વીણાનો મૃગ
ઉગતા સૂર્યની સામે આવે છે મૃગ દોડતો
ઉતરે બાગમાં હાવાં ફલાંગે ગઢ કૂદતો
વીણા તણો નાદ તહીં સુણાય
આનંદલહેરે અનિલો ભરાય
ઝુલે ફૂલો એ કંઈ તાલમાં ત્યાં
વસંત લીલા સ્વર બેવડી રહ્યાં
ભીતિ કશી એ મૃગને દિસે ના
પિછાન જુની સ્થલની નકી આ
નમાવી શૃંગો ચળ પીઠમાં કરે
યથેચ્છ પર્ણો તરુનાં જરા ચરે
ઊડી રહ્યો છે જલનો ફુવારો
હોજે તરે રંગીન માછલીઓ
ત્યાં કાન માંડી મૃગ તે ઢળે છે
જરા નમીને જલ એ પીએ છે
પાસેથી ત્યાં તો સ્વર આવ્યા
વાયુ તણી લહેર મહીં ગુંથાયા
કૂદી ઉમંગે ચમકાવી કર્ણો
સ્વરો ભણી એ મૃગ દોડતો ગયો
હીંચકે ખાટમાં બેઠી કુંજમાં દિવ્ય સુન્દરી
બીનની મીંડ મીઠીમાં એ છેક ગળી ગઈ
દિસે અંગો નાનાં હ્રદયમય કે તાનમય શાં
લતા શા ડોલે છે કટિ ઉપરના સૌ અવયવો
અહા કાળા ઝુલે કમર પર એ વાળ સઘળા
દિસે તારા જેવાં ચકચકિત શાં સ્નિગ્ધ નયનો
મળી છે શું આંહીં જગત પરની સૌ મધુરતા
અહીં વેળાનું ના કરવત ઘસાતું નકી હશે
ગ્રહો તારા ભાનુ જરૂર ક્ષણ આંહીં અટકતા
સ્વરોની દેવીનાં નમી નમી અહીં દર્શન કરે
દૂરથી આવતો દોડી વ્હાલો એ મૃગ જોઈને
કન્યા તે હસ્ત લમ્બાવી હેતથી આવકાર દે
આનંદભીનાં નયને નિહાળી
પંપાળતી તે મૃગને કરેથી
દાસત્વ મીઠું મૃગમાં દિસે છે
પ્રેમાળ ભીનાં નયને વસે જે
પછી વીણા તારો મધુર સ્વર દૈવી જગવતા
હવામાં નાચન્તી સ્વરની કંઈ મૂર્તિ ખડી કરે
જડી જાણે રાખે નયન મૃદુ કન્યા મૃગ પરે
અને એ ચ્હેરામાં નવીન કંઈ ભાવો પલટતા
મૃગે એ ભાસે છે વશ થઈ જતો કે ગળી જતો
જરા ડોલે શૃંગો વળી અરધ મીંચ્યાં નયન છે
નિસાસા લેતો એ મૃગ હૃદય જાણે ઠલવતો
અને કન્યા શિરે રસમય અભિષેક કરતો
અહો ક્યારે થનનથન નાચી કૂદી રહે
વળી એ કન્યાના ઘડીક પદ ચાટે જીભ વડે
ફરે વીણા તેવાં હૃદય નયનો અંગ ફરતાં
દિસે બન્ને આત્મા અનુભવી રહ્યાં એકમયતા
પ્રભાત કાલે મૃગ આમ આવતો
વીણા સુણીને વનમાં ફરી જતો
સ્વરો ન મીઠા મૃગ વીણ ઊઠતાં
સુખી થતી ના મૃગ વીણ કન્યકા
લગની કો લગાડે છે ઉરોની રસએકતા
પશુ આ માનવી આ એ કાંઈ ભેદ ન પ્રેમને
દિનો કૈં આનન્દે રસભર ગયા આમ વહેતા
સદા રહેતાં ધૂને મધુર સ્વરની આમ દિલ આ
પ્રભાતે કોઈ એ પથિક ગઢ પાસે અટકતો
ઘડી સુણી વીણા નિજ પથ જતો આશિષ દઈ
તહીં ઉગ્યો છે હજુ અર્ધ ભાનુ
નવીન રંગે નભ છે ભરેલું
શુકો ઊડે ગીત હજાર ગાઈ
સહુ સ્થળે છે ભરપૂર શાન્તિ
ઉદાસ શાન્ત સ્વર બીન છેડે
ઉદાર ભાવો મૃગ નેત્ર રેડે
મચી રહી આર્દ્ર સ્વરોની હેલી
મહાન આનન્દની રેલ રેલી
સરરર સુસવાટો થાય ત્યાં બાગમાં કૈં
અરર મૃગ બિચારો ઉછળી પડે છે
થર થર થર ધ્રુજે કન્યકા ત્રાસ પામી
શિથિલ કર થતાં એ બીન તૂટે પડીને
મૃગહૃદય મહીં છે તીર લાગ્યું અરેરેરે
ખળખળ ઢળતું હા રક્ત ભૂમિ પરે એ
નયનજલ વતી એ કન્યકા ઘા ધુવે ને
મૃગ તડફડ થાતો હાંફતો શ્વાસ લે છે
મીંચાઈ એ જાતાં નયન દરદે બે ક્ષણ અને
ઘડી કન્યા સામે રુદનમય એ શાં નિરખતાં
અરે છેલ્લે યાચે નિજ પ્રિય કને એક નજરે
વદે છે કૈં આવું નયન મૃદુ ચોંટી રહી હવે
કરીને શીર્ષનું તુમ્બું નેત્રની નખલી કરી
બજાવી લે બજાવી લે તારું બીન હજી હજી
કૃપા હોજો દયા હોજો પ્રભુની બીનની પરે
અનુકૂલ સ્વરો મીઠા હજો આ તુજ હસ્તને
કન્યા બિચારી દુઃખણી થઈને
એ શીર્ષ ખોળે મૂકતી રડે છે
ત્યાં પાછળેથી નર કોઈ આવે
