ઉડતો ઘોડો - Udato Ghodo - Kids Story

ઘણા વર્ષો પહેલાની આ વાત છે. ગ્રીસ દેશમાં એક નાનો બહાદુર રાજકુમાર રેહતો હતો. તે અનાથ હતો. તેનું નામ બેલેર્ફન હતું. તે ખૂબ ભલો હતો. સાથોસાથ મજબૂત અને હોશિયાર હતો. એટલે લોકો તેને ખૂબ ચાહતા હતા. ધીરે ધીરે તે મોટો થયો. તેને ફરવાનો ખૂબ શોખ હતો.

એક વખત ફરતાં ફરતાં ખૂબજ દૂર નીકળી ગયો. ધીરે ધીરે ચાલતાં ચાલતાં તે એક એવા પ્રદેશમાં આવી ચડ્યો કે જ્યાં માણસો અત્યંત દુઃખી હતા. અહીં એક ભયંકર રાક્ષસ રહેતો હતો. રાક્ષસ માણસોને ખૂબ હેરાન કરતો હતો. લાખ્ખો રૂપિયાનું અનાજ બાળી મૂકતો, અનેક ગામડાઓનો નાશ કરતો તથા માણસ અને પશુઓનો કચ્ચરઘાણ વાળી નાખતો. આમ લોકો તેનાથી ખૂબ ત્રાસી ઉઠ્યા હતાં.

માણસોએ રાજાને આ બાબતમાં ફરીયાદ કરી હતી. પણ રાજા પણ એટલોજ ડરી ગયેલો હતો. તેથી તેણે એક ઢંઢેરો પીટાવ્યો હતો કે, “જે કોઈ માણસ રાક્ષસને મારી નાખશે તેણે રાજા મોટો બદલો આપશે.” પણ કોઈ આ હિંમત કરતું નહીં કારણકે તે રાક્ષસ ખૂબ જ ભયંકર હતો. તેને ત્રણ માથા હતાં. એક માથું સિંહનું હતું, બીજું બકરાનું હતું અને ત્રીજું નાગનું હતું. અને જ્યારે શ્વાસ લઈને બહાર કાઢતો ત્યારે અગ્નિની મોટી મોટી જ્વાળાઓ બહાર નીકળતી.

હવે જ્યારે રાજાએ બેલેર્ફનને જોયો ત્યારે તેને થયું કે, “બેલેર્ફન જેવો હોશિયાર અને બહાદુર બીજો કોઈ માણસ નથી!” તેથી તેણે બેલેર્ફનને બોલાવી કહ્યું, “બહાદુર રાજકુમાર, તારે બહાદુરી ભર્યું કામ કરવું છે?”

“હા! મને તો ખૂબ ગમે છે.” કુમાર બેલેર્ફને જવાબ આપ્યો. રાજાએ તેને રાક્ષસ વિષે વાત કહી અને પૂછ્યું, “શું તું તે રાક્ષસને મારવા પ્રયત્ન કરીશ? જો તું તેને મારીશ તો હું તને મોટો બદલો આપીશ અને મારી કુંવરી પરણાવીશ.”

રાજકુમાર તો ગરીબ માણસોને બચાવવા ઇચ્છતો જ હતો. તેથી તે રાક્ષસને મારવા ચાલી નીકળ્યો. જ્યારે તે નગરદ્વારની બહાર નીકળ્યો ત્યારે તેને એક વૃદ્ધ ડોસો મળ્યો. બેલેર્ફનને તે ખૂબજ અનુભવી જણાયો. તેથી તેણે પૂછ્યું, “દાદા, મારે અહીના રાક્ષસને મારવો છે તો શું કરું?” વૃદ્ધે કહ્યું, “બેટા, જો તારે રાક્ષસને મારવો હોય તો ઉડતો ઘોડો, જેનું નામ પેગાસસ છે તેણે પકડવો જોઈએ. પછી તું રાક્ષસને મારી શકીશ. પેગાસસ તો વાદળોથી યે ઉંચે રહે છે પણ ઘણીવાર પાણી પીવા નીચે આવે છે. અત્યારે તું અહીંથી સીધો ઉત્તર દિશામાં જ જા. ત્યાં એક મોટો દરવાજો આવશે. ત્યાં એથેના દેવીનું મંદિર છે. ત્યાં આજની રાત સુઈ રહેજે. સવારે હું ત્યાં આવીશ.”

બેલેર્ફન તો વૃદ્ધ ના કેહવા પ્રમાણે ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો. ધીરેધીરે એક મોટો દરવાજો દેખાયો. અંદર જઈને જુવે તો સુંદર ઉપવન હતું અને ઘટાટોપ વૃક્ષની અંદર આરસપહાણનું એક મંદિર હતું. બેલેર્ફને તો વૃક્ષો પરથી ફળો તોડી ખાધા અને મંદિરમાં એક માટલું પડ્યું હતું તેમાંથી ઠંડું પાણી પીધું. તેટલામાં સંધ્યા થઇ ગઈ એટલે તે મંદિર ની બહાર સ્વચ્છ ઓટલા પર સુઈ ગયો.

ખૂબ થાકેલો હોવાથી તે તરત જ ગાઢ નિદ્રામાં પોઢી ગયો અને સુંદર સ્વપ્નો જોવા લાગ્યો. સ્વપ્નમાં તેણે જોયું કે એથેના દેવીએ તેને પ્રેમથી પાસે બોલાવી એક લગામ અને ઘોડાના મોઢાનું ચોકડું આપ્યું. થોડીવારમાં તેનું સ્વપ્ન ઉડી ગયું અને જાગીને જુવે છે તો સવાર પડી ગઈ હતી અને તેની બાજુમાં લગામ અને ચોકડું પડ્યાં હતાં. એથેના દેવીએ ખરેખર તે વસ્તુઓ સાચેજ આપી હતી. બેલેર્ફન સમજી ગયો કે, “આ વસ્તુઓ મને ઉડતા ઘોડાને કાબૂમાં રાખવા માટે જ અપાઈ છે.”

