વૈશાખનો બપોર
(મિશ્ર ઉપજાતિ)
વૈશાખનો ધોમ ધખ્યો જતો’તો
દહાડો હતો એ કશી કંઈ રજાનો
બપોરની ઊંઘ પૂરી કરીને
પડ્યા હતા આળસમાં હજી જનો
જંપ્યાં હતાં બાળક ખેલતાં એ
ટહૂકવું કોયલ વિસર્યો’તો
સંતાઈ ઝાડે વિહગો રહ્યાં’તાં
ત્યારે મહોલ્લા મંહિં એ શહેરના
શબ્દો પડ્યાં કાન: ‘સજાવવાં છે
ચાકુ, સજૈયા, છરી, કાતરો કે?’
ખભે લઈને પથરો સરાણનો
જતો હતો ફાટલ પહેરી જોડા
માથે વીંટી ફીંડલું લાલ મોટું
કો મારવાડી સરખો ધીમે ધીમે
ને તેહની પાછળ છેક ટૂંકાં
ધીમાં ભરંતો ડગલાં જતો’તો
મેલી તૂટી આંગડી એક પહેરી
માથે ઉઘાડે પગ એ ઉઘાડે
આઠેકનો બાળક એક દૂબળો
‘બચ્ચા લખા! ચાલ જરાય જોયેં
એકાદ કૈં સજવા મળેના
અપાવું તો તુર્ત તને ચણા હું.’
ને એ ચણા આશથી બાળ બોલ્યો,
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને.’
એ બાળકના સ્નિગ્ધ શિખાઉ કાલા
અવાજથી મેડીની બારીઓએ
ડોકાઈને જોયું કંઈ જનોએ
પરંતુ જાપાની અને વિલાયતી
અસ્ત્રા, છરી, કાતર રાખનારા
દેશી સરાણે શી રીતે સજાવે?
ત્યાં કોકને કૌતુક કૈં થયું ને
પૂછ્યું - ‘અલ્યા તું કહીંનો કહે તો!’
‘બાપુ, રહું હું દૂર મારવાડે.’
દયા બીજાને થઈ ને કહે ‘જુઓ!
આવે જનો દૂર કહીં કહીંથી
જુઓ જુઓ દેશ ગરીબ કેવો?’
અને કહે કોઈ વળી ભણેલો,
‘આ આપણા કારીગરો બધાએ
હવે નવી શીખવી રીત જોઈએ;
ચાલે નહીં આવી સરાણ હાવાં!’
ને ટાપશી પૂરી તંહિં બીજાએ
‘નવી સરાણે જન એક જોઈએ
પોષાય ત્યાં બે જણા તે શી રીતે?’
‘બાપુ સજાવો કંઈ!’ ‘ભાઈ, ના ના
સજાવવાનું નથી કૈં અમારે.’
અને ફરી આગળ એહ ચાલ્યો,
‘સજાવવાં ચપ્પુ છરી’ કહેતો,
ને તેહની પાછળ બાળ તેના
જળે પડેલા પડઘા સમુ મૃદુ
બોલ્યો ‘છરી ચપ્પુ સજાવવાં છે?’
જોયું જનોએ ફરી ડોકું કાઢી
કિન્તુ સજાવા નવ આપ્યું કોઈએ.
થાકી વદ્યો એ પછી મારવાડી:
‘બચ્ચા લખા ! ધોમ બપોર ટહેલ્યાં
છતાં મળી ના પઈની મજૂરી.’
બોલ્યો: ‘અરે ભાઈ! ભૂખ્યા છીએ દ્યો
આધાર કૈં થાય જરાક પાણીનો.’
કો બારીથી ત્યાં ખસતો વદ્યો કે,
‘અરે બધો દેશ ભર્યો ગરીબનો,
કોને દઈએ ને દઈએ ન કોને?’
કોઈ કહે, ‘એ ખરી ફર્જ રાજ્યની.’
ને કો કહે: ‘પ્રશ્ન બધાય કેરો
સ્વરાજ છે એક ખરો ઉપાય!’
ત્યાં એકને કૈંક દયા જ આવતાં,
પત્ની કને જઈ કહ્યું: ‘કંઈ ટાઢું
પડેલું આ બે જણને જરા દ્યો.’
‘જોવા સિનેમા જવું આજ છે ને!
ખાશું શું જો આ દઈ દૌં અત્યારે?
ભૂલી ગયા છેક જ આવતાં દયા?’
દયા તણા એહ પ્રમાણપત્રથી
બીજું કશું સૂઝ્યું ન આપવાનું!
ને ત્યાં સિનેમાસહગામી મિત્ર કહે:
‘દયા બયા છે સહુ દંભ; મિથ્યા
આચાર બુર્ઝવા જન માત્ર કલ્પિત.’
વાતો બધી કૈં સુણી કે સુણી ના,
પરંતુ એ તો સમજ્યો જરૂર;
મજૂરી કે અન્નની આશા ખોટી.
