થાય સરખામણી તો - Thaya Sarakhamani To - Lyrics

થાય સરખામણી તો

થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરુને દીપાવી દીધી
એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી

ઘોર અંધાર છે આખી અવની ઉપર તો જરા દોષ એમાં અમારોય છે
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

આ જગત ને અમારું જીવન બેઉમાં જંગ જે કંઈ હતો જાગૃતિનો હતો
જ્યાં જરા ઊંઘમાં આંખ મીચાઈ ગઈ ત્યાં તરત તેગ એણે હુલાવી દીધી

બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી કોઈએ જાળ પંથે બિછાવી દીધી

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે વાટ કિંતુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો એને આખી કહાણી સુણાવી દીધી

દિલ જવા તો દીધું કોઈના હાથમાં દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ
સાચવી રાખવાની જે વસ્તુ હતી એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી

જીવતાં જે ભરોસો હતો ઈશ પર એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલેને તરાવી નહીં લાશ મારી પરંતુ તરાવી દીધી

-બરકત વિરાણી ‘બેફામ


Thaya Sarakhamani To

Thaya sarakhamani to utarat chhie te chhatan abarune dipavi didhi
Eman mahelane roshani apav zunpadi pan amari jalavi didhi

Ghor andhar chhe akhi avani upar to jar dosh eman amaroya chhe
Ek to kani sitar j nahot ugya ne ame pan shamao buzavi didhi

A jagat ne amarun jivan beuman janga je kani hato jagrutino hato
Jyan jar unghaman ankha michai gai tyan tarat teg ene hulavi didhi

Bik ek j badhane hati ke ame kyanka pahonchi n jaie bulandi upara
Koie pinjarani vyavastha kari koie jal panthe bichhavi didhi

Koi amane nadya to ubh rahi gaya pan ubh rahi ame koine n nadya
Khud ame to n pahonchi shakya manzile vat kintu bijane batavi didhi

Kon jane hati kevi varsho juni jindagiman asar ek tanahaini
Koie jyan amastun puchhyun kem chho ene akhi kahani sunavi didhi

Dil jav to didhun koin hathaman dil gaya bad amane khari jan thai
Sachavi rakhavani je vastu hati e j vastu ame to luntavi didhi

Jivatan je bharoso hato ish par e marya bad ‘befama’ sacho padyo
Jat mari bhalene taravi nahin lash mari parantu taravi didhi

-barakat virani ‘befama

Source: Mavjibhai