તિલક કરતાં ત્રેપન વહ્યાં - Tilak Karatan Trepan Vahyan - Lyrics

તિલક કરતાં ત્રેપન વહ્યાં

તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યાં હરિને શરણ
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત

આંધળો સસરો ને શણગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સહુ
કહ્યું કંઈ ને સમજ્યું કંઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું
ઊંડો કુવો ને ફાટી બોક, શિખ્યું સાંભળ્યું સર્વે ફોક

જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા
ન થાયે ઘેંસ ને ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી

દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય

સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખ પુષ્પ વસાણાં ભર્યાં
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા

જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ; સામાસામી બેઠા ઘૂડ
કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ધરે
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા?

અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ

ગુરુ કીધા મેં ગોકુળનાથ, નગુરા મનને ઘાલી નાથ
મન મનાવી સગુરો થયો, પણ વિચાર તો નગુરાનો જ રહ્યો
ધન લે ને ધોકો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે!

-અખો


Tilak Karatan Trepan Vahyan

Tilak karatan trepan vahyan, japamalanan nakan gayan
Tirath fari fari thakaya charana, toya n pohonchyan harine sharan
Kath suni suni futya kana, akh toya n avyun brahmagnan

Ek murakhane evi teva, paththar eṭal puje deva
Pani dekhi kare snana, tulasi dekhi tode pana
E to akh bahu utpata, ghan parameshvar e kyanni vata

Andhalo sasaro ne shanagat vahu, em kath sanbhalav chalya sahu
Kahyun kani ne samajyun kani, ankhanun kajal gale ghasyun
Undo kuvo ne fati boka, shikhyun sanbhalyun sarve foka

Jo jo re motan bola, ujad khede bajyun dhola
Andha andha andhare malya, jyam talaman kodar bhalya
N thaye ghensa ne n thaya ghani, kahe akho e vato ame jani

Dehabhiman huto pashera, te vidya bhanatan vadhyo shera
Charchavadaman tole thayo, guru thayo tyan manaman gayo
Akh em halakathi bhare hoya, atmagnan mulagun khoya

Sasashinganun vahan j karyun, mrugatrushnaman jaine taryun
Vandhyasut be va’ne chadhya, kha pushpa vasanan bharyan
Jevi shekhasalini chali katha, akh hamanan ne agal ev hata

Jyan joie tyan kudekuda; samasami beth ghuda
Ko avi vat suryani kare, te agal lei chancha j dhare
Amare hajar varsha andhare gayan, tame av dahya balak kyanthi thaya?

Akh motani to evi jana, muki hiro upade pahana

Guru kidh men gokulanatha, nagur manane ghali natha
Man manavi saguro thayo, pan vichar to nagurano j rahyo
Dhan le ne dhoko nav hare, e guru kalyan shun kare!

-akho

Source: Mavjibhai