અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ
Adhyay – 11 Vishvaroopdarshan Yog
અર્જુન ઉવાચ ।
મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મસંજ્ઞિતમ્ ।
યત્ત્વયોક્તં વચસ્તેન મોહોઽયં વિગતો મમ ॥૧॥
અર્જુન બોલ્યા: ભગવાન ! મારા પર કૃપા કરવા આપે અધ્યાત્મ તત્વનો અતિ ગુહ્ય તથા ભ્રમનાશક જે ઉપદેશ આપ્યો તેનાથી મારા સર્વ મોહનો લોપ થયો છે.(૧)
ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા ।
ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપિ ચાવ્યયમ્ ॥૨॥
હે કમળ નયન ! આપની પાસેથી મેં ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારથી સાંભળ્યા છે. તથા આપનો અવિનાશી પ્રભાવ પણ સાંભળ્યો છે.(૨)
એવમેતદ્યથાત્થ ત્વમાત્માનં પરમેશ્વર ।
દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરં પુરુષોત્તમ ॥૩॥
હે પરમેશ્વર ! આપના સ્વરૂપનું જેવું આપે વર્ણન કર્યું છે તે યથાર્થ જ છે. પરંતુ હે પુરુષોત્તમ !હું આપનું ઈશ્વરી રૂપ જોવા ઈચ્છું છું.(૩)
મન્યસે યદિ તચ્છક્યં મયા દ્રષ્ટુમિતિ પ્રભો ।
યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમવ્યયમ્ ॥૪॥
હે પ્રભો ! તે સ્વરૂપ મારાથી જોઈ શકાય તેમ હોય, એમ આપ માનતા હો તો હે યોગેશ્વર ! તે અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો.(૪)
શ્રીભગવાન ઉવાચ ।
પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોઽથ સહસ્રશઃ ।
નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ ॥૫॥
શ્રીભગવાન બોલ્યા: હે પાર્થ ! અનેક પ્રકારનાં, અનેક વર્ણ અને અનેક આકાર નાં મારા સેંકડો અને હજારો નાના પ્રકાર નાં દિવ્ય રૂપોને નિહાળ.(૫)
પશ્યાદિત્યાન્વસૂન્રુદ્રાનશ્વિનૌ મરુતસ્તથા ।
બહૂન્યદૃષ્ટપૂર્વાણિ પશ્યાશ્ચર્યાણિ ભારત ॥૬॥
હે ભારત ! આદિત્યોને, વસુઓને, રુદ્રોને, અશ્વિનીકુમાંરોને તથા મરુતોને તું નિહાળ વળી પૂર્વે ન જોયેલંl એવા ઘણા આશ્વર્યોને તું જો.(૬)
ઇહૈકસ્થં જગત્કૃત્સ્નં પશ્યાદ્ય સચરાચરમ્ ।
મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યદ્દ્રષ્ટુમિચ્છસિ ॥૭॥
હે ગુડાકેશ ! અહી મારા દેહમાં એકજ સ્થળે રહેલા સ્થાવર-જંગમ સહિત સમગ્ર જગતને આજે તું જો. અને બીજું જે કંઈ જોવા ઈચ્છતો હોય તે પણ જો.(૭)
ન તુ માં શક્યસે દ્રષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા ।
દિવ્યં દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ્ ॥૮॥
પરંતુ તારાં આ ચર્મચક્ષુ વડે તું મને નિહાળી શકીશ નહિ. તે માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપુછું ,મારા અલૈlકિક સામર્થ્યને તું જો.(૮)
