કવિ મુફલિસ છું - Kavi Mufalis Chhun - Lyrics

કવિ મુફલિસ છું

(૧)
નથી નિસ્બત મને આ ધરતીથી, નભથી, સમંદરથી
કરું છું હું લડાઈ માનવીના મનથી અંદરથી
ફક્ત જીતવી નથી, મારે તો રચવી છે નવી દુનિયા
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી
-બેફામ

(૨)
ભાગ્ય માટે કોઈ ના રાખો સિતારા પર મદાર,
ખુદ ન જે ઉગરે, ક્યાંથી એ બીજાનો ઉગાર?
એ બિચારા ધરતીને અજવાળવાના કઈ રીતે?
જે હરી શકતા નથી આકાશનો યે અંધકાર!
-બેફામ

(૩)
ચમનમાં ફૂલ ના ખીલે અને વેરાન રણ આપે,
ઊગે નહિ જ્યાં ઉષા ત્યાં પણ નિશાનું આવરણ આપે,
નથી અલ્લાહનો અન્યાય તો બેફામ આ શું છે?
જીવન જીવી શક્યાં ના હોય એને પણ મરણ આપે!
-બેફામ

(૪)
મારી સઘળી અલ્પતાનું તું જ કારણ છે, ખુદા!
તું મહાન એવો થયો કે બંદગી ઓછી પડી.
દુઃખ નથી બેફામ એનું કે મરણ આવી ઊભું,
દુઃખ ફક્ત એ જ કે આ જિંદગી ઓછી પડી.
-બેફામ

(૫)
મારી ખુદ્દાર તમન્નાને નડે છે દુનિયા
મારી ફિતરતની ખુશી સાથ લડે છે દુનિયા
મારા અલ્લાહ ક્ષમા કરજે જો બંદો ન રહું
કે હવે તું નહિ, જીવનને ઘડે છે દુનિયા
-બેફામ

(૬)
છુ તારા માર્ગ પર ને તોય વાગે છે મને કાંટા
કહે ઓ ઈશ, આ તે મારી કે તારી પરીક્ષા છે?
કયામતના દિવસનો અર્થ બીજો કંઈ નથી બેફામ
વિધાતાનાં લખાણો પર ફિરસ્તાની સમીક્ષા છે
-બેફામ

(૭)
તુરબત મળી જવાબમાં માગ્યું હતું અમે
ઈર્ષ્યા ન થાય કોઈને એવી જગા મળે
બેફામ જીવતાં જ જરૂરત હતી મને
શો અર્થ છે મરણની પછી જો ખુદા મળે
-બેફામ

(૮)
કબરની ઊંઘમાં બેફામ જો નહિ સ્વર્ગનાં સપના,
જીવનમાં જે મળ્યું નહિ એ મરણની બાદ શું મળશે?
અસંતોષી નથી હોતા જે સાચા હોય છે પ્યાસા,
મળે પાણી તો નહિ પૂછે ઝરણની બાદ શું મળશે?
-બેફામ

(૯)
જનમ પરથી જ માનવના જીવનનું માપ થાયે છે
રડે છે સૌ પ્રથમ, સૌને પ્રથમ સંતાપ થાયે છે,
જગતમાં આવનારા જીવ માટે છે નિયમ ઉલટા
સજા પહેલાં મળે છે ને પછીથી પાપ થાયે છે
-બેફામ

(૧૦)
બધાના હાથમાં લીટા જ દોર્યા છે વિધાતાએ
પછી ક્યાંથી કોઈ વાંચી શકે એવાં કરમ નીકળે?
પ્રણયને પાપ કહેનારા થશે તારી દશા કેવી?
કદાચ અલ્લાહને ત્યાં એજ જો દિલનો ધરમ નીકળે
-બેફામ

(૧૧)
નિરખશો માર્ગ પર ત્યારે નકામાં લાગશે પથ્થર
કદમ મૂકશો તો સંકટ જેમ સામા લાગશે પથ્થર
પરંતુ વાગશે ને એ બહાને બેસવા મળશે
તો મારી જેમ તમને પણ વિસામા લાગશે પથ્થર
-બેફામ

(૧૨)
પ્રકૃતિનો જે નિયમ છે તે અવિચળ રહેશે
કામ નહિ આવે કદી એ સદા નિર્બળ રહેશે
જ્યાં સરોવર કે નદી બદલે હશે સૂકું રણ
પડશે વરસાદ છતાં ત્યાં રોજ મૃગજળ રહેશે
-બેફામ

(૧૩)
નમક છાંટ્યું હશે શાયદ કોઈએ દિલના જખ્મો પર
કદાચિત એટલા માટે જ ખારાં થઈ ગયાં આંસુ
જગત સિંધુમાં કેવળ એ જ બિન્દુ થઈ શક્યાં મોતી
પડ્યાં જળમાં છતાં જળથી જે ન્યારાં થઈ ગયાં આંસુ
-બેફામ

(૧૪)
જખમ પર ફૂંક મારે છે કોઈ તો થાય છે પીડા
ઝીલે જે ઘાવ દુનિયાના હવે એવું જિગર ક્યાં છે?
બિછાવ્યા તો નથી એમાં ય કાંટા કોઈએ બેફામ
મરણ પહેલાં જરા હું જોઈ લઉં - મારી કબર ક્યાં છે?
-બેફામ