છતાં વધુ મંદ થતા અવાજે
એ ચાલિયા આગળ બોલતા કે:
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને!’
મહોલ્લો તજી શહેર બહાર નીકળ્યા,
છાંયે હતી મંડળી એક બેઠી ત્યાં,
મજૂર પરચૂરણ ને ભિખારીની
ઉઘાડતા ગાંઠ અને પડીકાં
હાલ્લાં, જરા કૈં બટકાવવાને
બોલાવિયા આ પરદેશી બેઉને:
‘અરે જરા ખાઈ પછીથી જજો.’
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
ને કૂતરાંને બટકુંક નાખ્યું.
દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્ર:
હતી તંહિ કેવળ માણસાઈ!
-રામનારાયણ વિશ્વનાથ પાઠક
Vaishakhano Bapora
(mishra upajati)
Vaishakhano dhom dhakhyo jato’to
Dahado hato e kashi kani rajano
Baporani ungha puri karine
Padya hat alasaman haji jano
Janpyan hatan balak khelatan e
ṭahukavun koyal visaryo’to
Santai zade vihago rahyan’tan
Tyare maholla manhin e shaherana
Shabdo padyan kana: ‘sajavavan chhe
Chaku, sajaiya, chhari, kataro ke?’
Khabhe laine patharo saranano
Jato hato faṭal paheri joda
Mathe vinti findalun lal motun
Ko maravadi sarakho dhime dhime
Ne tehani pachhal chhek tunkan
Dhiman bharanto dagalan jato’to
Meli tuti angadi ek paheri
Mathe ughade pag e ughade
Athekano balak ek dubalo
‘bachcha lakha! Chal jaraya joyen
Ekad kain sajav malena
Apavun to turṭa tane chan hun.’
Ne e chan ashathi bal bolyo,
‘sajavavan katar chappu koine.’
E balakan snigdha shikhau kala
Avajathi medini barioe
Dokaine joyun kani janoe
Parantu japani ane vilayati
Astra, chhari, katar rakhanara
Deshi sarane shi rite sajave?
Tyan kokane kautuk kain thayun ne
Puchhyun - ‘alya tun kahinno kahe to!’
‘bapu, rahun hun dur maravade.’
Daya bijane thai ne kahe ‘juo! Ave jano dur kahin kahinthi
Juo juo desh garib kevo?’
Ane kahe koi vali bhanelo,
‘a apan karigaro badhae
Have navi shikhavi rit joie;
Chale nahin avi saran havan!’
Ne tapashi puri tanhin bijae
‘navi sarane jan ek joie
Poshaya tyan be jan te shi rite?’
‘bapu sajavo kani!’ ‘bhai, n na
Sajavavanun nathi kain amare.’
Ane fari agal eh chalyo,
‘sajavavan chappu chhari’ kaheto,
Ne tehani pachhal bal tena
Jale padel padagh samu mrudu
Bolyo ‘chhari chappu sajavavan chhe?’
Joyun janoe fari dokun kadhi
Kintu sajav nav apyun koie. Thaki vadyo e pachhi maravadi:
‘bachcha lakh ! Dhom bapor ṭahelyan
Chhatan mali n paini majuri.’
Bolyo: ‘are bhai! Bhukhya chhie dyo
Adhar kain thaya jarak panino.’
Ko barithi tyan khasato vadyo ke,
‘are badho desh bharyo garibano,
Kone daie ne daie n kone?’
Koi kahe, ‘e khari farja rajyani.’
Ne ko kahe: ‘prashna badhaya kero
Svaraj chhe ek kharo upaya!’
Tyan ekane kainka daya j avatan,
Patni kane jai kahyun: ‘kani tadhun
Padelun a be janane jar dyo.’
‘jov sinem javun aj chhe ne! Khashun shun jo a dai daun atyare? Bhuli gaya chhek j avatan daya?’
Daya tan eh pramanapatrathi
Bijun kashun suzyun n apavanun!
Ne tyan sinemasahagami mitra kahe:
‘daya baya chhe sahu danbha; mithya
Achar burzav jan matra kalpita.’
Vato badhi kain suni ke suni na,
Parantu e to samajyo jarura;
Majuri ke annani ash khoti. Chhatan vadhu manda that avaje
E chaliya agal bolat ke:
‘sajavavan katar chappu koine!’
Mahollo taji shaher bahar nikalya,
Chhanye hati mandali ek bethi tyan,
Majur parachuran ne bhikharini
Ughadat gantha ane padikan
Hallan, jar kain baṭakavavane
Bolaviya a paradeshi beune:
‘are jar khai pachhithi jajo.’
Hasya, kari vata, vahenchi khadhun,
Ne kutaranne baṭakunka nakhyun.
Daya hati na, nahi koi shastra:
Hati tanhi keval manasai!
-ramanarayan vishvanath paṭhaka
Source: Mavjibhai