સંજય ઉવાચ ।
એવમુક્ત્વા તતો રાજન્મહાયોગેશ્વરો હરિઃ ।
દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ્ ॥૯॥
સંજય બોલ્યા
હે રાજન ! મહાયોગેશ્વર નારાયણે એ પ્રમાણે અર્જુનને કહ્યું. પછી તેને પોતાનું દિવ્ય પરમ ઐશ્વર્યરૂપ વિરાટ સ્વરૂપ બતાવ્યું.(૯)
અનેકવક્ત્રનયનમનેકાદ્ભુતદર્શનમ્ ।
અનેકદિવ્યાભરણં દિવ્યાનેકોદ્યતાયુધમ્ ॥૧૦॥
અનેક મુખ તથા આંખોવાળું, અનેક અદભુત દર્શનવાળું, અનેક દિવ્ય આભુષણવાળું અને અનેક ઉગામેલા દિવ્ય આયુધોવાળું એ સ્વરૂપ હતું.(૧૦)
દિવ્યમાલ્યામ્બરધરં દિવ્યગન્ધાનુલેપનમ્ ।
સર્વાશ્ચર્યમયં દેવમનન્તં વિશ્વતોમુખમ્ ॥૧૧॥
દિવ્ય-માળા અને વસ્ત્રો ધારણ કરેલું, દિવ્ય સુગંધી દ્રવ્યોથી લેપન કરેલું, સર્વ આશ્વર્યમય પ્રકાશરૂપ,અનંત અને સર્વ બાજુ મુખ વાળું તે સ્વરૂપ અર્જુને જોયું.(૧૧)
દિવિ સૂર્યસહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા ।
યદિ ભાઃ સદૃશી સા સ્યાદ્ભાસસ્તસ્ય મહાત્મનઃ ॥૧૨॥
આકાશમાં એક સાથે હજારો સૂર્યોનું તેજ પ્રકાશી ઊઠે તો પણ તે વિશ્વસ્વરૂપ પરમાત્માના તેજની તોલે કદાચ જ આવે.(૧૨)
તત્રૈકસ્થં જગત્કૃત્સ્નં પ્રવિભક્તમનેકધા ।
અપશ્યદ્દેવદેવસ્ય શરીરે પાણ્ડવસ્તદા ॥૧૩॥
તે સમયે અર્જુને દેવાધિદેવ શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં અનેક વિભાગોમાં વિભક્ત થયેલું સર્વ જગત સ્થિત થયેલું જોયું.(૧૩)
તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનંજયઃ ।
પ્રણમ્ય શિરસા દેવં કૃતાઞ્જલિરભાષત ॥૧૪॥
ત્યાર પછી આશ્વર્યચકિત અને રોમાંચિત થયેલો ધનંજય ભગવાન શ્રી હરિને પ્રણામ કરી, બે હાથ જોડી કહેવા લાગ્યો.(૧૪)
અર્જુન ઉવાચ ।
પશ્યામિ દેવાંસ્તવ દેવ દેહે સર્વાંસ્તથા ભૂતવિશેષસંઘાન્ ।
બ્રહ્માણમીશં કમલાસનસ્થમૃષીંશ્ચ સર્વાનુરગાંશ્ચ દિવ્યાન્ ॥૧૫॥
અર્જુન બોલ્યા
હે ભગવાન ! આપના દેહમાં હું સર્વ દેવોને, ભિન્ન ભિન્ન ભૂતોના સમુદાયને, કમળ પર બિરાજમાન સર્વના નિયંતા બ્રહ્માજીને, સર્વ ઋષિઓને તેમજ દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું.(૧૫)
અનેકબાહૂદરવક્ત્રનેત્રં પશ્યામિ ત્વાં સર્વતોઽનન્તરૂપમ્ ।
નાન્તં ન મધ્યં ન પુનસ્તવાદિં પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ ॥૧૬॥
હે વિશ્વેશ્વર ! હે વિશ્વરૂપ ! આપના અગણિત બાહુ, ઉદરો, મુખો અને નેત્રો દેખાઈ રહ્યા છે. એથી સર્વ બાજુ હું આપને અનંત રૂપવાળા જોઉં છું, વળી આપનો આદિ, મધ્ય કે અંત ક્યાંય દેખાતો નથી.(૧૬)
