ગમે છે - Game Che - Gujarati Gazal

સાતમા માળે રહે છે એટલે ફળિયું ગમે છે, આમ પરપોટા સમું જીવન અને તળિયું ગમે છે !

વૃક્ષનો લીલો ચહેરો આંખ સામે છે પરંતુ, હાથ કઠિયારો બને ત્યારે ફકત થડિયું ગમે છે !

પોતપોતાનાં બધાં શુભ લાભ ને ઉદવેગ વચ્ચે, આ સમય થંભી જતો લાગે એ ચોઘડિયું ગમે છે !

સ્હેજ પણ અગવડ પડે ના એટલો અસબાબ રાખે, ઓરતાના દેહને સુખ એવું સગવડિયું ગમે છે !

લાગણીના સાત દરિયાની ગઝલના પણ વિકલ્પ, કો અજાણી આંખનું એકાદ ઝળઝળિયું ગમે છે !

~ આશિષ ભટ્ટ