લેખ વિધિએ લખ્યાં - Lekh Vidhie Lakhyan - Lyrics

લેખ વિધિએ લખ્યાં

ઓ પ્રિયે પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું

ઓ પ્રિયે કઠપૂતલીઓનો છે તમાશો જિંદગી
ભવના તખ્તા પર નચાવે છે વિધિની આંગળી
અંક ચાલે ત્યાં લગીનો છે અભિનય આપણો
શૂન્યની સંદૂકમાં ખડકાઈ જાશું એ પછી

ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો’ અધર
કાંસકીને જો કે એના તનના સો ચીરા થયા
તો જ પામી સ્થાન એ પ્રિયાની જુલ્ફ પર

આ જગતમાં આવ જા માટે ફક્ત બે દ્વાર છે
એક બાજુ દર્દ બીજે મોત ચોકીદાર છે
જન્મ લઈ જેણે નથી ખાધી હવા સંસારની
એ જ છે સાચો સુખી બાકી બધાં લાચાર છે

કાલ મેં કુંભાર કેરા ચોકમાં દૃષ્ટિ કરી
ઘાટ ઘડતો ચાક પર એ પિંડ માટીના ધરી
દિવ્ય દૃષ્ટિથી અજબ કૌતુક નજર આવ્યું મને
(મુજ) પૂર્વજોના દેહ પર થાતી હતી કારીગરી

શું કૂબેરો? શું સિકંદર? ગર્વ સૌનો તૂટશે
હો ગમે તેવો ખજાનો બે જ દિવસમાં ખૂટશે
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી
આજ તો ફૂટી છે પ્યાલી કાલ કૂંજો ફૂટશે

ધાર કે સંસારનો છે દોર સૌ તુજ હાથમાં
ધાર કે તું વ્યોમને ભીડી શકે છે બાથમાં
ધાર કે સોંપ્યાં કૂબેરોએ તને ભંડાર પણ
આવશે કિન્તુ કશું ના આખરે સંગાથમાં

લેખ વિધિએ લખ્યાં મારા મને પૂછ્યાં વગર
કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં?
હું કયામતમાં હિસાબ આપું ક્યા આધાર પર?

જગ નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર
એ પછી દુનિયા નવી એવી રચું કે જે મહીં
સર્વ જીવો મન મુજબ લૂંટી શકે જીવન બહાર

-‘શૂન્ય’ પાલનપુરી


Lekh Vidhie Lakhyan

O priye parikaran jevun a jivan chhe apanun
Be judan shir chhe parantu ek tan chhe apanun
Vartulo rachav lagini chhe judaini vyatha
Karya purun thai jatan sthayi milan chhe apanun

O priye kaṭhaputaliono chhe tamasho jindagi
Bhavan takhṭa par nachave chhe vidhini angali
Anka chale tyan lagino chhe abhinaya apano
Shunyani sandukaman khadakai jashun e pachhi

Dankha dil par kal kanṭakan sahan kidh vagara
Prem ker pushpane chumi shake n ko’ adhara
Kansakine jo ke en tanan so chir thaya
To j pami sthan e priyani julfa para

A jagataman av j mate fakṭa be dvar chhe
Ek baju darda bije mot chokidar chhe
Janma lai jene nathi khadhi hav sansarani
E j chhe sacho sukhi baki badhan lachar chhe

Kal men kunbhar ker chokaman drushti kari
Ghat ghadato chak par e pinda matin dhari
Divya drushtithi ajab kautuk najar avyun mane
(muja) purvajon deh par thati hati karigari

Shun kubero? shun sikandara? Garva sauno tuṭashe
Ho game tevo khajano be j divasaman khuṭashe
Kalani karadi najarathi koi bachavanun nathi
Aj to futi chhe pyali kal kunjo fuṭashe

Dhar ke sansarano chhe dor sau tuj hathaman
Dhar ke tun vyomane bhidi shake chhe bathaman
Dhar ke sonpyan kuberoe tane bhandar pana
Avashe kintu kashun n akhare sangathaman

Lekh vidhie lakhyan mar mane puchhyan vagara
Karmani lil rachi rakhi mane khud bekhabara
Aj pan chale chhe kyan marun manasvi doraman? Hun kayamataman hisab apun kya adhar para?

Jag niyanṭa eni satṭa jo mane sonpe lagara
Chhinavi laun hrut kanethi bhagyano sau karabhara
E pachhi duniya navi evi rachun ke je mahin
Sarva jivo man mujab lunti shake jivan bahara

-‘Shunya’ Palanapuri

Source: Mavjibhai