કિરીટિનં ગદિનં ચક્રિણં ચ તેજોરાશિં સર્વતો દીપ્તિમન્તમ્ ।
પશ્યામિ ત્વાં દુર્નિરીક્ષ્યં સમન્તાદ્દીપ્તાનલાર્કદ્યુતિમપ્રમેયમ્ ॥૧૭॥
હે પરમેશ્વર ! મુકુટ યુક્ત, હસ્તમાં ગદા અને ચક્ર ધારણ કરેલા, તેજ ના સમૂહ રૂપ સર્વ બાજુથી પ્રકાશિત, મુશ્કેલીથી નિહાળી શકાય તેવા, પ્રજ્જવલિત અગ્નિ તથા સૂર્યની ક્રાંતિ સમાન, નિશ્વિત કરવાને અશક્ય એવા આપને હું સર્વ તરફથી નિહાળી રહ્યો છું.(૧૭)
ત્વમક્ષરં પરમં વેદિતવ્યં ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્ ।
ત્વમવ્યયઃ શાશ્વતધર્મગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે ॥૧૮॥
હે પરમેશ્વર ! આપ જાણવા યોગ્ય પરમ અક્ષર છો, આપ આ વિશ્વના પરમ આશ્રય છો. આપ અવિનાશી છો.આપ સનાતન ધર્મ ના રક્ષક છો. આપ પુરાણપુરુષ છો એમ હું માનું છું.(૧૮)
અનાદિમધ્યાન્તમનન્તવીર્યમનન્તબાહું શશિસૂર્યનેત્રમ્ ।
પશ્યામિ ત્વાં દીપ્તહુતાશવક્ત્રં સ્વતેજસા વિશ્વમિદં તપન્તમ્ ॥૧૯॥
હે વિભુ ! આપનો આદિ, મધ્ય કે અંત નથી, આપ અનંત શક્તિવાળા, અનંત બાહુ વાળા, ચંદ્રસૂર્યરૂપી નેત્રોવાળા, મુખમાં પ્રજ્જવલિત અગ્નિવાળા, પોતાના પરમ તેજથી વિશ્વને તપાવનારા આપને હું જોઈ રહ્યો છું.(૧૯)
દ્યાવાપૃથિવ્યોરિદમન્તરં હિ વ્યાપ્તં ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ ।
દૃષ્ટ્વાદ્ભુતં રૂપમુગ્રં તવેદં લોકત્રયં પ્રવ્યથિતં મહાત્મન્ ॥૨૦॥
હે મહાત્મન ! આપ એકલા એ જ આકાશ અને પૃથ્વીનું સઘળું અંતર વ્યાપ્ત કર્યું છે. તથા સર્વ દિશાઓ આપનાથી વ્યાપ્ત દેખાય છે. આપના અદભુત અને અતિ ઉગ્રરૂપને જોઇને ત્રણેલોક અત્યંત ભયભીત બની ગયંl છે.(૨૦)
અમી હિ ત્વાં સુરસઙ્ઘા વિશન્તિ કેચિદ્ભીતાઃ પ્રાઞ્જલયો ગૃણન્તિ ।
સ્વસ્તીત્યુક્ત્વા મહર્ષિસિદ્ધસંઘાઃ સ્તુવન્તિ ત્વાં સ્તુતિભિઃ પુષ્કલાભિઃ ॥૨૧॥
આ દેવોનો સમૂહ આપનામાં જ પ્રવેશે છે.કેટલાક ભયભીત થઈને બે હાથ જોડી આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિદ્ધોનો સમૂહ ” કલ્યાણ થાઓ ” એમ બોલીને પરિપૂર્ણ અર્થ બોધ કરનારા સ્તુતિ વચનો વડે આપની સ્તુતિ કરે છે.(૨૧)
રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યા વિશ્વેઽશ્વિનૌ મરુતશ્ચોષ્મપાશ્ચ ।
ગન્ધર્વયક્ષાસુરસિદ્ધસંઘા વીક્ષન્તે ત્વાં વિસ્મિતાશ્ચૈવ સર્વે ॥૨૨॥
હે વિભુ ! રુદ્ર, આદિત્યો, વસુઓ, સાધ્ય દેવો, વિશ્વદેવો, અશ્વિનીકુમારો,મરુતો, પિતૃઓ, ગંધર્વ, યક્ષ, અસુર,સિદ્ધોનો સમૂહ વગેરે સર્વ વિસ્મ્સ્ય થયેલા આપને જોઈ રહ્યા છે.(૨૨)
રૂપં મહત્તે બહુવક્ત્રનેત્રં મહાબાહો બહુબાહૂરુપાદમ્ ।