(૧૫)
મને જ્યાં સુખ મળ્યું ત્યાં સાથ એનો દઈ ગયાં મિત્રો,
હસીને હર્ષનો હિસ્સો મળ્યો તે લઈ ગયા મિત્રો,
મગર એક જ દશા પૂરતી હતી નહિ એ વફાદારી,
દુઃખી હું થઈ ગયો ત્યારેય હર્ષિત થઈ ગયા મિત્રો!
-બેફામ

(૧૬)
મને કબૂલ છે મિત્રો, તમે નિખાલસ છો,
તમારી લાગણી છે એવો ભાસ તો આપો.
જુઓ છો જેમ બધાને, મને ન એમ જુઓ,
કદીક મારા ઉપર ધ્યાન ખાસ તો આપો.
મર્યા પછી તો કબર આપશે બધા બેફામ,
મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો.
-બેફામ

(૧૭)
કરો ન વાત કે હું આવો છું ને એવો છું,
કહી દઉં છું હવે હું જ કે હું કેવો છું,
નથી હું કોઈ ફિરસ્તો, ઓ નિંદકો મારા!
હું માનવી છું, તમારા બધાય જેવો છું!
-બેફામ


Kavi Mufalis Chhun

(1)
Nathi nisbat mane a dharatithi, nabhathi, samandarathi
Karun chhun hun ladai manavin manathi andarathi
Fakṭa jitavi nathi, mare to rachavi chhe navi duniya
Kavi mufalis chhun pan chhun ek kadam agal sikandarathi
-befama

(2)
Bhagya mate koi n rakho sitar par madara,
Khud n je ugare, kyanthi e bijano ugara? E bichar dharatine ajavalavan kai rite? Je hari shakat nathi akashano ye andhakara!
-befama

(3)
Chamanaman ful n khile ane veran ran ape,
Uge nahi jyan ush tyan pan nishanun avaran ape,
Nathi allahano anyaya to befam a shun chhe? Jivan jivi shakyan n hoya ene pan maran ape!
-befama

(4)
Mari saghali alpatanun tun j karan chhe, khuda! Tun mahan evo thayo ke bandagi ochhi padi. Duahkha nathi befam enun ke maran avi ubhun,
Duahkha fakṭa e j ke a jindagi ochhi padi.
-befama

(5)
Mari khuddar tamannane nade chhe duniya
Mari fitaratani khushi sath lade chhe duniya
Mar allah ksham karaje jo bando n rahun
Ke have tun nahi, jivanane ghade chhe duniya
-befama

(6)
Chhu tar marga par ne toya vage chhe mane kanta
Kahe o isha, a te mari ke tari pariksha chhe? Kayamatan divasano artha bijo kani nathi befama
Vidhatanan lakhano par firastani samiksha chhe
-befama

(7)
Turabat mali javabaman magyun hatun ame
Irshya n thaya koine evi jag male
Befam jivatan j jarurat hati mane
Sho artha chhe maranani pachhi jo khud male
-befama

(8)
Kabarani unghaman befam jo nahi swarganan sapana,
Jivanaman je malyun nahi e maranani bad shun malashe? Asantoshi nathi hot je sach hoya chhe pyasa,
Male pani to nahi puchhe zaranani bad shun malashe?
-befama

(9)
Janam parathi j manavan jivananun map thaye chhe
Rade chhe sau prathama, saune pratham santap thaye chhe,
Jagataman avanar jiv mate chhe niyam ulata
Saj pahelan male chhe ne pachhithi pap thaye chhe
-befama

(10)
Badhan hathaman lit j dorya chhe vidhatae
Pachhi kyanthi koi vanchi shake evan karam nikale? Pranayane pap kahenar thashe tari dash kevi? Kadach allahane tyan ej jo dilano dharam nikale
-befama

(11)
Nirakhasho marga par tyare nakaman lagashe paththara
Kadam mukasho to sankat jem sam lagashe paththara
Parantu vagashe ne e bahane besav malashe
To mari jem tamane pan visam lagashe paththara
-befama

(12)
Prakrutino je niyam chhe te avichal raheshe
Kam nahi ave kadi e sad nirbal raheshe
Jyan sarovar ke nadi badale hashe sukun rana
Padashe varasad chhatan tyan roj mrugajal raheshe
-befama

(13)
Namak chhantyun hashe shayad koie dilan jakhmo para
Kadachit eṭal mate j kharan thai gayan ansu
Jagat sindhuman keval e j bindu thai shakyan moti
Padyan jalaman chhatan jalathi je nyaran thai gayan ansu
-befama

(14)
Jakham par funka mare chhe koi to thaya chhe pida
Zile je ghav duniyan have evun jigar kyan chhe? Bichhavya to nathi eman ya kanṭa koie befama
Maran pahelan jar hun joi laun - mari kabar kyan chhe?
-befama

(15)
Mane jyan sukh malyun tyan sath eno dai gayan mitro,
Hasine harshano hisso malyo te lai gaya mitro,
Magar ek j dash purati hati nahi e vafadari,
Duahkhi hun thai gayo tyareya harshit thai gaya mitro!
-befama

(16)
Mane kabul chhe mitro, tame nikhalas chho,
Tamari lagani chhe evo bhas to apo. Juo chho jem badhane, mane n em juo,
Kadik mar upar dhyan khas to apo. Marya pachhi to kabar apashe badh befama,
Mari shakaya jyan evo nivas to apo.
-befama

(17)
Karo n vat ke hun avo chhun ne evo chhun,
Kahi daun chhun have hun j ke hun kevo chhun,
Nathi hun koi firasto, o nindako mara! Hun manavi chhun, tamar badhaya jevo chhun!
-befama

Source: Mavjibhai