હાજી કાસમ તારી વીજળી રે - Hājī Kāsam Tārī Vījaḷī Re - Lyrics

હાજી કાસમ તારી વીજળી રે

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ

ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઈ શે’ર
દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઈ શે’ર

દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઈ શે’ર
તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર

ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર
અગ્યાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઈ શે’ર

બાર બજે તો બરોબર ચડિયાં, જાય છે મુંબઈ શે’ર
ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ

મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય
જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય

પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય

મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય
ચહમાં માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર

કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઈ શે’ર
હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ

પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર
ફટ ભૂંડી તું વીજળી મારાં તેરસો માણસ જાય

વીજળી કે મારો વાંક નૈ, વીરા, લખિયલ છઠ્ઠીના લેખ
તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યાં કેસરિયા વર

ચોકે ને કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ
મુંબઈ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ

ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ
સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ

દેશ, દેશથી કંઈ તાર વછૂટ્યાં, વીજળી બૂડી જાય
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય

પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગ
સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ

મોટા સાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર
મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર

સાબ, મઢ્યમ બે દરિયો ડોળે, પાણીનો ના’વે તાગ
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ


Hājī Kāsam Tārī Vījaḷī Re

Hājī kāsama, tārī vījaḷī re madhadariye veraṇ thaī
Sheṭh kāsama, tārī vījaḷī re samadariye veraṇ thaī

Bhuj anjāranī jānun re jūtī, jāya chhe munbaī she’ra
Desh paradeshī mānavī āvyān, jāya chhe munbaī she’ra

Dash baje to ṭikaṭun līdhī, jāya chhe munbaī she’ra
Ter ter jānun sāmaṭī jūtī, beṭhā kesariyā vara

Chaud vīshunmānya sheṭhiyā beṭhā, chhokarānono nahīn pāra
Agyār baje āgaboṭ hānkī, jāya chhe munbaī she’ra

Bār baje to barobar chaḍiyān, jāya chhe munbaī she’ra
Otar dakhaṇanā vāyarā vāyā, vāyare ḍolyān vā’ṇa

Moṭā sāhebanī āgaboṭun maḷiyun, vījane pāchhī vāḷya
Jahāj tun tārun pāchhun vāḷya re mālam ābhe dhaḍākā thāya

Pāchhī vāḷun, mārī bhomakā lāje, allā māthe emāna
Āg olāṇī ne koyalā khūṭyā, vījane pāchhī vāḷya

Madhadariyāmān māmalā mache, vījaḷī veraṇ thāya
Chahamān mānḍīne mālamī jove, pāṇīno nā’ve pāra

Kāchane kunpe kāgad lakhe, mokale munbaī she’ra
Hindu musalamīn mānatā māne pānchame bhāge rāja

Pāncha letān tun pānchase leje, sārun jamāḍun she’ra
Faṭ bhūnḍī tun vījaḷī mārān teraso māṇas jāya

Vījaḷī ke māro vānka nai, vīrā, lakhiyal chhaṭhṭhīnā lekha
Teraso māṇas sāmaṭān būḍyān, ne būḍyān kesariyā vara

Choke ne koṭhe dīvā jale ne, jue jānun kerī vāṭa
Munbaī she’ramān mānḍavā nākhela, khobale ven’chāya khānḍa

Ḍhol tranbāḷu dhrusake vāge, jue jānunnī vāṭa
Soḷasen kanyā ḍungare chaḍī, jue jānunnī vāṭa

Desha, deshathī kanī tār vachhūṭyān, vījaḷī būḍī jāya
Vāṇiyo vānche ne bhāṭiyā vānche, ghar ghar roṇān thāya

Pīṭhī bharī to lāḍaḍī rue, mānḍave ūṭhī āga
Sagun rue enun sāgavī rue, benī rue bār māsa

Moṭā sāhebe āgaboṭun hānkī, pāṇīno nā’ve pāra
Moṭā sāhebe tāg j līdhā, pāṇīno nā’ve pāra

Sāba, maḍhyam be dariyo ḍoḷe, pāṇīno nā’ve tāga
Hājī kāsama, tārī vījaḷī re madhadariye veraṇ thaī

Source: Mavjibhai