બહૂદરં બહુદંષ્ટ્રાકરાલં દૃષ્ટ્વા લોકાઃ પ્રવ્યથિતાસ્તથાહમ્ ॥૨૩॥
હે મહાબાહો ! બહુ મુખ તથા નેત્રવાળા, ઘણા હાથ -પગવાળા, ઘણા ઉદર વાળા, ઘણી વિકરાળ દાઢોવાળા આપના આ વિશાળ રૂપને જોઇને લોકો ભય પામી રહ્યા છે
તેમજ હું પણ વ્યથિત થઇ રહ્યો છું.(૨૩)
નભઃસ્પૃશં દીપ્તમનેકવર્ણં વ્યાત્તાનનં દીપ્તવિશાલનેત્રમ્ ।
દૃષ્ટ્વા હિ ત્વાં પ્રવ્યથિતાન્તરાત્મા ધૃતિં ન વિન્દામિ શમં ચ વિષ્ણો ॥૨૪॥
હે વિષ્ણુ ! આકાશને સ્પર્શ કરતા, પ્રજ્જવલિત અનેક વર્ણવાળા, ઉઘાડા મુખવાળા, વિશાળ તેજસ્વી આંખોવાળા આપને નિહાળી ને નિશ્વય થી મારો અંતરાત્મા વ્યાકુળ થઇ રહ્યો છે. આથી મારું મન ધીરજ ન ધરવા થી હું શાંતિ ને પામી શકતો નથી.(૨૪)
દંષ્ટ્રાકરાલાનિ ચ તે મુખાનિ દૃષ્ટ્વૈવ કાલાનલસંનિભાનિ ।
દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસીદ દેવેશ જગન્નિવાસ ॥૨૫॥
હે દેવેશ ! આપની વિકરાળ દાઢોવાળા, પ્રલયકાળ ના અગ્નિ સમાન આપના મુખો જોઈને હું દિશાઓને પણ સમજી શકતો નથી તથા મને સુખ મળતું નથી.
હે જગનિવાસ ! આપ મારા પર પ્રસન્ન થાઓ.(૨૫)
અમી ચ ત્વાં ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહૈવાવનિપાલસંઘૈઃ ।
ભીષ્મો દ્રોણઃ સૂતપુત્રસ્તથાસૌ સહાસ્મદીયૈરપિ યોધમુખ્યૈઃ ॥૨૬॥
હે વિભો ! રાજાઓના સમૂહ સહિત ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો આપનામાં પ્રવેશ કરી રહ્યા છે. ભીષ્મ, દ્રોણાચાર્ય, સુતપુત્ર કર્ણ, અને અમારા સંબંધરૂપ અનેક પ્રમુખ યોદ્ધાઓ.(૨૬)
વક્ત્રાણિ તે ત્વરમાણા વિશન્તિ દંષ્ટ્રાકરાલાનિ ભયાનકાનિ ।
કેચિદ્વિલગ્ના દશનાન્તરેષુ સંદૃશ્યન્તે ચૂર્ણિતૈરુત્તમાઙ્ગૈઃ ॥૨૭॥
વિકરાળ દાઢોવાળા આપના ભયાનક મુખોમાં વેગપૂર્વક પ્રવેશી રહ્યા છે. કેટલાક યોદ્ધાઓ ચૂર્ણ થયેલાં મસ્તકો સહિત આપના દાંતોની વચ્ચે વળગેલા છે.(૨૭)
યથા નદીનાં બહવોઽમ્બુવેગાઃ સમુદ્રમેવાભિમુખા દ્રવન્તિ ।
તથા તવામી નરલોકવીરા વિશન્તિ વક્ત્રાણ્યભિવિજ્વલન્તિ ॥૨૮॥
જેમ નદીઓના ઘણા જળપ્રવાહો સાગર તરફ વહેતાં વહેતાં સાગરમાં સમાઈ જાય છે, તેમ આ લોક નાયકો આપના પ્રકાશમાન મુખોમાં પ્રવેશ કરે છે.(૨૮)
યથા પ્રદીપ્તં જ્વલનં પતંગા વિશન્તિ નાશાય સમૃદ્ધવેગાઃ ।
તથૈવ નાશાય વિશન્તિ લોકાસ્તવાપિ વક્ત્રાણિ સમૃદ્ધવેગાઃ ॥૨૯॥
જેમ પ્રજ્જવલિત અગ્નિમાં નાશ પામવા માટે પતંગિયાં વેગપૂર્વક પ્રવેશ કરી જાય છે, તેમ આ સર્વ લોકો પણ અત્યંત વેગવાળા થઈને નાશ પામવા માટે જ
આપના પ્રજ્જવલિત મુખમાં પ્રવેશ કરતા જાય છે.(૨૯)
લેલિહ્યસે ગ્રસમાનઃ સમન્તાલ્લોકાન્સમગ્રાન્વદનૈર્જ્વલદ્ભિઃ ।
તેજોભિરાપૂર્ય જગત્સમગ્રં ભાસસ્તવોગ્રાઃ પ્રતપન્તિ વિષ્ણો ॥૩૦॥
