તમે કહો તે સાચું - Tame Kaho Te Sachun - Lyrics

તમે કહો તે સાચું

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
ફાગણમાં શ્રાવણના જલને ઝીલી લ્યો અણધાર્યા!

અમને એમ હતું કે તમને
વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું,
તમને એવી જિદ કે વનનો છોડ થઇને રહેશું;

તમને કૈંક થવાના કોડ,
અમને વ્હાલી લાગે સોડ;
જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા,

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!

અમને એમ હતું કે સાજન!
કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઇને વ્હેશું,
તમને એક અબળખાઃ એકલ કાંઠો થઇને રહેશું;

તમારાં અળગાં અળગાં વ્હેણ,
અમારાં એક થવાનાં ક્‌હેણ;
એકલશૂરા નાથ! અમે તો પળે પળે સંભાર્યા;

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
(૧૯૬૪)

-સુરેશ દલાલ


Tame Kaho Te Sachun

Tame kaho te sachun vhalama! Tame kaho to haryan!
Faganaman shravanan jalane zili lyo anadharya!

Amane em hatun ke tamane
Veninan fulo sangathe prite gunthi leshun,
Tamane evi jid ke vanano chhod thaine raheshun;

Tamane kainka thavan koda,
Amane vhali lage soda;
Jarik tamare sparsha ame to sate swar zankarya,

Tame kaho te sachun vhalama! Tame kaho to haryan!

Amane em hatun ke sajana!
Kalakal ne kallol zare e vhen thaine vheshun,
Tamane ek abalakhaah ekal kantho thaine raheshun;

Tamaran alagan alagan vhena,
Amaran ek thavanan khena;
Ekalashur natha! Ame to pale pale sanbharya;

Tame kaho te sachun vhalama! Tame kaho to haryan!
(1964)

-suresh dalala

Source: Mavjibhai