જ્યારે તે જવાની તૈયારીઓ કરતો હોય છે ત્યારેજ પ્રથમ મળેલો વૃદ્ધ માણસ ત્યાં આવી ચડ્યો. તેણે તેને એક સીધો માર્ગ બતાવતા કહ્યું, “આ સીધે રસ્તે ચાલ્યો જા, ત્યાં એક મીઠા પાણીનો ઝારો આવશે. ત્યાં ઉડતો ઘોડો ઘણી વખત પાણી પીવા આવે છે. હું આ મંદિર નો પૂજારી છું. માં એથેનાનો ઉપાસક છું.”

ધીરેધીરે રાજકુમાર તો વનની શોભા જોતો જોતો વૃધ્ધે બતાવેલો માર્ગ પસાર કરવા લાગ્યો. વચ્ચે વચ્ચે વૃક્ષો પરથી ફળ ઉતારી ખાતો ખાતો એ તો આગળ વધતો ચાલ્યો. બપોર થતાં તે મીઠા પાણીના ઝરા પાસે પહોંચી ગયો.

ક્યાંક ક્યાંક ઝુંપડા નજરે પડતા હોવાથી તેને લાગ્યું કે અહીં માણસની વસ્તી હોવી જોઈએ. ઝરાની બાજુમાં તેણે એક બાળકને રમતું જોયું. બાળકને પૂછપરછ કરતાં જણાયું કે તે બાળક માં બાપ વિહોણો હતો. તે બંને ગાઢ મિત્રો જેવા બની ગયા.

એક વખત બાળકે બેલેર્ફનને પૂછ્યું કે, “તું અહીં કેવી રીતે આવી ચડ્યો?” બેલેર્ફને જવાબ આપ્યો કે, “હું અહીં ઉડતા ઘોડાની શોધમાં આવી ચડ્યો છું.” બાળકે ખૂબ આનંદથી કહ્યું “તે તો અહીં ઘણીવાર આવે છે. આપણે તેની પર બેસીશું હોં!” બેલેર્ફન અને તે બાળક બંને લાકડીઓ વીણી લાવી તે ઝરાની બાજુમાં નાનું ઝૂપડૂ બાંધી રહેવા લાગ્યા.

એક વખત એક ટેકરી પર સૂતો સૂતો બેલેર્ફન આકાશ જોઈ રહ્યો હતો. તેવામાં તેણે ઉડતો એક આશ્ચર્યજનક મોટી પાંખાળો ઘોડો જોયો. તે એકદમ ઉભો થઇ ગયો. બેલેર્ફન અને તે નાનો બાળક એક ઝાડની પાછળ સંતાઈ ગયા અને તે ઘોડાને ધ્યાનથી જોવા લાગ્યા. જેવો તે નીચે આવ્યો કે બેલેર્ફન ઝાડની એક ઉંચી ડાળ પરથી તે ઘોડા પર કૂદી પડ્યો. તે ઘોડો તે પેલો પેગાસસ. તો ઘોડા પેગાસસે તેને ફેંકી દેવા પ્રયત્ન કર્યો પણ બેલેર્ફન તેને ખૂબ જ જકડી પડ્યો હતો. મહામહેનતે તેણે તેના મોઢામાં ચોકડું ભેરવી દીધું અને જેવી તેણે લગામ હાથમાં પકડી કે અચાનક એક ચમત્કાર થયો. સ્વચ્છંદી ઘોડો એક પાળેલા ઘેટા જેવો થઇ ગયો. બેલેર્ફને પેલા બાળકને સાથે લઇ લીધો અને છેવટે તે ત્રણેય જણા ઉડતાં ઉડતાં એક ભયંકર ખીણ આગળ આવ્યાં.

આ ખીણમાંથી ભયંકર અવાજ આવતો હતો. તે અવાજ પેલા ત્રણ મોઢાવાળા રાક્ષસનો હતો. અત્યારે તે રાક્ષસ ખીણમાંથી બહાર આવતો હતો. તે ઉડતા ઘોડાને જોઈને ધૂવાંપૂવાં થઇ ગયો. ઘોડો ધીરે ધીરે તેના પગ રાક્ષસ ના માથા પર અડે તે રીતે નીચે ઉતર્યો. રાક્ષસે ઘોડાને પકડવા હાથ લાંબા કાર્ય પણ તે વળી પાછો અધ્ધર ચડી ગયો. બેલેર્ફનની પાછળ બેઠેલા બાળકે તેને બે તીક્ષ્ણ ભાલા આપી કહ્યું, “તું આ બંને ભાલા તેની આંખોમાં માર.” તેથી બેલેર્ફને એથેના દેવીને યાદ કરી બંને ભાલા તેની આંખમાં માર્યા તેથી તેની બે આંખો ફૂટી ગઈ અને ખીણમાં અથડાતો કૂટાતો મરી ગયો.

અને બેલેર્ફન ઘોડા પર પાછો વળ્યો અને રાજા પાસે આવ્યો. રાજાએ તેની સાથે પોતાની કુંવરી પરણાવી અને રાજપાટ તેને સોંપી જંગલમાં તપ કરવા ચાલી નીકળ્યો.

બેલેર્ફન, રાજકુંવરી અને પેલા નાના બાળકે ખાધું, પીધું અને રાજ કર્યું.