હે વિષ્ણુ ! આપના પ્રજ્જવલિત મુખો વડે સમગ્ર લોકોને ગળી જવાના હો તેમ આપ ચારે બાજુથી ચાટી રહ્યા છો.આપનું અતિ ઉગ્ર તેજ સંપૂર્ણ જગતને સંતાપી રહ્યું છે.(૩૦)
આખ્યાહિ મે કો ભવાનુગ્રરૂપો નમોઽસ્તુ તે દેવવર પ્રસીદ ।
વિજ્ઞાતુમિચ્છામિ ભવન્તમાદ્યં ન હિ પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ્ ॥૩૧॥
હે દેવશ્રેષ્ઠ ! આવા અતિ ઉગ્ર સ્વરૂપવાળા આપ કોણ છો ! આપ પ્રસન્ન થાઓ. હું આપને નમસ્કાર કરું છું.સર્વના આદ્ય રૂપ આપને હું જાણવાની ઈચ્છા રાખું છું.
કેમકે આપની ગુઢ ચેષ્ટાઓને હું જાણતો નથી.(૩૧)
શ્રીભગવાન ઉવાચ ।
કાલોઽસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ।
ઋતેઽપિ ત્વાં ન ભવિષ્યન્તિ સર્વે યેઽવસ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધાઃ ॥૩૨॥
શ્રીભગવાન બોલ્યા
લોકોનો સંહાર કરનારો, અત્યંત વૃદ્ધિ પામેલો મહાન કાળ હું છું,
હાલ આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત થયો છું, પ્રતિપક્ષીઓની સેનામાં જે યોદ્ધાઓ ઉભા છે તે તારા વગર પણ જીવંત રહેવાના નથી.(૩૨)
તસ્માત્ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જિત્વા શત્રૂન્ભુઙ્ક્ષ્વ રાજ્યં સમૃદ્ધમ્ ।
મયૈવૈતે નિહતાઃ પૂર્વમેવ નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન્ ॥૩૩॥
હે સર્વસાચિ ! માટે તું યુદ્ધ કરવા ઉભો થઇ જા. શત્રુઓને જીતીને યશ મેળવ અને ઐશ્વર્યસંપન્ન રાજ્ય ભોગવ. તારા આ શત્રુઓ ખરેખર તો મેં પહેલેથી જ મારી નાખ્યા છે. તું કેવળ નિમિત્તરૂપ બન.(૩૩)
દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથાન્યાનપિ યોધવીરાન્ ।
મયા હતાંસ્ત્વં જહિ મા વ્યથિષ્ઠા યુધ્યસ્વ જેતાસિ રણે સપત્નાન્ ॥૩૪॥
દ્રોણને તથા ભીષ્મને, જયદ્રથને તથા કર્ણને અને બીજા મહારથી યોદ્ધાઓને મેં હણેલા જ છે તેમને તું હણ. ભયને લીધે તું વ્યથિત ન થા. હે પાર્થ ! તું યુદ્ધ કર.રણમાં દુશ્મનો પર તું અવશ્ય વિજય મેળવીશ.(૩૪)
સંજય ઉવાચ ।
એતચ્છ્રુત્વા વચનં કેશવસ્ય કૃતાઞ્જલિર્વેપમાનઃ કિરીટી ।
નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં સગદ્ગદં ભીતભીતઃ પ્રણમ્ય ॥૩૫॥
સંજય બોલ્યા: ભગવાન કેશવના આ વચનો સાંભળી, બે હાથ જોડી, સંભ્રમથી કંપતો, મનમાં અત્યંત ભયભીત થતો અર્જુન નમસ્કાર કરી અત્યંત નમ્ર અને ગદ્દ ગદ્દ કંઠે ફરીથી ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો.(૩૫)
અર્જુન ઉવાચ ।
સ્થાને હૃષીકેશ તવ પ્રકીર્ત્યા જગત્પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ ।