વાત્સલ્યભાવે વદતો જણાયે
અયિ પુત્રી શિકારી તો પાપી છે તુજ આ પિતા
ભૂલી જા એ બજાવી લે તારું બીન હવે જરા
હૃદય સ્થિર નથી એ કન્યકા બાપડીનું
નજર નવ કરે તે કોણ આવ્યું ન આવ્યું
પણ દ્રઢ થઈ અન્તે અશ્રુમાં તે ગળન્તી
દરદમય છતાં એ કાંઈ મીઠું લવે છે
તુમ્બું તૂટી પડ્યું અરે જિગરના ચીરા થયા છે પિતા
રે આ સાંભળનારના જગતમાં એવું થયું છે પિતા
વીણા બંધ થઈ સ્વરો ઊડી ગયા ખારી બની જિંદગી
સાથી ન જગમાં રહ્યો પ્રભુ તણી આશિષ એવી મળી
મૃત્યુને વશ આ કલા થઈ ગઈ હુંએ બની મૃત્યુની
આ સંસાર અસાર છે અહહહા એ શીખ આજે મળી
વ્હાલાં હાય અરે અરે જગતમાં વ્હાલાં ઉરો ચીરતાં
ભૂલોની જ પરંપરા જગત આ એવું દિસે છે પિતા
ક્યાં શ્રદ્ધા અને પ્રેમ ક્યાં જગત આ આખું અકસ્માતનું
જે પ્યાલું મૃગને મળ્યું મરણનું તે હુંય માગું પ્રભુ
જોઈ બે ઘડી આ લઉં મૃગને અને વીણા તૂટેલી પિતા
એ નિર્માણ અનન્તના જલ મહિં ડૂબું પછી હું પિતા
દિનો કૈં કન્યાના દરદમય ઓહો વહી ગયા
ફર્યાં છે એ ગાત્રો મુખ પણ ફર્યું છેક જ અરે
હવે જો કોઈએ પથિક ગઢ પાસે અટકતો
શિલા ત્યાં આ વાંચી કંઈક દુઃખમાં તે ડૂબી જતો
‘કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં’
-કલાપી
Vinano Mruga
Ugat suryani same ave chhe mrug dodato
Utare bagaman havan falange gadh kudato
Vin tano nad tahin sunaya
Anandalahere anilo bharaya
Zule fulo e kani talaman tyan
Vasanṭa lil swar bevadi rahyan
Bhiti kashi e mrugane dise na
Pichhan juni sthalani naki a
Namavi shrungo chal piṭhaman kare
Yathechchha parno tarunan jar chare
Udi rahyo chhe jalano fuvaro
Hoje tare rangin machhalio
Tyan kan mandi mrug te dhale chhe
Jar namine jal e pie chhe
Pasethi tyan to swar avya
Vayu tani laher mahin gunthaya
Kudi umange chamakavi karno
Svaro bhani e mrug dodato gayo
Hinchake khaṭaman bethi kunjaman divya sundari
Binani minda mithiman e chhek gali gai
Dise ango nanan hradayamaya ke tanamaya shan
Lat sha dole chhe kati uparan sau avayavo
Ah kal zule kamar par e val saghala
Dise tar jevan chakachakit shan snigdha nayano
Mali chhe shun anhin jagat parani sau madhurata
Ahin velanun n karavat ghasatun naki hashe
Graho tar bhanu jarur kshan anhin aṭakata
Svaroni devinan nami nami ahin darshan kare
Durathi avato dodi vhalo e mrug joine
Kanya te hasṭa lambavi hetathi avakar de
Anandabhinan nayane nihali
Panpalati te mrugane karethi
Dasatva mithun mrugaman dise chhe
Premal bhinan nayane vase je
Pachhi vin taro madhur swar daivi jagavata
Havaman nachanti swarani kani murti khadi kare
Jadi jane rakhe nayan mrudu kanya mrug pare
Ane e chheraman navin kani bhavo palaṭata
Mruge e bhase chhe vash thai jato ke gali jato
Jar dole shrungo vali aradh minchyan nayan chhe
Nisas leto e mrug hrudaya jane ṭhalavato
Ane kanya shire rasamaya abhishek karato
Aho kyare thananathan nachi kudi rahe
Vali e kanyan ghadik pad chate jibh vade
