થઈ ગઈ છે વર્ષાની પૂર્ણ તૈયારી!
ગાય છે ને ઘૂમે છે એમ જિંદગી મારી
રાત્રિએ દળે દળણાં જેમ કોઈ દુખિયારી
એમ તુજ વિચારોને ભૂલવા ચહે છે મન
ત્યાગની કરે વાતો જેમ કોઈ સંસારી
રંગ એ રીતે પૂર્યાં કુદરતે પતંગામાં
જે રીતે ચિતા આગળ હો સતીને શણગારી
પૂર્વમાં સરિત કાંઠે એમ સૂર્ય ઊગ્યો છે
બેડલું ગઈ ભૂલી જાણે કોઈ પનિહારી!
એ રીતે પડી આંટી મારી હસ્તરેખામાં
ગૂંચવાઈ ગઈ જાણે જોઈને દયા તારી
બુદ્ધિ આજ એ રીતે લાગણીને વશ થઈ ગઈ
જઈ ઢળે ઉષા ચરણે જેમ રાત અંધારી
તાપ કંઈ ‘ગની’ એવો જિંદગી ખમી રહી છે
થઈ ગઈ છે વર્ષાની જાણે પૂર્ણ તૈયારી!
(૨૨-૦૬-૧૯૫૩)
-ગની દહીંવાલા
Thai Gai Chhe Varshani Purna Taiyari!
Gaya chhe ne ghume chhe em jindagi mari
Ratrie dale dalanan jem koi dukhiyari
Em tuj vicharone bhulav chahe chhe mana
Tyagani kare vato jem koi sansari
Ranga e rite puryan kudarate patangaman
Je rite chit agal ho satine shanagari
Purvaman sarit kanthe em surya ugyo chhe
Bedalun gai bhuli jane koi panihari!
E rite padi anti mari hastarekhaman
Gunchavai gai jane joine daya tari
Buddhi aj e rite laganine vash thai gai
Jai dhale ush charane jem rat andhari
Tap kani ‘gani’ evo jindagi khami rahi chhe
Thai gai chhe varshani jane purna taiyari!
(22-06-1953)
-Gani Dahinvala