રક્ષાંસિ ભીતાનિ દિશો દ્રવન્તિ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસંઘાઃ ॥૩૬॥
અર્જુન બોલ્યા
હે ઋષિકેશ ! આપના શ્રવણ અને કીર્તનથી જગત હર્ષ પામે છે અને અનુરાગ પામે છે.રાક્ષસો ભય પામીને સર્વ દિશાઓમાં નાસે છે અને બધા સિદ્ધો ના સમૂહ આપને નમસ્કાર કરે છે તે યોગ્ય છે.(૩૬)
કસ્માચ્ચ તે ન નમેરન્મહાત્મન્ગરીયસે બ્રહ્મણોઽપ્યાદિકર્ત્રે ।
અનન્ત દેવેશ જગન્નિવાસ ત્વમક્ષરં સદસત્તત્પરં યત્ ॥૩૭॥
હે મહાત્મન ! હે અનંત ! હે દેવેશ ! હે જગનિવાસ ! બ્રહ્મના પણ આપ ગુરુરૂપ છો. આદિકર્તા તે સર્વ આપને શા માટે નમસ્કાર ન કરે ? આપ સત્ છો, આપ અસત્ છો. આપ તેનાથી ય પર છો. અક્ષર બ્રહ્મ પણ આપ જ છો.(૩૭)
ત્વમાદિદેવઃ પુરુષઃ પુરાણસ્ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્ ।
વેત્તાસિ વેદ્યં ચ પરં ચ ધામ ત્વયા તતં વિશ્વમનન્તરૂપ ॥૩૮॥
હે અનંતરૂપ ! હે આદિદેવ ! આપ જ પુરાણપુરુષ છો.આપ આ વિશ્વના લયસ્થાન રૂપ છો. આપ જ્ઞાતા છો, અને જ્ઞેય છો અને આપ જ પરમ ધામ છો.(૩૮)
વાયુર્યમોઽગ્નિર્વરુણઃ શશાઙ્કઃ પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ ।
નમો નમસ્તેઽસ્તુ સહસ્રકૃત્વઃ પુનશ્ચ ભૂયોઽપિ નમો નમસ્તે ॥૩૯॥
વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, કશ્ય પાદિ પ્રજાપતિ અને બ્રહ્મદેવના જનક પણ આપ જ છો. આપને હજારો વાર નમસ્કાર હો.અને વારંવાર નમસ્કાર હો.(૩૯)
નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે નમોઽસ્તુ તે સર્વત એવ સર્વ ।
અનન્તવીર્યામિતવિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોઽસિ સર્વઃ ॥૪૦॥
હે સર્વરૂપ પરમેશ્વર ! આપને સામેથી, પાછળથી, સર્વ તરફથી નમસ્કાર હો. આપના બળ અને પરાક્રમ અપાર છે. આપનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. તો પછી આપ જ સર્વ સ્વરૂપ છો.(૪૦)
સખેતિ મત્વા પ્રસભં યદુક્તં હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ ।
અજાનતા મહિમાનં તવેદં મયા પ્રમાદાત્પ્રણયેન વાપિ ॥૪૧॥
હે વિભુ ! આપના આ મહિમાને ન જાણનારા મેં, આપ મારા મિત્ર છો એમ માની ને ચિત્તની ચંચળતાથી અથવા પ્રેમવશ હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખા ! એ પ્રમાણે હઠપૂર્વક જે કંઈ કહ્યું હોય તે સર્વ પાપ મને ક્ષમા કરો.(૪૧)
યચ્ચાવહાસાર્થમસત્કૃતોઽસિ વિહારશય્યાસનભોજનેષુ ।
એકોઽથવાપ્યચ્યુત તત્સમક્ષં તત્ક્ષામયે ત્વામહમપ્રમેયમ્ ॥૪૨॥
હે અચુય્ત ! પરિહાસથી, વિહારમાં, સૂતાં, બેસતાં, ખાતાં-પીતાં, એકલા અથવા કદાચિત મિત્રોની સમક્ષ વિનોદાર્થે મેં આપનું જે કંઈ અપમાન કર્યું હોય તે બધા માટે અચિંત્ય પ્રભાવવાળા આપ મને ક્ષમા કરો.(૪૨)
પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ ।
ન ત્વત્સમોઽસ્ત્યભ્યધિકઃ કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ॥૪૩॥
હે અનુપમ પ્રભાવ વાળા ! આપ આ ચરાચર જગત ના પિતા છો, પૂજ્ય પરમગુરુ છો. અધિક ગૌરવ વાળા છો. ત્રણે લોકમાં આપના સમાન બીજો કોઈ નથી. તો આપના થી અધિક તો ક્યાંથી હોય ? (૪૩)
તસ્માત્પ્રણમ્ય પ્રણિધાય કાયં પ્રસાદયે ત્વામહમીશમીડ્યમ્ ।
પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાયાર્હસિ દેવ સોઢુમ્ ॥૪૪॥
એટલા માટે હે ભગવન્ ! હું સાષ્ટાંગ પ્રણામ કરી ને સ્તુતિ કરવા યોગ્ય અને સમર્થ એવા આપને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરું છું.જેમ પિતા પુત્રના અપરાધ, મિત્ર મિત્રના અપરાધ અને પુરુષ પોતાની પ્રિયાના અપરાધ સહન કરે છે, તેમ આપ મારા અપરાધ સહન કરવા યોગ્ય છો.(૪૪)
અદૃષ્ટપૂર્વં હૃષિતોઽસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતં મનો મે ।
તદેવ મે દર્શય દેવરૂપં પ્રસીદ દેવેશ જગન્નિવાસ ॥૪૫॥
હે દેવેશ ! હે જગ નિવાસ ! પહેલાં કદી ન જોયેલાં એવા આપના દિવ્ય વિશ્વરૂપને જોઈને મને હર્ષ થયો છે અને ભયથી મારું ચિત્ત અતિ વ્યાકુળ થયું છે. માટે હે દેવ આપ પ્રસન્ન થાઓ અને મને આપનું પહેલાં નું મનુષ્ય સ્વરૂપ દેખાડો.(૪૫)
કિરીટિનં ગદિનં ચક્રહસ્તમિચ્છામિ ત્વાં દ્રષ્ટુમહં તથૈવ ।
તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે ॥૪૬॥
હે હજારભુજાવાળા ! હે વિશ્વમૂર્તિ ! આપને મુકુટધારી, હાથમાં ગદા- ચક્ર ધારણ કરેલા જોવાની મારી ઈચ્છા છે. માટે આપ પહેલાં ની જેમ ચતુર્ભુજ સ્વરૂપ વાળા થવાની કૃપા કરો.(૪૬)
શ્રીભગવાન ઉવાચ ।
મયા પ્રસન્નેન તવાર્જુનેદં રૂપં પરં દર્શિતમાત્મયોગાત્ ।
તેજોમયં વિશ્વમનન્તમાદ્યં યન્મે ત્વદન્યેન ન દૃષ્ટપૂર્વમ્ ॥૪૭॥
શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન ! તારા પર પ્રસન્ન થઈને મેં મારા આત્મયોગના સામર્થ્ય થી તને મારું આ પરમ તેજોમય, સમસ્ત, વિશ્વરૂપ , અનંત, અનાદિ એવું આ શ્રેષ્ઠરૂપ દેખાડ્યું છે. મારું આ રૂપ પહેલાં કોઈએ નિહાળ્યું નથી .(૪૭)
ન વેદયજ્ઞાધ્યયનૈર્ન દાનૈર્ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ ।
એવંરૂપઃ શક્ય અહં નૃલોકે દ્રષ્ટું ત્વદન્યેન કુરુપ્રવીર ॥૪૮॥
હે કુરુશ્રેષ્ઠ ! વેદોના તથા યજ્ઞોના પ્રભાવથી, દાન વડે, ક્રિયા કર્મ વડે અથવા ઉગ્ર તપસ્યા વડે મારું આ વિશ્વરૂપ આ મનુષ્યલોકમાં કોઈને મેં કદી પણ દેખાડ્યું નથી. કેવળ તું જ આ સ્વરૂપ જોઈ શક્યો.(૪૮)
