વિદ્ધ મૃગ
સંગીત, લુબ્ધક! સુખદ તારૂં આમ નવ અટકાવ તું,
રસમાં મને મરવા દઈ રસિકત્વ પૂર્ણ બતાવ તું;
આ મોક્ષથી મોંઘું અને સાકરથી વધતું ગળ્યું,
તુજ બાણના સંપાતથી પંચત્વ આ સમયે મળ્યું.
શર લક્ષ બીજાં ફેંક વા તલવારનો કર ઘા ભલે,
પણ ગીતના અવરોધથી નવ વ્યથિત કર મુજને અરે!
રસની ધુની હૃદયે વહે, રસમાં અધિક છું મગ્ન હું,
રસરૂપ જગત જણાય, આ રસને વળી વરસાવ તું.
આને ભલે મૃત્યુ ણી આણે દયા દીલ માનવી,
પણ વૃષ્ટિ પ્રેમામૃત તણી મારે હૃદયથી માનવી;
પ્રેમાબ્ધિ આ ગરજી રહ્યો, રસમેઘ પણ વરસી રહ્યો,
મીંચી નયન અવલોકતાં આજે કૃતારથ હું થયો.
વસુધા વિષે બહુધા ફર્યો, ગિરિશૃંગ ઉપર આથડ્યો,
પણ હર્ષવર્ષણનો પુરંદર આજ તું મુજને મળ્યો;
મારી વ્યથા અવલોકીને દીલ નવ દયા લાવીશ તું,
અવસાન સમયે ગીતનો ન નિષેધ મન માનીશ તું.
મુજ માંસને માટે અધીરો એક પળ ન બનીશ તું,
સારંગી રસભરી વડી કરથી ન દૂર કરીશ તું;
દઈ તાલ સાયકપાતથી કર ગાન એ પણ ઈષ્ટ છે,
આ પ્રેમ પારાવારમાં ના’તા મરણ પણ મિષ્ટ છે!
-દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
Viddha Mruga
Sangita, lubdhaka! Sukhad tarun am nav aṭakav tun,
Rasaman mane marav dai rasikatva purna batav tun;
A mokshathi monghun ane sakarathi vadhatun galyun,
Tuj banan sanpatathi panchatva a samaye malyun.
Shar laksha bijan fenka v talavarano kar gha bhale,
Pan gitan avarodhathi nav vyathit kar mujane are!
Rasani dhuni hrudaye vahe, rasaman adhik chhun magna hun,
Rasarup jagat janaya, a rasane vali varasav tun.
Ane bhale mrutyu ni ane daya dil manavi,
Pan vrushti premamrut tani mare hrudayathi manavi;
Premabdhi a garaji rahyo, rasamegh pan varasi rahyo,
Minchi nayan avalokatan aje krutarath hun thayo.
Vasudh vishe bahudh faryo, girishrunga upar athadyo,
Pan harshavarshanano purandar aj tun mujane malyo;
Mari vyath avalokine dil nav daya lavish tun,
Avasan samaye gitano n nishedh man manish tun.
Muj mansane mate adhiro ek pal n banish tun,
Sarangi rasabhari vadi karathi n dur karish tun;
Dai tal sayakapatathi kar gan e pan ishṭa chhe,
A prem paravaraman na’t maran pan mishṭa chhe!
-damodaradas khushaladas botadakara
Source: Mavjibhai