ભૂંડી ભૂખ રૂડકી રે… - Bhundi Bhukh Rudaki Re… - Lyrics

ભૂંડી ભૂખ રૂડકી રે…

ગરીબવાડની રૂડકી એનાં લટિયે લટિયે લીંખ
અંગે અંગે ઓઘરાળા એનાં લૂગડાં પીંખાપીંખ
ભૂંડી ભૂખ રૂડકી રે…

એક કાખે એક છોકરું બીજું હાથે ટીંગાતું જાય
માથે મેલ્યાં ટોપલાં ઉપર માખો બણબણ થાય
ભૂંડી ભૂખ રૂડકી રે…

રૂડકીને ઘેર બોરની વાડી ને પરણ્યો જુવાન જોધ
પરણ્યો લાવ્યો વહુ બીજી ને રૂડકી રૂવે ધોધ
ભૂંડી ભૂખ રૂડકી રે…

રૂડકી વેંચે કાંસકી સોયા દામમાં રોટલા છાસ
છાસનું દોણું કાંસકી સોયા એ જ એના ઘરવાસ
ભૂંડી ભૂખ રૂડકી રે…

કોઈનો ઓટલો ચોતરો ચૌટું રાત પડે એનાં વાસ
દિન આખો તે શેરીએ શેરી ભમતી રોટલા આશ
ભૂંડી ભૂખ રૂડકી રે…

નાગરવાડમાં નાત મળી ને ગૌરી ગીતો ગાય
ધીંકડ વાગે ઢોલ પિપૂડી ગામ આખું લહેરાય
ભૂખી ડાંસ રૂડકી રે…

ધાવણી છોડીને તાવ ચડ્યો ને નાનકી ભૂખી થાય
છોકરાં લઈને રૂડકી બન્ને નાગરવાડે જાય
ભૂખી ડાંસ રૂડકી રે…

શેરીમાં બેસીને નાત જમે ને ચૂરમાં ઘી પીરસાય
શેરીને નાકે જાતજાતના લોકો માગવા ભેગાં થાય
ભૂખી ડાંસ રૂડકી રે…

નાત જમી ત્યાં ઊઠે આખી પાન સોપારી વહેંચાય
માગણ તૂટ્યાં પતરાળાં પર એંઠું ઉપાડી ખાય
ભૂખી ડાંસ રૂડકી રે…

રૂડકી દોડે માગણિયા ભેગી લૂટમલૂટી થાય
અર્ધી ખાધેલ પતરાળી એક હાથ આવી હરખાય
ભૂખી ડાંસ રૂડકી રે…

ચોર્યુંફેંદ્યું ચૂરમું શાક ને ધૂળ ભરેલી દાળ
રૂડકી કોળિયો છોકરાંને દે ને ઉપરથી દે ગાળ
ભૂખી ડાંસ રૂડકી રે…

નાતના ચાકર લાકડી લૈને મારવા સૌને ધાય
એ ધમાલમાં રૂડકીના થાળ કૂતરાં તાણી જાય
ભૂખી ડાંસ રૂડકી રે…

પાનબીડાં લઈ નાત ઊઠે ને રૂડકી ખંખેરે હાથ
દુનિયા કેરી દોરંગી લીલા દેખે દીનનો નાથ
ભૂખી ડાંસ રૂડકી રે…

-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’


Bhundi Bhukh Rudaki Re…

Garibavadani rudaki enan latiye latiye linkha
Ange ange ogharal enan lugadan pinkhapinkha
Bhundi bhukh rudaki re…

Ek kakhe ek chhokarun bijun hathe tingatun jaya
Mathe melyan topalan upar makho banaban thaya
Bhundi bhukh rudaki re…

Rudakine gher borani vadi ne paranyo juvan jodha
Paranyo lavyo vahu biji ne rudaki ruve dhodha
Bhundi bhukh rudaki re…

Rudaki venche kansaki soya damaman roṭal chhasa
Chhasanun donun kansaki soya e j en gharavasa
Bhundi bhukh rudaki re…

Koino oṭalo chotaro chautun rat pade enan vasa
Din akho te sherie sheri bhamati roṭal asha
Bhundi bhukh rudaki re…

Nagaravadaman nat mali ne gauri gito gaya
Dhinkad vage dhol pipudi gam akhun laheraya
Bhukhi dansa rudaki re…

Dhavani chhodine tav chadyo ne nanaki bhukhi thaya
Chhokaran laine rudaki banne nagaravade jaya
Bhukhi dansa rudaki re…

Sheriman besine nat jame ne churaman ghi pirasaya
Sherine nake jatajatan loko magav bhegan thaya
Bhukhi dansa rudaki re…

Nat jami tyan uthe akhi pan sopari vahenchaya
Magan tutyan pataralan par enthun upadi khaya
Bhukhi dansa rudaki re…

Rudaki dode maganiya bhegi luṭamaluti thaya
Ardhi khadhel patarali ek hath avi harakhaya
Bhukhi dansa rudaki re…

Choryunfendyun churamun shak ne dhul bhareli dala
Rudaki koliyo chhokaranne de ne uparathi de gala
Bhukhi dansa rudaki re…

Natan chakar lakadi laine marav saune dhaya
E dhamalaman rudakin thal kutaran tani jaya
Bhukhi dansa rudaki re…

Panabidan lai nat uthe ne rudaki khankhere hatha
Duniya keri dorangi lil dekhe dinano natha
Bhukhi dansa rudaki re…

-tribhuvanadas purushottamadas luhar ‘sundaram’

Source: Mavjibhai