા ચાલ્યો ગયો.

પછી ડામચિયામાંથી મામો નીકળ્યો ને એની સાથે સોનબાઈ દીકરાને લઈને પોતાને પિયર ચાલી ગઈ. પાછળથી બગલો આવી જુએ તો કોઈ ન મળે.