Fare vin tevan hrudaya nayano anga faratan
Dise banne atma anubhavi rahyan ekamayata
Prabhat kale mrug am avato
Vin sunine vanaman fari jato
Svaro n mith mrug vin uṭhatan
Sukhi thati n mrug vin kanyaka
Lagani ko lagade chhe uroni rasaekata
Pashu a manavi a e kani bhed n premane
Dino kain anande rasabhar gaya am vaheta
Sad rahetan dhune madhur swarani am dil a
Prabhate koi e pathik gadh pase aṭakato
Ghadi suni vin nij path jato ashish dai
Tahin ugyo chhe haju ardha bhanu
Navin range nabh chhe bharelun
Shuko ude git hajar gai
Sahu sthale chhe bharapur shanti
Udas shanṭa swar bin chhede
Udar bhavo mrug netra rede
Machi rahi ardra swaroni heli
Mahan anandani rel reli
Sararar susavato thaya tyan bagaman kain
Arar mrug bicharo uchhali pade chhe
Thar thar thar dhruje kanyak tras pami
Shithil kar thatan e bin tute padine
Mrugahrudaya mahin chhe tir lagyun arerere
Khalakhal dhalatun h rakṭa bhumi pare e
Nayanajal vati e kanyak gha dhuve ne
Mrug tadafad thato hanfato shvas le chhe
Minchai e jatan nayan darade be kshan ane
Ghadi kanya same rudanamaya e shan nirakhatan
Are chhelle yache nij priya kane ek najare
Vade chhe kain avun nayan mrudu chonti rahi have
Karine shirshanun tumbun netrani nakhali kari
Bajavi le bajavi le tarun bin haji haji
Krup hojo daya hojo prabhuni binani pare
Anukul swaro mith hajo a tuj hastane
Kanya bichari duahkhani thaine
E shirsha khole mukati rade chhe
Tyan pachhalethi nar koi ave
Vatsalyabhave vadato janaye
Ayi putri shikari to papi chhe tuj a pita
Bhuli j e bajavi le tarun bin have jara
Hrudaya sthir nathi e kanyak bapadinun
Najar nav kare te kon avyun n avyun
Pan dradh thai ante ashruman te galanti
Daradamaya chhatan e kani mithun lave chhe
Tumbun tuti padyun are jigaran chir thaya chhe pita
Re a sanbhalanaran jagataman evun thayun chhe pita
Vin bandha thai swaro udi gaya khari bani jindagi
Sathi n jagaman rahyo prabhu tani ashish evi mali
Mrutyune vash a kal thai gai hune bani mrutyuni
A sansar asar chhe ahahah e shikh aje mali
Vhalan haya are are jagataman vhalan uro chiratan
Bhuloni j paranpar jagat a evun dise chhe pita
Kyan shraddha ane prem kyan jagat a akhun akasmatanun
Je pyalun mrugane malyun marananun te hunya magun prabhu
Joi be ghadi a laun mrugane ane vin tuteli pita
E nirman anantan jal mahin dubun pachhi hun pita
Dino kain kanyan daradamaya oho vahi gaya
Faryan chhe e gatro mukh pan faryun chhek j are
Have jo koie pathik gadh pase aṭakato
Shil tyan a vanchi kanik duahkhaman te dubi jato
‘kal chhe bhojya mithi te bhokṭa vin kal nahin
Kalavan kal sathe bhokṭa vin male nahin’
-kalapi
Source: Mavjibhai