ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય લે આકાર જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી
ગયું ધૃત-મહિ-માખણ થકી, આપે થયું રે અશુદ્ધ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
પળમાં જોગી, ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી
નિષ્કુળાનંદ એ નરનો વણસમજ્યો વૈરાગ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
- નિષ્કુળાનંદ સ્વામી
Tyag N Take Re Vairag Vina
Tyag n ṭake re vairag vina, karie koti upaya ji
Antar undi ichchha rahe, te kem karine tajaya ji
tyag n ṭake re vairag vina
Vesh lidho vairagano, desh rahi gayo dur ji
Upar vesh achho banyo, manhi moh bharapur ji
tyag n ṭake re vairag vina
Kama, krodha, lobha, mohanun jyan lagi mul n jaya ji
Sanga prasange pangare, jog bhogano thaya ji
tyag n ṭake re vairag vina
Ushna rate avani vishe, bij nav dise bahar ji
Ghan varase, van pangare, indri vishaya le akar ji
tyag n ṭake re vairag vina
Chamak dekhine loh chale, indri vishaya sanjog ji
Anabhetye re abhav chhe, bhetye bhogavashe bhog ji
tyag n ṭake re vairag vina
Upar taje ne antar bhaje, em n sare arath ji
Vanasyo re varnashram thaki, ante karashe anarath ji
tyag n ṭake re vairag vina
Bhrashṭa thayo jog bhogathi, jem bagadyun dudh ji
Gayun dhruta-mahi-makhan thaki, ape thayun re ashuddha ji
tyag n ṭake re vairag vina
Palaman jogi, bhogi palaman, palaman gruhi ne tyagi ji
Nishkulananda e narano vanasamajyo vairag ji
tyag n ṭake re vairag vina
- nishkulananda swami
Source: Mavjibhai