મા તે વ્યથા મા ચ વિમૂઢભાવો દૃષ્ટ્વા રૂપં ઘોરમીદૃઙ્મમેદમ્ ।
વ્યપેતભીઃ પ્રીતમનાઃ પુનસ્ત્વં તદેવ મે રૂપમિદં પ્રપશ્ય ॥૪૯॥
મારા આ પ્રકારના આ ધોર સ્વરૂપને જોઈને તું વ્યથિત ન થા.અને વ્યાકુળ પણ ન થા. તું ફરી ભય રહિત અને પ્રસન્ન ચિત્તવાળો થઈને મારું પહેલાંનું જ ચતુર્ભુજ સ્વરૂપ નીહાળ.(૪૯)
સંજય ઉવાચ ।
ઇત્યર્જુનં વાસુદેવસ્તથોક્ત્વા સ્વકં રૂપં દર્શયામાસ ભૂયઃ ।
આશ્વાસયામાસ ચ ભીતમેનં ભૂત્વા પુનઃ સૌમ્યવપુર્મહાત્મા ॥૫૦॥
સંજય બોલ્યા
આમ વાસુદેવ પોતાના પરમ ભક્ત અર્જુનને આ પ્રમાણે કહીને ફરી પોતાનું પૂર્વે હતું તે શરીર ધારણ કરી બતાવ્યું. આમ સૌમ્ય દેહવાળા ભગવાને પોતાના ભય પામેલા ભક્ત અર્જુનને આશ્વાસન આપ્યું.(૫૦)
અર્જુન ઉવાચ ।
દૃષ્ટ્વેદં માનુષં રૂપં તવ સૌમ્યં જનાર્દન ।
ઇદાનીમસ્મિ સંવૃત્તઃ સચેતાઃ પ્રકૃતિં ગતઃ ॥૫૧॥
અર્જુન બોલ્યા: હે જનાર્દન ! આપના આ સૌમ્ય મનુષ્યરૂપ ને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું તથા મારું મન પહેલાં જેવું સ્વસ્થ બની ગયું છે.(૫૧)
શ્રીભગવાન ઉવાચ ।
સુદુર્દર્શમિદં રૂપં દૃષ્ટવાનસિ યન્મમ ।
દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યં દર્શનકાઙ્ક્ષિણઃ ॥૫૨॥
શ્રીભગવાન બોલ્યા: મારું જે વિરાટ સ્વરૂપ તેં હમણાં જોયું તે રૂપ જોવાનું અત્યંત દુર્લભ છે. દેવો પણ નિરંતર આ રૂપનાં દર્શન કરવાની ઈચ્છા રાખે છે.(૫૨)
નાહં વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્યયા ।
શક્ય એવંવિધો દ્રષ્ટું દૃષ્ટવાનસિ માં યથા ॥૫૩॥
તેં જે સ્વરૂપ વાળો હમણાં મને જોયો તે સ્વરૂપવાળો હું વેદ્શાસ્ત્રના અધ્યયનથી, ચન્દ્રાયણાદિ તાપથી, દાનથી અને યજ્ઞો થી પણ શક્ય નથી.(૫૩)
ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવંવિધોઽર્જુન ।
જ્ઞાતું દ્રષ્ટું ચ તત્ત્વેન પ્રવેષ્ટું ચ પરંતપ ॥૫૪॥
હે પરંતપ ! હે અર્જુન ! મારા વિશ્વરૂપને ખરેખર જાણવાનું, જોવાનું અને તદ્રુપ થવાનું એક માત્ર સાધન કેવળ અનન્ય ભક્તિ જ છે.(૫૪)
મત્કર્મકૃન્મત્પરમો મદ્ભક્તઃ સઙ્ગવર્જિતઃ ।
નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સ મામેતિ પાણ્ડવ ॥૫૫॥
હે પાંડવ ! મને જે પ્રાપ્ત કરવાના ઉદેશથી કર્મ કરનાર, મને જ સર્વસ્વ માનનાર, ઉપાધિરહિત અને સર્વ ભૂતોમાં જે વેર રહિત છે તે જ મારો ભક્ત છે.અને તે જ મને પામે છે.(૫૫)
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
વિશ્વરૂપદર્શનયોગો નામૈકાદશોઽધ્યાયઃ ॥૧૧॥
અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)