એ સુભટ કાજ કો' નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’ - E Subhat Kaj Ko' Nav Kahejo ‘Prabhu De Ene Vishrama!’ - Lyrics

એ સુભટ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’

રણવગડા જેણે વીંધ્યા
વહાલી જેને વનવાટ
જે મરતાં લગ ઝંખેલો
ઘનઘોર વિજન રઝળાટ

જે ગગન ચુંબતા ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ
એ સુભટ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’

દમ દમ કર્મે મચી રહેતાં
ઉછળે ઉરમાં ધબકાર
ભલી એ એની વિશ્રાંતિ
એ સુખ જીવન-આધાર

એ પડે લડથડે છતાં ઉઠી ફરી ચડે યુદ્ધ અવિરામ
એ સુભટ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’

ધગધગ ધખતી સહરામાં
એ મહાલે શીતળ સેજ
ઘનઘન અંધાર-નિશામાં
ભાળે ભાસ્કરનાં તેજ

વંટોળ વિષે પણ પામન્તો ફૂલ-દોલ તણા આરામ
એ સુભટ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’

જ્યમ શતશત પ્હાડ-શિખરથી
જળધોધ ઘુઘવતો જાય
જ્યમ ખુશખુશાલ કો જોદ્ધો
નિજ અશ્વ નચવતો જાય

ત્યમ સત્ય તણો શોધક નિજ પંથે ધસે સદા અવિરામ
એ સુભટ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’

વનવનનાં વદન હસવતી
કો સરિતા ચાલી જાય
દુર્ગંધ જગતની વહતી
સાગરમાં શાંત સમાય

સાચા જગસેવકનું જીવન ત્યમ પામે મૌન વિરામ
એ સુભગ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’

-ઝવેરચંદ મેઘાણી

E Subhat Kaj Ko’ Nav Kahejo ‘Prabhu De Ene Vishrama!’

Ranavagad jene vindhya
Vahali jene vanavaṭa
Je maratan lag zankhelo
Ghanaghor vijan razalaṭa

Je gagan chunbat girishrunge sunato hakal avirama
E subhat kaj ko’ nav kahejo ‘prabhu de ene vishrama!’

Dam dam karme machi rahetan
Uchhale uraman dhabakara
Bhali e eni vishranti
E sukh jivana-adhara

E pade ladathade chhatan uthi fari chade yuddha avirama
E subhat kaj ko’ nav kahejo ‘prabhu de ene vishrama!’

Dhagadhag dhakhati saharaman
E mahale shital seja
Ghanaghan andhara-nishaman
Bhale bhaskaranan teja

Vantol vishe pan pamanto fula-dol tan arama
E subhat kaj ko’ nav kahejo ‘prabhu de ene vishrama!’

Jyam shatashat phada-shikharathi
Jaladhodh ghughavato jaya
Jyam khushakhushal ko joddho
Nij ashva nachavato jaya

Tyam satya tano shodhak nij panthe dhase sad avirama
E subhat kaj ko’ nav kahejo ‘prabhu de ene vishrama!’

Vanavananan vadan hasavati
Ko sarit chali jaya
Durgandha jagatani vahati
Sagaraman shanṭa samaya

Sach jagasevakanun jivan tyam pame maun virama
E subhag kaj ko’ nav kahejo ‘prabhu de ene vishrama!’

-Zaverachanda Meghani